Teacher's day 2019:જાણો કેમ આ ઢોલીવુડ સેલેબ્સ માટે તેમના ટીચર્સ છે ખાસ!

05 September, 2019 06:37 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

Teacher's day 2019:જાણો કેમ આ ઢોલીવુડ સેલેબ્સ માટે તેમના ટીચર્સ છે ખાસ!

કેમ આ ઢોલીવુડ સેલેબ્સ માટે તેમના ટીચર્સ છે ખાસ!


શિક્ષક..વ્યક્તિના જીવનમાં માતા-પિતા પછી સૌથી મહત્વનું સ્થાન ધરાવતું વ્યક્તિત્વ. કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ તેના ગુરૂએ તેને આપેલી શીખનો મોટો ફાળો હોય છે. શિક્ષક દિને Gujaratimidday.comએ ઢોલીવુડના સિતારાઓ સાથે ખાસ વાત કરી અને તેમની પાસેથી જાણ્યું તેમના ગુરૂના તેમના જીવનમાં મહત્વ વિશે.

મયુર 'માઈકલ' ચૌહાણ
કરસનદાસ પે એન્ડ યુઝના તિલોક એટલે આપણા માઈકલ. પોતાના ગુરૂને યાદ કરતા માઈકલ કહે છે કે, તેઓ એન્જીનિયરિંગના બીજા વર્ષમાં હતા ત્યારે દર્પણા એકેડેમીમાં નિસર્ગ ત્રિવેદી પાસે થીએટર શીખતા હતા. નિસર્ગ ત્રિવેદીએ તેમને પુછ્યું કે તેઓ શું કરે છે, ત્યારે માઈકલે કહ્યું કે તેઓ ભણે છે. ત્યારે નિસર્ગ ત્રિવેદીએ તેમને કહ્યું કે, તારે મને પ્રોમિસ આપવું પડશે કે, તું એન્જિનિયરિંગ પુરૂં કરીશ. અને માઈકલે એ વચન નિભાવ્યું પણ ખરા.

નિસર્ગ ત્રિવેદી સાથે મયુર

માઈકલ કહે છે કે મારા ગુરૂને એક સૌથી સારી સલાહ જેને હું હંમેશા ફૉલો કરું છે એ છે, 'સારા કલાકાર બનવા માટે સારા માણસ બનવું જરૂરી છે.' બસ તેમના આ જ શબ્દોને હંમેશા સાથે લઈને હું ચાલું છું.

ભક્તિ કુબાવત
વિટામિન શી ફેમ ગોર્જિયસ અભિનેત્રી એટલે ભક્તિ કુબાવત. ટીચર્સ ડે પર વાત કરતા ભક્તિ કહે છે કે, તમારી જિંદગીમાં બે મહત્વના એવા લોકો હોય છે જેમની પાસેથી તમે શીખો છો. પહેલો છે તમારો પરિવાર અને બીજા હોય છે ટીચર. હું હંમેશા શિક્ષકોની લાડલી રહી છું. મારા પર્ફેક્ટ હેન્ડ રાઈટિંગ હોય કે યુનિવર્સિટી ટોપર બનવા સુધીની સફર મારા શિક્ષકોએ હંમેશા મને મદદ કરી છે.

ભક્તિ તેમના અકાઉન્ટ્સના ટીચરને યાદ કરતા કહે છે કે, હું સાયન્સમાંથી કોમર્સમાં શિફ્ટ થઈ હતી. 11 અને 12 સાયન્સ કરીને મે બેચલર્સ ઈન બિઝનેસ મેનેજમેન્ટ જોઈ કર્યું. ત્યારે બેંગ્લોરમાં એક અકાઉન્ટસના ટીચર હતા. જેમણે મને ખૂબ જ મદદ કરી છે.

ભક્તિના માતા પણ ટીચર છે. જેમણે હંમેશા તેને સલાહ આપી છે કે, કાંઈ પણ થાય સચ્ચાઈનો રસ્તો પકડજે. જાતમાં વિશ્વાસ રાખવાનું, ફોકસ રાખવાનું અને લોકો સાથે સારી રીતે રહેવાનું તેમના માતાએ તેમને શીખવ્યું છે. તો તેમના પિતાએ તેમને શીખવ્યું છે કે, સાદગીથી વધારે સારી કોઈ વસ્તુ જ નથી.

શૌનક વ્યાસ
ટીચર ઑફ ધ યર ફેમ શૌનક વ્યાસ કહે છે કે, 'ટીચર એ નથી જે સ્ટુડન્ટની કરિઅર બનાવી, ટીચર એ છે જે સ્ટુડન્ટની લાઈફ બનાવે.' પોતાના ગુરૂને યાદ કરતા શૌનક કહે છે કે, હું કોલેજમાં હતો ત્યારે સિંગિંગના ઑડિશન માટે ગયો હતો પરંતુ સિલેક્ટ એક્ટિંગ માટે થયો. મને નહોતું કે હું કરી શકીશ, પરંતુ મારા ગુરૂ વિક્રમ પંચાલને વિશ્વાસ હતો તે હું કરી લઈશ. તેઓ સતત મને પ્રોત્સાહિત કરતા હતા. એક સમય એવો પણ હતો જ્યારે તેઓ ગાડી લઈને ઓડિટોરિયમની બહાર ઉભા રહે કારણ કે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય. હું ગાડીમાં કપડા બદલુ એ મને જમાડે. તેમણે મને પિતાની જેમ સાચવ્યો છે.

શૌનક વ્યાસ અને વિક્રમ પંચાલ

શૌનક કહે છે કે, એક સમય તો એવો આવ્યો હતો કે મારે એક્ટિંગ છોડી દેવી હતી. કારણ કે ઘરના લોકોનો વિરોધ હોય અને તમે ફ્રી લાન્સિંગ કરતા હોવ, તો ટકવું મુશ્કેલ છે. એ સમયે વિક્રમ પંચાલ મારી મદદે આવ્યા. અને તેમણે મને કોઈ સ્વાર્થ વગર અનેક વાર મદદ કરી છે. હું જે પણ છું એમના લીધે છું.

કૌશાંબી ભટ્ટ
ધૂનકી અને મોન્ટુની બિટ્ટુ ફેમ અભિનેત્રી કૌશાંબી ભટ્ટ કહે છે કે મારી મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટી મારી શાળાના શિક્ષકોને આભારી છે. હું સિસ્ટર નિવેદીતા સ્કૂલમાં ભણતી હતી. અને ત્યાના શિક્ષકોના કારણે જ હું ડાન્સ અને બીજી પ્રવૃતિઓમાં પણ આગળ વધી શકે. કૌશાંબીના જીવનમાં તેમના નાટકના ગુરૂ કબીર ઠાકોરનું ખુબ જ મહત્વ છે. તેમણે જ કૌશાંબીને નાટકને પ્રેમ કરાવતા શીખવ્યું. કૌશાંબી કહે છે કે, તેઓ પિતા તરીકે તેઓ હંમેશા સાથે રહ્યા છે.

કૌશાંબી ભટ્ટ કબીર ઠાકોર સાથે

સાથે કૌશાંબી તેના CAT શિક્ષકને યાદ કરતા કહે છે કે, એક સમયે હું પરાણે કેટની તૈયારી કરતી હતી. હું જેમની પાસે કેટ ભણતી હતી તે સરે તેને કહ્યું હતું કે, 'જો તને કેટ નથી ફાવતું તો ન જ કરવું જોઈએ.' ફિલ્મ રીલિઝ થયા બાદ એ સરનો ફોન પણ આવ્યો હતો કે આવી રીતે આગળ વધવું જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે તેમને કૌશાંબી પર ગર્વ છે. કૌશાંબીના મતે સાચો ગુરૂ એ જ છે જે બાળકને તેના ગ્રોથમાં ગાઈડ કરે.

આ પણ જુઓઃ ત્વીશા પટેલઃ અમદાવાદની આ ઢીંગલીને બનવું છે માધુરી દીક્ષિત...

તો આવો છે આપણા ઢોલીવુડ સ્ટાર્સનો તેમના શિક્ષકો સાથેનો નાતો..તો એ તમે શિક્ષકોને અમારા તરફથી પણ શિક્ષક દિનની શુભકામનાઓ...

dhollywood news Mayur Chauhan