20 September, 2026 10:24 AM IST | Mumbai | Rashmin Shah
આ અગાઉ આતિશ કાપડિયાએ લખેલા નાટક ‘આંધળો પાટો’ પરથી ‘આંખેં’ અને ‘આવજો વ્હાલા, ફરી મળીશું’ પરથી ‘વક્ત - રેસ અગેઇન્સ્ટ ધ ટાઇમ’ ફિલ્મો બની છે.
‘ખિચડી’, ‘સારાભાઈ vs સારાભાઈ’, ‘વાગલે કી દુનિયા’, ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ જેવી અનેક સુપરહિટ ટીવી-સિરિયલો અને હમણાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ચુંબક’ જેવી વેબ-સિરીઝના પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ઍક્ટર જે. ડી. મજીઠિયા ઑલમોસ્ટ ૨૭ વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે કમબૅક કરવાના છે. ૧૯૯૯માં રિલીઝ થયેલી ‘દરિયાછોરુ’ ફિલ્મથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થનારા જે. ડી. મજીઠિયાએ ત્યાર પછી બે હિન્દી ફિલ્મો કરી અને પછી પ્રોડક્શન તરફ વળી ગયા. સમયાંતરે પોતાની સિરિયલમાં નાનો રોલ કરતા, પણ હવે તે ફુલફ્લેજ્ડ ઍક્ટિંગ પર ફોકસ કરીને ગુજરાતી ફિલ્મ કરવાના છે.
જે.ડી.ના કમબૅકવાળી આ ફિલ્મના રાઇટર-ડિરેક્ટર તેમના જ પાર્ટનર આતિશ કાપડિયા છે. આ ફિલ્મ આતિશ કાપડિયાએ જ લખેલા સુપરહિટ ગુજરાતી નાટક ‘એકબીજાને ગમતાં રહીએ’ પર આધારિત છે. નાટકમાં લીડ રોલ દેવેન ભોજાણીએ કર્યો હતો, જ્યારે તેની સાથે ઍક્ટ્રેસ સરિતા જોષી હતાં. ફિલ્મમાં જે.ડી. સાથે લીડ રોલમાં શેફાલી શાહ જોવા મળી શકે છે. જોકે શેફાલી હિન્દીના બીજા પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત હોવાથી માનસી પારેખને પણ રોલ ઑફર થઈ શકે છે. આ અગાઉ જે.ડી.એ કરેલી ‘દરિયાછોરુ’માં પણ શેફાલી લીડ રોલમાં હતી. જો શેફાલી શાહ ફિલ્મ કરશે તો જોગાનુજોગ જે.ડી. અને શેફાલી બન્ને ૨૭ વર્ષ પછી ફરી સાથે જ કમબૅક કરશે.
એક આધેડ વિધુર છે જે પોતાના માટે ભાડે ઘર શોધે છે. એવી જ રીતે એક આધેડ લેડી છે જેને પણ ભાડે ઘર જોઈએ છે. એસ્ટેટ બ્રોકર તે બન્નેને એક જ ભાડે ઘર ચીટકાવી દે છે અને બન્નેએ ફરજિયાત એક જ ઘરમાં રહેવું પડે એમ છે. એકબીજાથી સંપૂર્ણ વિપરીત સ્વભાવ ધરાવતી આ બે આધેડ વ્યક્તિ કેવી રીતે એકબીજાની જરૂરિયાત બને છે અને કેવી રીતે એકમેકની એકલતાના સાથી બને છે એની વાત એટલે નાટક ‘એકબીજાને ગમતાં રહીએ’.