INTERVIEW: શાનદાર અંદાજ અને દમદાર અભિનયથી આ અભિનેતા ઢોલીવૂડમાં લાવી શકે છે મોટો વળાંક

30 May, 2022 11:33 AM IST  |  Mumbai | Nirali Kalani

તાજેતરમાં આવેલી ફિલ્મ નાયિકા દેવીમાં ચિરાગ જાનીએ અજયપાળની મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં તેમના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે.

અભિનેતા ચિરાગ જાની (તસવીર ડિઝાઈન: સોહમ દવે)

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે એક એવા ગુજરાતી યુવા કલાકારની જેમણે માત્ર ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને હિન્દી ટેલિવિઝનમાં જ નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઈનડસ્ટ્રીમાં પણ અભિનયનો ઓજસ પાથર્યો છે અને લોકોના દિલ જીત્યા છે. ચાલો જાણીએ જેવું નામ તેવા જ ગુણ ધરાવતાં અભિનેતા ચિરાગ જાનીની અભિનયની સફર વિશે..

ગુજરાતના એક એવા ગામમાં જન્મ થયો હોય જ્યાં સિનેમા પણ ન હોય, દુર દુર સુધી લોકોને એક્ટિંગ કરવા સાથે કોઈ નિસ્બત ના હોય, મનોરંજનની દુનિયા તેમના માટે એક સપના જેવી દુનિયા હોય અને અભિનયની દિશા તરફ વળવાના તમામ માર્ગો ઝાંખા દેખાતા હોય, ત્યારે આવી સ્થિતિમાંથી બહાર નિકળી મોટા પડદા પર ચમકવું નાની માના ખેલ નથી. પરંતુ કોડિનારના ચિરાગ જાનીએ આ કરી બતાવ્યું છે.   

કંઈક અલગ કરવાની ઘેલછાએ પહોંચ્યા અમદાવાદ

અભિનયના ચિરાગથી પોતાના ગામને ઉજળું કરનારા અભિનેતા ચિરાગ જાનીનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં થયો છે. તેમણે સંપૂર્ણ અભ્યાસ ગુજરાતી માધ્યમમાં મેળવ્યો છે. સામાન્ય પરિવારમાં ઉછરેલા ચિરાગ જાની આસપાસ જે માહોલ હતો તેનાથી તે કઈંક અલગ કરવા માંગતા હતા. તેથી ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરવા માટે અમદાવાદની વાટ પકડી અને ત્યાં ફેશન ડિઝાઈનરનો કોર્ષ શરૂ કર્યો. આ દરમિયાન અમદાવાદ જેવા શહેરમાં પોતાનો ખર્ચ કાઢી શકે તે માટે ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કર્યુ. એવામાં પોતાનું ફેશન ડિઝાઈરનું સપનું પુરૂ કરવા સંઘર્ષમાં લાગેલા ચિરાગ જાનીને ડેશિંગ લુક અને પર્ફેકટ હાઈટને કારણે મોડલિંગની ઓફર શરૂ થઈ. જો કે આ દરમિયાન તેમણે એક્ટર બનવાનું વિચાર્યુ પણ નહોતું. 

મોડલિંગની સફર થઈ શરૂ

મોડલિંગની ઓફર મળવાથી ચિરાગ જાનીએ ફિટનેસ ટ્રેનરની જોબ છોડી દીધી અને રેમ્પ પર પોતાનો જલવો બતાવવાનું શરૂ કર્યુ. તે સમયે એવું લાગતું હતું કે તે જાણે મોડલિંગ માટે જ બન્યા હોય. તેમણે લેકમે ફેશન વિક સહિત અનેક ફેશન શૉ કર્યા. મોડલિંગમાં સારૂ કામ મળતું હોવાથી અભિનેતાએ ફેશન ડિઝાઈનરનો કોર્ષ પૂર્ણ ન કર્યો. મોડલિંગ દરમિયાન તેમને ઘણી નવી નવી વસ્તુઓ શીખવા મળી, જો કે આ દરમિયાન એ વાત તેમના ધ્યાનમાં હતી કે મોડલિંગમાં ભવિષ્ય ઉજળું છે પણ લાંબુ નથી. પરંતુ તેમ છતાં મોડલિંગમાં વધુ સ્કોપ માટે ચિરાગ જાની માયાનગરી મુંબઈ પહોંચ્યા. 

ટેલિવિઝન શૉ થી એક્ટિંગમાં કર્યુ ડેબ્યુ

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં ચિરાગ જાનીને મુંબઈ આવની એડ ફિલ્મ્સ, ટીવી સીરિયલ અને શૉ તથા ફિલ્મ્સના ઓડિશન વિશે ખબર પડી અને તે સમયે તેની અંદર રહેલો અભિનયનો કિડો જાગ્યો. આ કીડાને જીવંત રાખી તેમણે ઓડિશન આપવાનું શરૂ કર્યુ. ગુજરાતી ભાષામાં ભણેલા અને બોલીમાં માતૃભાષાનો લહેકો હોવાથી હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવું લોઢાના ચણા ચાવવાં બરાબર જેવું લાગતું હતું. પંરતુ ચિરાગ જાનીએ હિંમત હાર્યા વગર હિન્દી ભાષા પર પકડ મેળવી અને સાથે સાથે ઓડિશનની પ્રક્રિયા પણ યથાવત રાખી. તેમની ધગશ અને કામ કરવાની પ્રમાણિકતાએ તેમને પહેલી હિન્દી સીરિયલ `સપને સુહાને લડકપન કે`માં કામ અપાવ્યું અને બસ, પછી અભિનયની સફર થઈ શરૂ...!

અભિનય સફરની શરૂઆતમાં જ તેમણે `જેવું નામ તેવા જ ગુણ` કહેવતને સાર્થક કરી. પહેલા શૉ થી ચિરાગ જાનીને દર્શકો પસંદ કરવા લાગ્યા અને તેમના અભિનયની પ્રશંસા થવા લાગી. ત્યાર બાદ તેમણે `પોરસ`, દાસ્તાન-એ- મહોબ્બત સલીમ અનારકલી જેવા અનેક શૉમાં કામ કર્યું. તેમજ તેમને હિન્દી ફિલ્મ `યહાં અમીના બિકતી હૈ`માં મોટો બ્રેક મળ્યો, પરંતુ આ ફિલ્મ ક્યારે આવી અને ખોવાઈ ગઈ તેની ખબર ન પડી. સાથે સાથે જ અનેક તમિલ, તેલૂગુ અને કન્નડ ફિલ્મમાં કામ કરી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી અને દર્શકોના દીલમાં જગ્યા પણ બનાવી. 

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં આ રીતે કરી એન્ટ્રી

સુપરસ્ટાર સુરિયા સ્ટારર અંજાન ફિલ્મથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં તેમણે વિલનનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ કેવી રીતે મળ્યો તે વિશે વાત કરતાં ચિરાગ જાનીએ કહ્યું હતું કે, `અંજાન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વિલન માટે જેને કાસ્ટ કરવામાં આવ્યાં હતાં, તે કેટલાક કારણોસર રોલ કરી શકે તેમ નહોતા. મારા એક મિત્ર દ્વારા મને આ બાબતની જાણ થઈ, ત્યાર બાદ મારા મિત્ર દ્વારા મેં મારા ફોટો અને ઓડિશન ડિરેક્ટરને મોકલ્યા અને તે રોલ માટે મારી પસદંગી કરવામાં આવી.` આ ફિલ્મ ખુબ સુપરહીટ રહી હતી. જો કે બાદમાં ચિરાગ જાનીએ વિવિધ તેલૂગુ અને કન્ન્ડ ફિલ્મોમાં પણ કામ કર્યુ અને પોતાના અભિનયથી બધાનું મન મોહી લીધુ.

ઢોલીવૂડની પ્રથમ ઐતિહાસિક ફિલ્મ નાયિકા દેવીમાં કર્યો દમદાર અભિનય

ગુજરાતી તરીકે ઢોલીવૂડમાં પણ તેમણે પોતાનો જલવો દેખાડ્યો છે. તેમણે વર્ષ 2020માં `જી` નામની મોટા બજેટની ફિલ્મ કરી હતી. ફિલ્મમાં કેટલાક ઈમાનદાર પોલીસ ઓફિસરો દ્વારા દારૂબંધીના કાયદાને કડક બનાવ્યા બાદ પોલીસ અને બુટલેગરો વચ્ચે થનાર ઘર્ષણ બતાવવામાં આવ્યું હતું. જો કે આ ફિલ્મને જોઈ તેટલો સારો પ્રતિભાવ મળી શક્યો નહોતો. તાજેતરમાં જ અભિનેતાની ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવીઃ ધ વૉરિયર ક્વીન` આવી છે, જેમાં તે અજયપાળની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તેમના અભિનયની ખુબ જ પ્રંશસા કરવામાં આવી છે અને દર્શકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે. એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે અજયપાળના પાત્ર માટે જ ચિરાગ જાની બન્યા હોય તેવું લાગતું હતું. તેમનો શાહી અંદાજ, ઠાઠ અને દમદાર અભિનયથી પાત્રને પુરેપુરો ન્યાય મળ્યો છે તે કહેવું અયોગ્ય નથી. ડેશિંગ લુક, પ્રભાવશાળી વ્યક્તિત્વ, પર્ફેક્ટ હાઈટ, અવાજમાં એક જોરદાર રણકો ધરાવતાં અને દમદાર અભિનય કરતાં અભિનેતા ચિરાગ જાનીએ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં નાયિકાદેવી જેવી દમદાર ફિલ્મ આપી છે, તેમજ ભવિષ્યમાં અભિનેતા ઢોલિવૂડમાં મોટો વળાંક લાવી શકે તેમ છે. 

સૌરાષ્ટ્રના ગામમાં ઉછરેલા અને એક્ટિંગના અ થી પણ દૂર દૂર સુધી કોઈ નાતો ન હોવા છતાં ચિરાગ જાનીએ વિવિધ ભાષામાં ફિલ્મ્સ કરી ખરા અર્થમાં કોડિનાર અને ગુજરાતનું નામ અભિનયના ચિરાગથી ઉજળું કર્યુ છે.  

 

dhollywood news gujarati film