જાણો મોનલ ગજ્જરે ડિપ્રેશનના તબક્કાને કઈ રીતે આપી માત?

19 November, 2021 07:56 PM IST  |  Mumbai | Karan Negandhi

રેવા ફેમ મોનલ ગજ્જરે (Monal Gajjar) નાની વયે ઘણું વેઠ્યું છે, પરંતુ હિંમત હાર્યા વગર તેણી જિંદગીની સફરમાં આગળ વધી છે.

ફાઇલ ફોટો

રેવા ફેમ મોનલ ગજ્જરે (Monal Gajjar) નાની વયે ઘણું વેઠ્યું છે, પરંતુ હિંમત હાર્યા વગર તેણી જિંદગીની સફરમાં આગળ વધી છે. મોનલને જિંદગીની નાની-નાની ખુશીઓ જીવવાનું ખૂબ ગમે છે. અગાઉ મોનલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ઇન્ટરવ્યૂમાં મન મૂકીને વાત કરી હતી. આ વાતચીત દરમિયાન મોનલે પોતાના જીવનના ઉતાર-ચઢાવ વિશે પણ ઘણી વાતો શેર કરી હતી.

મોનલના જીવનમાં અમુક વર્ષો પહેલાં એવો પણ એક તબક્કો આવ્યો હતો, જ્યારે તેણી ડિપ્રેશનમાં હતી. આ પરિસ્થિતિનો પણ મોનલે હિંમતથી સામનો કર્યો હતો અને યોગ્ય સારવારની મદદથી તેણે ડિપ્રેશનને માત આપી હતી. આ વિશે વાત કરતાં તેણીએ કહ્યું હતું કે “મારું ડિપ્રેશનમાં આવવાનું મૂળ કારણ મિત્રો દ્વારા કરાયેલો દગો હતો. ઉપરાંત આસપાસનું વાતાવરણ પણ આવું જ રહ્યું હતું. હું તેનું કારણ જાણતી ન હતી અને આ બાબત મને અંદર ને અંદર હેરાન કરતી હતી.”

આ પરિસ્થિતિમાંથી બહાર આવવા બાબતે તેણીએ કહ્યું કે “બીજા લોકો પર આધાર ન રાખો એ મારી એડવાઇસ છે. તમારા પરિવારને જ તમારી તાકાત ગણો અને તમામ વસ્તુઓ શેર કરો. મારી ફેમિલી ખૂબ જ ઓપન માઇન્ડેડ છે. હું ડિપ્રેશનમાંથી બહાર આવી પછી મારી બહેન અને મમ્મી સાથે ઘણી નજીક આવી છું.”

તેણીએ ઉમેર્યું હતું કે “મેં તે સમયે તબીબી મદદ પણ લીધી હતી. મેં મેડિટેશન કરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત દરરોજ વૉક અને ટૉક કરવાનું પણ શરૂ કર્યું હતું અને કદાચ આ કારણે જ હું પહેલાં વાર કરતાં વધુ વાતોડી બની છું. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે પોતાને જજ કરતાં હોઈએ છીએ અને આપણે બીજાને ખુશ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તેમ ન કરવું જોઈએ અને પોતાને ખુશ કરવાનો ફ્રાયસ કરવો જોઈએ.”

ઉલ્લેખનીય છે કે મોનલે ખૂબ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને દસમા ધોરણ પછીથી તરત જ તેણે કામ કરવાની પણ શરૂઆત કરી હતી. શરૂઆતમાં તે બેન્ક માટે કામ કરતી હતી અને પછી મોડલિંગના કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ ઢોલિવૂડ સાથે-સાથે ટોલીવૂડમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જુઓ ઇન્ટરવ્યૂ: Monal Gajjar: જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

entertainment news dhollywood news