ગુજરાતી અભિનેત્રી અલ્પના બુચે કહ્યું થિએટરનો પ્રેક્ષક વફાદાર, કેમ? વાંંચો ઈન્ટરવ્યુ

29 March, 2022 01:01 PM IST  |  Mumbai | Nirali Kalani

અભિનેત્રી અલ્પના બુચે પોતાના અનેક અનુભવ શેર કર્યા હતાં. આ સાથે જ તેમણે સંજય લીલા ભણસાલી સાથેનો તેમના જીવનનો સૌથી યાદગાર પ્રસંગ શેર કર્યો હતો.

અલ્પના બુચ(તસવીર ડિઝાઈન: સોહમ દવે)

"થિએટરમાં દર્શકો કલાકારને નામથી ઓળખે છે, જ્યારે મોટા પડદા પર કે નાના પડદા પર દર્શકો કલાકારને તેમના પાત્રથી ઓળખે છે, રંગમંચ પર તમે ગમે ત્યારે જાઓ દર્શક હંમેશા તમને હોંશે હોંશે આવકારે જ છે, થિએટરનો પ્રેક્ષક વફાદાર હોય છે. " આ શબ્દો છે અનેક ગુજરાતી નાટકોમાં, ફિલ્મોમાં અને હિન્દી ટેલિવિઝનમાં કામ કરી અભિનયથી દર્શકોના દિલ જીતનારા ગુજરાતી અભિનેત્રીના.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે અઢળક નાટકો, સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલ સુધી પહોંચનારા અને હાલમાં `બા` તરીકે ઓળખાતાં `અનુપમા` સિરીયલ ફેમ અભિનેત્રી અલ્પના બુચની. 

વિવિધ પાત્રમાં કેવી રીતે ઢળવુ?

`સરસ્વતીચંદ્ર`, `ઉડાન`, `બાલવીર` અને `પાપડપોલ` જેવી અનેક સીરિયલોમાં કામ કરી ચૂકેલાં અલ્પના બુચે મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં જણાવ્યું કે, "કોઈ પણ પાત્રમાં ઢળવા માટે તમારે તમારી આસપાસ થતી ઘટનાઓ અને પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું પડે. એક કલાકારે સૌપ્રથમ એક ઑબ્ઝર્વર હોવું આવશ્યક છે. પાત્રને ન્યાય આપવા માટે કલાકારે તેના પર ઉંડો વિચાર કરી પાત્રને સમજવું પડે છે, જે તેને પાત્રની વાસ્તવિકતા તરફ લઈ જાય છે. પાત્ર અનુસાર તેના હાવભાવ, એક્શપ્રેશન અને તેની ચાલઢાલને સમજવાથી પાત્રને વધારે રિયાલિસ્ટીક બનાવી શકાય છે. એક કલાકાર તરીકે નવું પાત્ર ભજવતાં હોય ત્યારે જુના પાત્રની અસર તેના પર ન થાય તે બાબત ધ્યાનમાં રાખવી ખુબ જ અનિવાર્ય છે." 

`અનુપમા` માં કામ કરવાનો અનુભવ

સ્ટાર પ્લસની નંબર 1 સીરિયલ `અનુપમા` છેલ્લા દોઢ વર્ષથી ટોપ પર ચાલતી આવી છે. દરેક ઘરમાં અનુપમાની સમજદારી, નિખાલસતા અને `બા` ના ઠાઠના ગાણાં ગવાય છે. ત્યારે બા એટલે કે અલ્પના બુચે સીરિયલમાં સહ કલાકારો સાથેનો અનુભવ શેર કરતાં કહ્યું કે, સેટ પર સહ કલાકારો સાથે કામ કરવાની ખુબ જ મજા આવે છે. સીરિયલના દરેકો કલાકારને તેના પાત્ર મુજબ મહત્વ આપવામાં આવે છે. શૉના દરેક પાત્રોને થોડા સમયના અંતરે હાઈલાઈટ કરવામાં આવે છે. જેને કારણે દરેક કલાકારમાં ઉત્સાહ યથાવત રહે છે. સીરિયલના લેખક અને કલાકારો સહિતના લોકો તનતોડ મહેનત કરી પોતાના કામને પ્રમાણિકતાથી કરે છે, જેના ફળ રૂપે આ શૉ છેલ્લા દોઢ વર્ષથી નંબર 1 પર આવી રહ્યો છે. 

થિએટર અને સિનેમા વચ્ચેનો તફાવત 

ગુજરાતી ફિલ્મ `શરતો લાગુ` માં કામ કરી ચૂકેલા અભિનેત્રી અલ્પના બુચે થિએટર અને સિનેમા વચ્ચેના તફાવત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, `સિનેમામાં એટલે કે મોટા કે નાના પડદા પર દર્શકો કલાકારને તેના પાત્રથી ઓળખે છે, જ્યારે થિએટરમાં કલાકાર તેના નામથી ઓળખાય છે. થિયેટરનો પ્રેક્ષક ખુબ વફાદાર હોય છે. કારણ કે, તમે ગમે ત્યારે સ્ટેજ પર જાઓ તે હંમેશા તમને હોંશે હોંશે વધાવે છે. સિનેમાના પ્રમાણમાં થિયેટર અઘરું છે. એક વાર થિએટર છુટ્યા બાદ થોડા સમય પછી ફરી તેમાં જોડાવવું થોડું પડકારજનક રહે છે. થિયેટરનો અનુભવ કલાકારને ઉત્તમ અભિનેતા તરફ લઈ જાય છે."  

ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં બાયોગ્રાફી અને ઈતિહાસ પર ફિલ્મો બનાવવાની જરૂર

છેલ્લો દિવસ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો વળાંક આવ્યો હોવાનું કહેવામાં આવે છે. ત્યાર બાદ ધીમે ધીમે ઢોલીવુડ આગળ આવી રહ્યું છે. આ અંગે અલ્પના બુચે કહ્યું કે, `પહેલા ગામડું, ગાડું અને ગરબો એ ગુજરાતી ફિલ્મોની એક ખાસિયત હતી, પરંતુ હવે એવું નથી. આ સમયે વિવિધ વિષયો પર ગુજરાતી ફિલ્મ બની રહી છે. ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી રહ્યાં છે, મતલબ કે ઢોલીવુડનો વિકાસ થઈ ચૂક્યો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ વેગ આપવા માટે બસ પ્રેક્ષકોને આગળ આવીને ફિલ્મોને થિયેટરમાં જઈ જોવાની જરૂર છે. બાયોગ્રાફી અને ઈતિહાસ પર ગુજરાતી ફિલ્મો બનાવવાથી ઈન્ડસ્ટ્રીમાં સારો વળાંક આવી શકે છે. કારણ કે, આ પ્રકારની ફિલ્મો હજી સુધી બની નથી.`

જો એક્ટર ન હોત તો?

જો અલ્પના બુચ અભિનેત્રી ન હોત તો શું હોત તે અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, `જો હું અભિનેત્રી ન હોત તો પણ કોઈના કોઈ ક્રિએટિવ રીતે આ ક્ષેત્ર સાથે જોડાયેલી હોત. અને જો એ પણ ના કરતી હોત તો હું એક શિક્ષિકા હોત. કારણ કે હું બાળકોને સારી રીતે જ્ઞાન આપી શકત.`  એક્ટિંગ ગુરુ પર સવાલ કરતાં અભિનેત્રીએ કહ્યું કે, `અભિનય ક્ષેત્રમાં હું કોઈને ગુરુ માનતી નથી, આમાં વાત કોઈ મહાનતાની નથી, પરંતુ અત્યાર સુધી એવી કોઈ જરૂર નથી પડી. પરંતુ હા નાટકના અમારા દિગ્દર્શક કાંતિ મડિયા મારા માટે ગુરુ સમાન છે, જેમની પાસેથી મેં અભિનયનો પાયો શિખ્યો.` 

જીવનનો સૌથી યાદગાર પ્રસંગ

અલ્પના બુચે પોતાના જીવનનો સૌથી યાદગાર પ્રસંગ વિશે વાત કરતાં કહ્યું કે, `મને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ખુબ ઈચ્છા હતી, જે ઈચ્છા સરસ્વતીચંદ્ર સાથે પુરી થઈ. સરસ્વતીચંદ્ર માટે જ્યારે મને સંજય લીલા ભણસાલી ટીમમાંથી શોર્ટલિસ્ટ થઈ હોવાની જાણ કરવામાં આવી ત્યારે મારા આનંદનો પાર નહોતો. તે ક્ષણ મારા માટે ખુબ જ મહત્વની અને યાદગાર છે.` 

અંતમાં નવા ઉભરતાં કલાકારો વિશે વાત કરતાં અભિનેત્રી અલ્પના બુચે કહ્યું કે, આજની જનરેશનમાં યુવાનો આગોતરી તૈયારી કરીને જ આ ક્ષેત્રમાં આવે છે, જે એક સારી બાબત છે. હવે લોકો બાળપણથી જ અભિનયને કેરિયર તરીકે વિચારી મહેનત કરી રહ્યાં છે. થિએટરનો અનુભવ હોવો ખુબ જ જરૂરી છે, તે તમને એક ઉત્તમ કલાકાર તરફ લઈ જાય છે.` આ સાથે જ તેમણે કહ્યું કે એકટર બનવા માટે સતત ઓડિશન આપવા પડે છે, તેમાં સફળતા-નિષ્ફળતા મળી શકે છે. પરંતુ નિરાશ થયા વિના ફરી જુસ્સા સાથે ઓડિશન આપવાની પ્રક્રિયા યથાવત રાખવી જોઈએ. જે તમને ચોક્કસ એક્ટર બનવામાં મદદ કરશે.  

 

dhollywood news Gujarati Drama Gujarati Natak gujarati film