નીરવ બારોટ: આર્મીમાં જોડાઈ દેશસેવા કરવા ઈચ્છે છે આ જાણીતા લોકગાયક

27 July, 2020 12:21 PM IST  |  મુંબઈ ડેસ્ક | શિલ્પા ભાનુશાલી

નીરવ બારોટ: આર્મીમાં જોડાઈ દેશસેવા કરવા ઈચ્છે છે આ જાણીતા લોકગાયક

નીરવ બારોટ

પિતા પોલીસ હોય, તો ઘરમાં વાતાવરણ પણ કડક જ રહેવાનું અને પહેલેથી જ આદર્શો તેમજ દેશભક્તિની ભાવના સાથે શિસ્તબદ્ધ જીવન જીવ્યા હોય, તો આર્મીમાં કે પોલીસમાં જવાની ઈચ્છા ન થાય તો જ નવાઈ. જાણીતા લોકગાયક નીરવ બારોટની પણ આવી જ ઈચ્છા છે. તેમણે આ માટે હાલમાં ત્રણેક મહિના પહેલા પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું પરંતું તેમનો શૉ હતો અને તે પતાવીને રસ્તામાં ટ્રાફિકમાં અટવાતાં તેમની ફ્લાઈટ મિસ થઈ ગઈ અને તેની સાથે જ તે પરીક્ષા પણ તેમણે મિસ કરી. તે છતાં આ બાબતે હાર ન માનતાં હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધવાની પૂરેપૂરી તૈયારી બતાવે છે. દેશસેવા માટે આજે પણ તેઓ એટલા જ તત્પર છે.

જો કે આપણે આજે વાત કરવાની છે તેમની સિંગર તરીકેની કરિયરની. નીરવ બારોટ ખૂબ જ જાણીતા લોકગાયક છે, કહોને કે સેલિબ્રિટી છે. પણ આજેય તેઓ આર્મીમાં જોડાઈને દેશસેવા કરવા ઈચ્છે. હાલ મુંબઈમાં રહેતા નીરવનો જન્મ 24 જાન્યુઆરી, 1998ના રોજ અમદાવાદમાં થયો છે. પિતાની બદલી અમદાવાદમાં થઈ, અને તેમનો જન્મ અમદાવાદમાં થયો. નીરવ બારોટે અમદાવાદમાં આવેલી નવા વાડજની સી.કે. પટેલ શાળામાં 1થી 8 સુધીનું શિક્ષણ લીધું. ત્યાર બાદ વિરારમાં આવેલી કૉલેજમાં 10મું પૂરું કર્યું ત્યાર બાદ અમદાવાદમાં જ એક વર્ષ હોટેલ મેનેજમેન્ટ કર્યા બાદ મુંબઈમાં 11માં ધોરણથી તેમણે ચિંચપોકલીમાં આવેલી V.L.N નપ્પૂ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. એસ.વાય. કર્યું. તેમનું લાડકું નામ નીર તેમજ નીકુ છે. હાલ મુંબઈમાં રહેતા, અમદાવાદમાં જન્મેલા નીરવ બારોટ મૂળ કાઠિયાવાડી છે. નીરવ બારોટનું મૂળ ગામ છે ગઢડા તાલુકામાં આવેલું શિયાનગર. જો કે નસીબે તેમને જુદી જુદી જગ્યાએ ફેરવ્યા છે.

નીરવ બારોટનું પહેલું ગીત હતું "હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા..." જેનાથી તેઓ છવાઈ ગયા. આજે પણ આ ગીત એમના જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે એમ કહી શકાય કે આ ગીતના શબ્દો સાથે તેમની ભાવનાઓ અને અનુભવો જોડાયેલા છે. જો કે આ સફળતા પાછળ તેમની આકરી મહેનત છે. બહુ ઓછા લોકો જાણે છે કે નીરવે છઠ્ઠા ધોરણથી ગાવાનું શરૂ કરી દીધું. તેમને સંગીતની પ્રેરણા આમ તો ગળથૂથીમાંથી જ મળી છે તે છતાં તેઓ પોતાના પપ્પા અને કાકા કમલેશ બારોટ પાસેથી પણ ઘણું શીખ્યા છે.

સફળતા બધાને જ દેખાય છે, પણ તેની પાછળનો સંઘર્ષ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. નીરવની સફળતા પાછળ પણ તેમનો સંઘર્ષ છે. નીરવ બારોટ પોતાને પડેલી મુશ્કેલીઓમાંથી પણ બહાર આવ્યા છે. તેમણે કોઇપણ કામને હિન કે નિમ્ન ગણ્યું નથી. તેમના જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવી ત્યારે તેમણે તેનો પણ હિંમતભેર સામનો કર્યો છે. એક સમયે તેમણે કોઇક મોટા બિલ્ડરની ગાડીઓ પણ ધોઇ તો એવો પણ સમય આવ્યો જ્યારે પિકઅપ મેન તરીકે પણ કામ કર્યું છે આવી કપરી પરિસ્થિતિ પણ તેમણે જોઈ છે કે તેમની પાસે અમદાવાદથી મુંબઇ આવવા માટે પણ સગવડ ન હોવાથી તેમણે ટિકિટ વગર પર પ્રવાસ કર્યો છે. અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા છતાં આજે તે ઇશ્વરનો આભાર માને છે કે તે અત્યારે જે પણ છે તે ભોળાનાથની કૃપાથી છે. નીરવ બારોટે હોટેલમાં પણ કામ કર્યું ત્યારે તેઓ નાગાર્જુનને પણ મળ્યા એટલું જ નહીં નીરવ બારોટને બોલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર કલ્યાણજી આણંદજી સામે સૌ પ્રથમ રામાપીરનો હેલો ગાઈને સંભળાવ્યો હતો. દરમિયાન આટલાં જાણીતા વ્યક્તિઓ સામે ગાવાની તક મળી તેથી તે ખૂબ જ ખુશ થયા.

હાલ પણ નીરવ બારોટ કોઇપણ પ્રકારના સ્ટારડમ વિના સામાન્ય જીવન જીવે છે. નીરવ બારોટ આમ સાવ સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે છતાં તેમની ગાયકીના ગુણો તેમને સામાન્યમાં પણ અસામાન્ય બનાવે છે. નીરવ બારોટની લોકગાયક તરીકેની પહેલી નવરાત્રી વસઇમાં ગુજરાતી પરિવાર મુંબઇમાં આર્થે રોડ પર રામદેવ નગરમાં અને ત્યાર બાદ કોરા કેન્દ્રમાં જે મુંબઇનું સૌથી મોટું ક્લબ છે જે આખા વિશ્વમાં લાઇવ થાય છે ત્યાં થઈ. અને ત્યાંથી જ તેમને એક લેવલ મળ્યું એવું જણાવતાં નીરવ બારોટ તેમના પણ આભારી છે.

સંગીત સિવાય પણ નીરવને બીજા ઘણા શોખ છે. તેમને ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ આમ બધી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં બાળપણથી જ રસ હતો. આજે પણ તેમને યાદ છે શાળાકીય શિક્ષણ દરમિયાન પણ તે સ્પોર્ટ્સમાં અવ્વલ જ રહ્યા, ભણવામાં તો હોંશિયાર હતાં જ. નીરવ બારોટને શોખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવે છે કે તે જ્યાં પણ જાય ત્યાં જો મંદિર હોય તો દર્શન કરવાનો ખૂબ જ શોખ છે. એટલું જ નહીં શિવ તાંડવ તેમના દિલની ખૂબ જ નજીક છે તે જ્યારે પણ ગાવાની શરૂઆત કરે કે પૂરું કરે તેની પહેલા તે શિવ તાંડવ તો ગાય જ છે. નીરવ બારોટને તેમના કાકા કમલેશ બારોટ, પ્રફુલ દવે તેમજ કિર્તીભાઈની ગાયકી ખૂબ જ ગમે છે.

તાજેતરમાં જ નીરવ બારોટનું નવું ગીત "જોગી જટાળો" લૉન્ચ થયું છે જેના લિરિક્સ, તેનું મ્યુઝિક, તેને સ્વર નીરવ બારોટે પોતે જ આપ્યું છે અને આ ગીતમાં તમે નીરવ બારોટને એક્ટિંગ કરતાં પણ જોઈ શકો છો. મલાડમાં રામલીલામાં થયેલા ડાયરા વખતે તેમને સૌ પ્રથમ પ્રફુલ દવે સાથે ગાવાની તક મળી તે સમયે પણ પ્રફુલ દવેએ તેમના ખૂબ જ વખાણ કર્યા એટલું જ નહીં પ્રફુલ દવેની એક વાત આજે પણ નીરવ બારોટ પોતાના જીવનમાં ઉતારે છે અને તે છે "રિયાઝ કરે તે રાજ કરે." નીરવ બારોટ પોતાના કાકા કમલેશ બારોટને પોતાના ગુરુ, પોતાના તાત માને છે. તેમને પોતાના કાકા પ્રત્યે ખૂબ જ માન છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

તેમનું સગપણ બે વર્ષ પહેલા જ થઈ ગયું છે. તેમની મંગેતરનું નામ કોમલ બારોટ છે. નીરવ બારોટનું ધ્યેય ભાતીગળ ગીતો જે આપણી લોકસંસ્કૃતિ છે તેને એક નવા ઢાળ સાથે લોકોસમક્ષ રજૂ કરવાનો છે. આમ નીરવ બારોટનું જીવન સંઘર્ષભર્યું રહ્યું છે, પરંતુ આ સંઘર્ષને તેમણે સીડી બનાવી અને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે.

bollywood entertaintment