નાટ્યકારોએ સાબિત કરવું પડશે કે જીવનમાં નાટકનું કેટલું મહત્વ છે, વાંચો વિશેષ અહેવાલ

20 November, 2021 09:25 PM IST  |  mumbai | Nirali Kalani

ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે નાટકો ખુબ જ જરૂરી છે.

રાજેશ દાની, નિર્લોક પરમાર અને ઓમ કટારે

દેશમાં કોરોનાના કેસો ઘટ્યા બાદ ધીમે ધીમે થિયેટર અને નાટકો શરૂ થયા છે. કોરોના દરમિયાન રંગમંચના કલાકારોએ કેવી રીતે આર્થિક મંદીનો સામનો કરી પોતાનું ગુજરાન ચલાવ્યું તે તો તેમનું મન જ જાણતું હશે. ત્યારે હવે નાટકો ફરી શરૂ થતાં અનુભવી નાટ્યકારો અને ઉભરતાં નાના-નાના કલાકારો માટે સોનાનો સુરજ ઊગવા જેવું છે. મુંબઈ અને ગુજરાત સહિત અનેક શહેરોમાં રંગમંચ પર ફરી તામજામ જોવા મળશે. મિડ-ડે ડૉટ કોમે કેટલાક અનુભવી નાટ્યકારો સાથે વાતચીત કરી હતી. 

રાજકોટ, વડોદરા અને મુંબઈના નાટ્યકારો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે નાટકો તો શરૂ થઈ ગયા છે પણ તેના પર હજી કોઈના કોઈ બાબતે કોરોનાની અસર થઈ રહી છે, તે પછી દર્શકોનો પ્રતિભાવ હોય કે કોઈ આર્થિક સમસ્યા હોય. રાજકોટના ઉત્સવ નાટ્ય ગ્રુપના સંચાલક અને અનુભવી નાટ્યકાર નિર્લોક પરમારે મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું, ` કોરોના બાદ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા થતાં નાના-નાના નાટકો શરૂ થઈ ગયા છે. પરંતુ કોમર્શિયલ નાટકોમાં હજી વિલંબ આવી રહ્યો છે. આર્થિક સમસ્યાને કારણે મોટા નાટકો વધારે સમય માગી લે છે. પરંતુ સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તો ઓછા સમયમાં નાટકોનું આયોજન સરળતાથી કરી શકીએ.`

                               ઉત્સવ  નાટય ગ્રુપ દ્વારા રજૂ થયેલા એક નાટકની તસવીર

નિર્લોક પરમારે વધુમાં જણાવ્યું કે, `જે કલાકારો પહેલાથી જ નાટકો સાથે જોડાયેલા હતા તેમને ધીમે ધીમે કામ મળી રહ્યું છે. પરંતુ જે ઉભરતાં કલાકારો છે તેમને પોતાના કેરિયરની શરૂઆતમાં જ અનેક મુશ્કેલીઓ આવી રહી છે.`  આ સાથે જ તેમણે પેટ્રોલના વધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે `પેટ્રોલના ભાવ વધારાને કારણે આર્થિક રિતે નબળા કલાકારો માટે દરરોજ નાટકના રિહર્સલમાં પહોંચવુ એક સમસ્યા બની જાય છે. તેમજ હજી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનો ભય હોવાથી તેઓ નાટકો જોવાનું ટાળી રહ્યાં છે.`

વડોદરાના અનુભવી નાટ્યકાર રાજેશ દાનીએ નાટકનું મહત્વ જણાવતાં કહ્યું, `નાટક આપણા જીવવનો એક ભાગ છે. સમાજમાં સંદેશો આપવા માટે નાટક શ્રેષ્ઠ માધ્યમ છે. આજ કાલની વેબ સીરિઝમાં કોઈ ભાષા જ નથી. એક ગુજરાતી નાટ્યકાર તરીકે લોકોને ભાષાનું મહત્વ સમજાવવા માગું છું. ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે નાટકો ખુબ જ જરૂરી છે.` તેમણે વધુમાં કહ્યું હવે લોકો ખર્ચ પર કન્ટ્રોલ કરી રહ્યાં છે, જેથી બહુ ઓછા લોકો હશે જે ટિકીટ ખરીદીને નાટક જોવા જાય. તેથી નાટ્યકારોએ લોકોને સાબિત કરી બતાવવું પડશે કે જીવનમાં નાટકનું ખુબ જ મહત્વ છે.` આ સાથે જ તેમણે કહ્યું કે નાટક હવે લોકોની પ્રાયોરિટીમાંથી બહાર નિકળી રહ્યાં છે. લોકોને નાટક દ્વારા સમાજ સુધારણાની વાત કરી નાટકનું મહત્વ સજાવવું પડશે. 

                                                પૃથ્વી થિયેટર મુંબઈ

મુંબઈમાં પણ નાટકો શરૂ થઈ ગયા છે. મુંબઈના યાત્રી નાટ્ય ગ્રુપના નાટ્યકાર ઓમ કટારેએ તાજેતરમાં જ પૃથ્વી થિયેટરમાં બે નાટકો પફોર્મ કર્યા હતા. તેમણે મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, ` નાટકો ફરી શરૂ થતાં ખુબ જ આનંદ થાય છે. અમે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હા, હજી કોરોનાને કારણે દર્શકોની સંખ્યા ઓછી હોય છે, પરંતુ સામાન્ય રીતે જોઈએ તો અહીં દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે.`  આ સાથે જ તેમણે જણાવ્યું કે તેમના મોટા ભાગના દર્શકો ગુજરાતી હોય છે. 

                                             મુંબઈમાં દ્વારા રજૂ થયેલા એક નાટકની તસવીર

તમામ નાટ્યકારો સાથે વાત કર્યા બાદ કહી શકાય કે ગુજરાતમાં હજી દર્શકોનો પુરતો પ્રતિભાવ મળી રહ્યો નથી. તો બીજી બાજુ કોરોનાની માઠી અસરને કારણે લોકો આર્થિક તંગીમાં હોવાથી તેની અસર હજી નાટક પર જોવા મળે છે. પરંતુ જો સરકાર નાટક માટે આર્થિક સહયોગ આપે તો નાટકોનો પહેલા જેવો દોર ફરી શરૂ થઈ શકે છે. નોંધનીય છે કે નાટકો જોવા માટે ગુજરાત કરતાં મુંબઈમાં દર્શકોનો પ્રતિભાવ વધું જોવા મળે છે. 

gujarat vadodara rajkot mumbai dhollywood news