ગોળકેરીઃ ખાટ્ટી મીઠ્ઠી લાગણીઓનો પરફેક્ટ મેળ

12 February, 2020 05:47 PM IST  |  | Mumbai Desk

ગોળકેરીઃ ખાટ્ટી મીઠ્ઠી લાગણીઓનો પરફેક્ટ મેળ

ગોળકેરીનું અથાણું કોને ન ભાવે? આપણાં મોટાભાગનાં સંબધો ગોળકેરી જેવા જ હોય છે અને કદાચ એટલે જ આપણને બધાંયને ખાટું-મીઠું અથાણું બહુ ભાવે છે. મલ્હાર ઠાકર અને માનસી પારેખ સાથે સચીન ખેડેકર અને વંદના પાઠક અભિનિત ફિલ્મ ગોળ-કેરી 28મી ફેબ્રુઆરીએ રિલિઝ થશે અને જેનું દિગ્દર્શન વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતી ફિલ્મોમાં પહેલીવાર માનસી પારેખ, સચીન ખેડેકર અને વંદના પાઠક દેખાશે. આ પહેલાં આપણે આ કલાકારોને ટેલિવિઝન, હિન્દી ફિલ્મો અને મંચ પર જોયા છે પણ હવે આ ત્રણેય માતબર કલાકારો ગુજરાતી ફિલ્મમાં અભિનયનો કમાલ દેખાડશે.
એક જ રાતમાં ચાર પાત્રોની સાથે શું થાય છે તેની વાર્તા આ ફિલ્મને આગળ વધારે છે. મલ્હારનું પાત્ર સાહિલ અને માનસીનું પાત્ર હર્ષિતા અચાનક જ એક રાતમાં પોતાનો સંબંધ તોડી નાખવાનું નક્કી કરે છે અને તેઓ કોઇપણ ભોગે એકબીજાથી દૂર જવા માગે છે. પણ તેમના માતા-પિતા ઇચ્છે છે કે તેઓ છૂટાં ન પડે અને પછી સર્જાય છે ટેન્શન અને હાસ્ય મિશ્રિત ગોળકેરી જેવી ખાટી મીઠી લાગણીઓનો માહોલ. છોકરાંઓને ભેગાં કરવા મા-બાપ કેટલી જહેમત કરે છે, તેમને કેટલી વિચિત્ર સ્થિતિમાં મુકે છે તે બધું આ ફિલ્મની જર્ની છે , તેનો સ્વાદ છે.

આ પણ વાંચો આવી રહ્યું છે મલ્હારની ફિલ્મમાં મિકાનું ગીત, માનસી પણ દેખાશે સાથે....

વિરલ શાહની આ બીજી ફિલ્મ છે અને તેમનું કહેવું છે કે, 'આ ફિલ્મ તમને ખાટી-મીઠી લાગણીઓનો અનુભવ કરાવશે પણ ફિલ ગુડ ફેક્ટરથી રસતરબોળ કરશે. હું લકી છું કે મને આટલા માતબર અભિનેતાઓ સાથે કામ કરવા મળી રહ્યું છે અને તેમાંથી ત્રણ તો પહેલી જ વાર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી રહ્યાં છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે અને મને બહુ આનંદ છે કે અત્યાર સુધી બધું પરફેક્ટલી પાર પડ્યું છે.'માનસી પારેખ ગોહીલનું કહેવું છે કે, "એક્ટર અને પ્રોડ્યુસર તરીકે મારી જવાબદારી ઘણી મોટી છે. મને લાગે છે કે આ ફિલ્મ દ્વારા હું ઘણું બધું શીખી છું કારણકે એક્ટર કરતાં પ્રોડ્યુસરનું ઇન્વોલ્વમેન્ટ ફિલ્મમાં બહુ પહેલેથી હોય છે અને છેલ્લે સુધી તેને તેમાં પરોવાયેલા રહેવું પડે છે. આ પ્રોસેસે મને વધુ સમૃદ્ધ બનાવી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. "

ફિલ્મ રિલીઝ નહીં થાય ત્યાં સુધી ગોળ-કેરીનાં મમ્મી પપ્પાનાં આ ગોળ અને કેરી જેવા ખાટાં મીઠાં છોકરાંઓ શું કરે છે તે તો આપણને નહીં જ ખબર પડે પણ એ ચોક્કસ પ્રોમિસ છે કે જેમ અથાણામાં મસાલો ચઢે અને તે વધારે સ્વાદિષ્ટ થાય બિલકુલ તે રીતે ફિલ્મ પણ તમને દરેક તબક્કે વધારે ઇન્વોલ્વ કરશે તેવો મેકર્સનો દાવો છે. આ ફિલ્મમાં મિકા સિંઘે પહેલીવાર ગુજરાતીમાં 'સોણી ગુજરાત ની' ગીત ગાયું છે તો સાથે પાર્થીવ ગોહીલનો મજાનો અવાજ પણ તમને મિકાનાં થ્રોની સાથે માણવા મળશે.