વિજયગીરી બાવા: ખેડૂતપુત્રથી લઈ 21મું ટિફિન જેવી ફિલ્મના ડિરેક્ટર બનવા સુધીની સફર

28 June, 2022 08:20 AM IST  |  Mumbai | Nirali Kalani

સામાજીક નિસ્તબત ધરાવતી ફિલ્મ `મહોતુ`, 21મું ટિફિન અને `મોન્ટુની બિટ્ટુ` જેવી ફિલ્મ ડિરેક્ટ કરનાર વિજયગીરી બાવા સાથે ખાસ વાતચીત.

વિજયગીરી બાવા (તસવીર ડિઝાઈનઃ સોહમ દવે)

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે એક એવા ગુજરાતી કલાકારની જેમણે એક એવા નાનકડા ગામમાંથી બહાર નિકળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલા માંડ્યા, જ્યાંના લોકોને ફિલ્મમેકિંગથી દુર દુર સુધી કોઈ નિસ્બત નહોતો. ધગશ, જુસ્સો, તનતોડ મહેનત, સાહસ, માતા-પિતાના આર્શિવાદ અને પત્નીના સહકારથી સામાજીક નિસ્બત ધરાવતી ફિલ્મ બનાવી ઈન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત ડિરેક્ટર તરીકે ખ્યાતિ મેળવનાર વિજયગીરી બાવા વિશે જાણીએ મહત્વની રસપ્રદ વાતો.  

પડદા પર રજૂ થતી વાર્તા બન્યું આકર્ષણ

ડિરેક્ટર વિજયગીરી બાવાનો જન્મ મહેસાણા જિલ્લાના નાનકડા ગામ ચાણસોલમાં થયો હતો. તેમના પિતા ગામમાં ખેતી કરે છે અને માતા પણ તેમાં સહકાર આપે છે. ખેડૂત પરિવારમાં જન્મેલા વિજયગીરી બાવાને નાનપણથી જ ફિલ્મનો ખુબ જ શોખ હતો. બાળપણથી જ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છતા હતા. સામાન્ય પરિવારમાં ઉછરેલા વિજયગીરી બાવા અભિનયની આ ઝાકમઝોળ દુનિયા તરફ કેવી રીતે વળ્યા તે અંગે વાત કરતાં તેમણે ગુજરાતી મિત-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે "પડદા પર રજુ થતી વાર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આકર્ષણ છે, અને એનાથી હું ફિલ્મમેકિંગ તરફ આકર્ષાયો હતો. બાકી ફિલ્મોનો શોખ તો નાનપણથી જ છે." 

`અમદાવાદી મિજાજ` નામની પ્રથમ શોર્ટ ફિલ્મ કરી ડિરેક્ટ

આર્થિક  રીતે સધ્ધર ના હોય અને નાનકડા ગામમાંથી આવતા હોય ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું લોઢાના ચણા ચાવવા બરાબર નથી, પરંતુ ધારીએ તેટલું સરળ પણ નથી હોતુ. નહિવત જેટલી રોકડ લઈને જ્યારે વિજયગીરી બાવા અમદાવાદ આવ્યા ત્યારે તેમનો ખરો સંઘર્ષ શરૂ થયો. અમદાવાદમાં તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યુ. બાદમાં કામ પ્રત્યેની ધગશ અને મહેનતથી આગળના રસ્તા ખોલી પ્રમાણિકપણે કામમાં જોતરાઈ ગયા. ત્યાર બાદ તેમણે મુંબઈની વાટ પકડી. માયાનગરીમાં તેમણે ફિલ્મમેકિંગ શીખ્યું અને સાથે સહ દિગ્દર્શક તરીકે પણ કામ કર્યુ. પછી સ્વતંત્ર ફિલ્મ બનાવવાની ઈચ્છાએ તેઓ અમદાવાદ પરત ફર્યા. અને આખરે તેમણએ `અમદાવાદી મિજાજ` નામની પહેલી શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી. આ ફિલ્મ માટે તેમની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ મહેશ ભટ્ટ દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતા. 

પત્ની ટ્વિંકલ બાવા અને માતા-પિતાનો મહત્વનો ફાળો

ગુજરાતના લોકપ્રિય ડિરેક્ટર્સની યાદીમાં સ્થાન સિદ્ધ કરનાર વિજયગીરી બાવાએ જણાવ્યું કે "નાનકડા ગામમાં ફિલ્મ ક્ષેત્રે કોઈ પણ જાણકારી નહોતી પણ નાનપણથી માતા પિતાના સંસ્કારોથી આત્મ વિશ્વાસ બહુ જ હતો, જેનાથી આગળ વધવામાં મદદ મળી. સાથે સાથે બહુ મોટો ફાળો મારી પત્નીનો છે જે પ્રોડ્યુસર હોવા ઉપરાંતના કામોમાં પણ મારી પડખે ઉભી રહી છે."  ઉલ્લેખનીય છે કે વિજયગીરી બાવાએ પ્રથમ શોર્ટ ફિલ્મ `અમદાવાદી મિજાજ` પત્નીના પગારમાંથી બનાવી હતી. 

ફિલ્મ સમાજનું દર્પણ અને અનુકરણ 

સામાજીક દ્રષ્ટિએ ફિલ્મની વાર્તાની વાત કરીએ ત્યારે વિજયગીરી બાવાની `મહોતુ` અને  `21મું ટિફિન` જરૂર યાદ આવે. ફિલ્મની વાર્તા વિશે વાત કરતાં તેમણે કહ્યુ, "આમ તો દરેક ફિલ્મ મેકરને પોતાની વાર્તા પસંદ કરવાનો અને એને ગમતી રીતે રજુ કરવાનો અધિકાર છે. પણ મારા મત મુજબ કોઈપણ વાર્તામાં સામાજિક નિસ્બત હોવી જરૂરી છે, કેમ કે ફિલ્મ સમાજનું દર્પણ હોવા ઉપરાંત અનુકરણનું પણ માધ્યમ છે. કોઈ પણ સામાજિક નિસ્બત સાથેની વાર્તા સમાજનું હકારાત્મક રીતે ઘડતર કરી શકે છે." 

ફિલ્મ ડિરેક્ટ કરતી વખતે શું ખાસ ધ્યાન રાખે છે?

ઢોલીવુડમાં પણ હવે સારી વાર્તા સાથે ફિલ્મ બની રહી છે. આ સંદર્ભે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને વેગ મળે એવી ફિલ્મો હવે બની જ રહી છે બસ લોકોમાં ગુજરાતી ભાષા માટે પ્રેમ વધે અને વધુમાં વધુ લોકો સુધી ફિલ્મ પહોંચે તેવી આશા છે. આ ઉપરાંત દિગ્દર્શન વિશે જણાવતાં વિજયગીરી બાવાએ કહ્યું હતું કે `ડિરેક્ટર તરીકે સૌથી મહત્વની બાબતનું ધ્યાન એ રાખું છું કે ફિલ્મનો ક્રાફ્ટ એની આર્ટ ઉપર હાવી ન થવો જોઈએ." 

વિજયગીરી બાવાએ વર્ષ 2014માં ‘પ્રેમજી- ધ રાઈઝ ઓફ વોરિયર’નામની પોતાની પહેલી ફીચર ફિલ્મ બનાવીને વિજયગીરીએ બધાને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ તેમણે `મહોતુ` અને `21મું ટિફિન` જેવી ફિલ્મો બનાવી. અહીં નોંધવું રહ્યું કે `21મું ટિફિન` ફિલ્મ ચેન્નઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સિલેક્ટ થઈ. કહેવાય છે ને `મંઝિલ ઉનહી કો મિલતી હૈ, જીસ કે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હૌંસલે સે ઉડાન હોતી હૈ` વિજયગીરી બાવા પાસે આ હૌંસલો જ હશે, જેથી તે સફળતાના શિખર પર પહોંચી શક્યા. 

 

dhollywood news gujarati film