તારે મિસ કૉલ આપવાનો

01 July, 2020 07:49 PM IST  |  Mumbai | Rashmin Shah

તારે મિસ કૉલ આપવાનો

જાણીતા ઍક્ટર દીપક દવેનું ગઈ કાલે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં કાર્ડિઍક અરેસ્ટના કારણે નિધન થયું. આ દુખદ સમાચાર અનુપમ ખેરે ટ્વીટ કરીને સૌ સુધી પહોંચાડ્યા. અનુપમ ખેર અને દીપક દવે છેલ્લાં ઘણાં વર્ષોથી નિયમિત કૉન્ટૅક્ટમાં હતા. માત્ર અનુપમ ખેર જ નહીં, અમેરિકા જનારા મોટા ભાગના આર્ટિસ્ટ દીપક દવેના સંપર્કમાં રહેતા. ભારતથી આર્ટિસ્ટનું આવવું એ દીપક દવે માટે પણ જાણે લાપસીનું આંધણ મૂક્યા જેવો ઘાટ થતો. દીપક દવે અમેરિકા બધી રીતે સેટલ હતા અને એ પછી પણ તે કહેતા કે નારાયણને મળવા વૈકુંઠ જઈએ અને એવા સમયે નારાયણ મથુરા ચાલ્યા જાય પછી જે મનમાં વિલાપ જાગે એવો વિલાપ મુંબઈ અને મુંબઈની ગુજરાતી રંગભૂમિથી દૂર થયા પછી હૈયામાં છાના ખૂણે રહ્યા કરે.

લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર હરીન્દ્ર દવેના દીકરા એવા દીપક દવેએ ક્યારેય સાહિત્ય પર હાથ અજમાવ્યો નહીં પણ જે કોઈ તેમને નજીકથી ઓળખે એ સૌકોઈનું કહેવું હતું કે જો દીપકે ગુજરાતી સાહિત્ય પર હાથ અજમાવ્યો હોત તો તે ચોક્કસ બહુ સારો લેખક પુરવાર થાત. સિત્તેરથી વધુ નાટક, પંદર જેટલી ટીવી-સિરિયલ અને બાર ફિલ્મોમાં ઍક્ટિંગ કરનારા દીપક દવેના અવાજમાં જે કશિશ હતી એ કશિશ તો અનુપમ ખેરને પણ પ્રભાવિત કરી ગઈ હતી. અનુપમ ખેર કહે છે, ‘છ ફીટની હાઇટ અને બેસ (bass) ધરાવતો અવાજ. આજે પણ મારી આંખ સામે છે. દીપક વૉઝ ટ્રુલી બિલિઅન્ટ.’

દીપક દવેએ અનેક ઍડ ફિલ્મ્સમાં વૉઇસઓવર આપ્યો તો અનેક ફિલ્મોમાં ડબિંગ પણ કર્યું. એંસી પહેલાંના સમયગાળામાં રંગભૂમિ પર દાખલ થનારા દીપક દવેએ જો અમેરિકા જવાનું પસંદ ન કર્યું હોત તો આજે ગુજરાતી રંગભૂમિ પર તરખાટ મચાવતા હોત એવું એકેએક ગુજરાતી ઍક્ટરનું માનવું છે.

ગુજરાતી નાટકો પર પોતાનો દબદબો પ્રસ્થાપિત પછી દીપક દવેએ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. દીપક દવેની ગુજરાતી ફિલ્મ ‘નાનો દિયરિયો લાડકો’એ ડૂબતી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હતું. એ પછી તેમણે અનેક ફિલ્મો કરી. જોકે ફિલ્મોની સાથોસાથ તેમણે ક્યારેય ગુજરાતી રંગભૂમિથી દૂર રહેવાનું કે પછી એને તિલાંજલિ આપવાનું કામ કર્યું નહીં. ‘શુભ દિન આયો રે’, ‘રુતુનો રિતિક’, ‘આ છે આદમખોર’, ‘હિમકવચ’, ‘સાચા બોલા જૂઠાલાલ’ જેવાં અનેક નાટકો કર્યાં અને એ નાટકોએ ગુજરાતી રંગભૂમિને એક નવું સીમાંકન આપ્યું.

દીપક દવે ભારતીય વિદ્યા ભવન સાથે જોડાયેલા હતા. ૨૦૦૩થી ૨૦૦પ સુધી તેમણે ભવન્સ ખાતે પ્રોગ્રામ-ડિરેક્ટરની ફરજ બજાવી તો એ પછી તેમને અમેરિકા મોકલવામાં આવ્યા. અમેરિકામાં ભારતીય વિદ્યા ભવનની શરૂઆત દીપક દવે હસ્તક થઈ. શરૂઆતના સમયમાં તે પ્રોગ્રામ-મૅનેજર હતા તો બાર વર્ષ પહેલાં તેમને પ્રમોશન આપીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ન્યુ યૉર્કના ભવન્સની યેનકેન પ્રકારેણ હેલ્પ લેવામાં એક પણ ભારતીય કલાકાર બાકી નથી રહ્યા. જગજિત સિંહને પણ દીપક દવેએ જરૂર પડ્યે મદદ કરી છે તો અનુરાધા પૌડવાલથી માંડીને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કલાકારો સુધ્ધાંએ દીપક દવેનો સાથ લીધો છે અને એમ છતાં પણ પંદર વર્ષથી અમેરિકામાં હોવા છતાં પણ દીપક દવે સતત મુંબઈ અને મુંબઈની રંગભૂમિના સંપર્કમાં રહેતા અને એવી જ રીતે સૌકોઈની સાથે રહેતા કે જાણે તે બોરીવલી-કાંદિવલીમાં જ રહેતો ભાઈબંધ છે. વૉટ્સઍપ કૉલ તો હવે આવ્યા, પણ પહેલાં ઇન્ટરનૅશનલ કૉલની સિસ્ટમ હતી અને મિનિટના વીસ-પચીસ રૂપિયા ખર્ચવા પડતા ત્યારે જો કોઈ નાનો કલાકાર દીપક દવેને ફોન કરે તો દીપકભાઈ ફોન કટ કરીને સામો ફોન કરે અને પછી કલાકેક વાત કરે. કહે પણ ખરા, આ તો વૈકુંઠનો ફેરો વસૂલ થઈ ગયો.

લૉકડાઉનના આ સમયગાળામાં નાટકોના શો થતા નહોતા એટલે હજી પંદર દિવસ પહેલાં દીપક દવેએ વિપુલ વિઠલાણી સાથે ભવન્સ-અમેરિકા માટે ઝૂમ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એકાંકી ‘ખેલંદો’ ભજવ્યું પણ ખરું જે દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓએ માણ્યું પણ ખરું. બે જ કલાકારના આ નાટકમાં દીપક દવેએ એક કૅરૅક્ટર કર્યું, જ્યારે બીજું કૅરૅક્ટર વિપુલ વિઠલાણીએ કર્યું. વિપુલ વિઠલાણી કહે છે, ‘તે જ્યાં પણ હોય તેનો ઘેઘુર અવાજ કલાકારોના જ નહીં, ઑડિયન્સના કાનમાં પણ આખી જિંદગી ગુંજતો રહેશે.’

entertainment news dhollywood news Rashmin Shah gujarati film