ફિલ્મ ‘છેલ્લો શૉ’ને મળી વધુ એક સફળતા: ભારતમાં આ દિવસે OTT પર રિલીઝ થશે ફિલ્મ

21 November, 2022 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે ફેસ્ટિવલની શરૂઆત સાઉથ કોરિયન હિટ ફિલ્મ લી જંગ-જાએની ધ હંટ સાથે થઈ હતી અને અંતિમ ફિલ્મ પાર્ક વાન-ચૂકની ડિસિઝન ટુ લીવ હતી

તસવીર સૌજન્ય: પીઆર

ઑસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી ‘છેલ્લો શૉ’ (Last Film Show)ને વધુ એક સફળતા મળી છે. ફિલ્મ છેલ્લો શૉને એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ (AWFF) ખાતે શ્રેષ્ઠ ફિલ્મ - સ્નો લેપર્ડ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ વર્ષના એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ (AWFF)ની 8મી આવૃત્તિમાં સમગ્ર એશિયા અને પૂર્વ યુરોપની ઘણી પ્રખ્યાત ફિલ્મોએ ભાગ લીધો હતો.

આ વર્ષે ફેસ્ટિવલની શરૂઆત સાઉથ કોરિયન હિટ ફિલ્મ લી જંગ-જાએની ધ હંટ સાથે થઈ હતી અને અંતિમ ફિલ્મ પાર્ક વાન-ચૂકની ડિસિઝન ટુ લીવ હતી. લાઇનઅપમાં ઘણી એશિયન ફિલ્મોનો પણ સમાવેશ થાય છે જે 95મા ઓસ્કારમાં પ્રવેશી છે. શ્રેષ્ઠ ફિલ્મ - સ્નો લેપર્ડ તરીકે લાસ્ટ ફિલ્મ શૉને પુરસ્કાર આપતા પહેલા, જ્યુરીએ તેમનો સર્વસંમતિથી નિર્ણય આપ્યો હતો. 
બેવર્લી હિલ્સના પ્રેક્ષકોથી ભરચક સબન થિયેટરમાં જ્યુરીએ નિવેદન રજૂ કરતાં કહ્યું કે "શ્રેષ્ઠ ફિલ્મ દરેક દરેક એવી વસ્તુનો સમાવેશ કરે છે, જે આપણે એક પરફેક્ટ ફિલ્મમાં જોવા માગતા હોઈએ : સારું સ્ટોરી ટેલિંગ, મૂવિંગ પર્ફોર્મન્સ, તકનીકી રીતે આકર્ષક, વિઝયુઅલ ટ્રીટ અને પ્રેક્ષકો સાથે હૃદયપૂર્વકનું જોડાણ.”

જેનેટ નેપૅલેસ અને પીટૉફ જીન ક્રિસ્ટોફે જણાવ્યું હતું કે “અમને આ વર્ષે ઘણી સારી ફિલ્મોની લાઇન મળી છે અને તેથી બેસ્ટ ફિલ્મનો નિર્ણય કરવો અઘરો હતો, પરંતુ આ ફિલ્મે અમને યાદ કરાવ્યું કે અમને સિનેમા કેમ પસંદ છે. તે અમને સિનેમાની મંત્રમુગ્ધતા અને પ્રેરણા બંનેની ક્ષમતાની યાદ અપાવે છે. આ ફિલ્મ સિનેમાના પ્રકાશ અને જીવન સમક્ષનો એક પ્રેમપત્ર છે. તે ફિલ્મ અને સિનેમેટિક અનુભવની ઉજવણી કરે છે."

લેખક-નિર્દેશક પાન નલિન (Pan Nalin) અને નિર્માતા ધીર મોમાયાને ટ્રોફી આપવામાં આવી હતી. એવોર્ડ સ્વીકારતી વખતે પાન નલિને કહ્યું, “અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે, અમે અમારા એકાંતમાં જે કર્યું તે વિશ્વભરના લોકોમાં ગુંજી રહ્યું છે. લાસ્ટ ફિલ્મ શૉ દ્વારા અમે માત્ર મનોરંજન નહોતા કરવા માગતા, પરંતુ તમને તમારામાં રહેલા બાળકની નજીક લાવવા માગતા હતા, જેથી તમે કમિંગ ઑફ ઍજ ડ્રામાની નિર્ભયતાના સાક્ષી બની શકો.”

ઉલ્લેખનીય છે કે સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ 2 ડિસેમ્બર 2022ના રોજ લાસ્ટ ફિલ્મ શૉને અમેરિકાના  થિયેટરમાં રિલીઝ કરશે. છેલ્લો શૉ ભારતમાં 25 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થશે.

આ પણ વાંચો: માનસી પારેખ જેવી મહિલાઓ આ ક્ષેત્રમાં વધુ સક્રિય ભાગ લે એ જરૂરી છે : રત્ના પાઠક

entertainment news bollywood news Last Film Show Pan Nalin