Happy Women’s Day: ગુજરાતી ફિલ્મોનાં હિંમતવાન અને સશક્ત સ્ત્રી પાત્રો

08 March, 2020 03:18 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Happy Women’s Day: ગુજરાતી ફિલ્મોનાં હિંમતવાન અને સશક્ત સ્ત્રી પાત્રો

કંકુ

જુની ફિલ્મોની વાત કરીએ તો ૧૯૬૯માં ફિલ્મ આવી હતી કંકુ. કાંતિલાલ રાઠોડે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા પર આધારીત હતી. આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ એનાયત થયો હતો. કંકુ અને ખૂમાનું લગ્ન જીવન આ કથાનો હિસ્સો છે પણ કંકુને દીકરો જન્મે છે અ ખૂમો ગુજરી જાય છે. નબળી આર્થિક સ્થિતિમાં કંકુ પેટે પાટા બાંધીને એકલે હાથે દીકરાને ઉછેરે છે. જુવાનજોધ વિધવાની પીડા વેઠીને તે દિવસો પસાર કરે છે. તેની સાથે લગ્ન કરવા તૈયાર પુરુષોને તે ટાળે છે. મલકચંદ શેઠ જે તેની ખુમારી પર વારેલા છે તે તેને ત્યાં તે નાણાં ઉછીને લેવા આવતી કંકુ તરફ આકર્ષાયા તો છે પણ ક્યારેય કશું અઘટિત નથી થયું. કંકુને શંકા તો થાય છે કે મલકચંદને તેનામાં રસ છે પણ તેનો દીકરો હરિયો પરણવાનો થાય છે ત્યાં સુધી બંન્ને વચ્ચે ક્યારેય કોઇ ક્ષણો નથી આવતી. દીકરાના લગ્ન ટાણે કંકુ શેઠ પાસે જાય છે અને બંન્ને એક નબળી ક્ષણનો ભોગ બને છે. કંકુનાં દીકરાના લગ્નને ચાર-પાંચ મહીના થયા છે અને કંકુનાં શરીરમાં થઇ રહેલા ફેરફાર બધા નોંધે છે. કંકુ પર દબાણ કરાય છે કે તે બાળકના પિતાનું નામ જણાવે પણ તે ટાળે છે અને જે દીકરા ખાતર તેણે આખી જિંદગી એકલા રહેવાનું પસંદ કર્યુ હતું તેની જ આબરુ ખાતર તે ગામના દાધારીંગા કાળુને પરણે છે. આ ફિલ્મમાં કંકુને કારણે મલકચંદ પોતાના વ્યાપારમાં પારદર્શિતા લાવે છે, કંકુ પ્રણ મૂકીને પરણી હોવા છતા નવા સંસારમાં ગોઠવાય છે અને ક્યારેય મલકચંદનું નામ જાહેર નથી થવા દેતી, ભલે પછી ગામની અનુભવી ડોશીને ખબર પડી જાય છે કે તે સંતાન કોનું છે.

કાશીનો દીકરો


કાંતિ મડિયાની આ ફિલ્મ નારી હ્રદયની સંવેદનાની પરાકાષ્ઠા સમાન હતી. કાશી એક બ્રાહ્મણ કુટુંબમાં પરણી છે. તેની સાસુ ગુજરી જતી વેળાએ પોતાના નાનકડા દીકરાની તેને જવાબદારી આપે છે. સગા દીકરાની જેમ નાના દિયરને ઉછેરનારી કાશીને સમાજની નિંદાનો ભોગ પણ બનવું પડે છે. તેને પોતાને પણ લગ્નનાં લાંબા સમય બાદ સંતાન થયું છે. તે પોતાના પુત્ર અને માનસપુત્રને મોટા કરે છે. દિયરનાં લગ્ન કરાવે છે અને લગ્નની પહેલી રાતે સાપ ડંખવાથી તે મોતને ભેટે છે. જુવાનજોધ પુત્રવધુ રમાને જાળવતી કાશી જીવી રહી છે પણ કાશીના વરની એટલે કે રમાના સસરાની દાઢ જુવાન વહુનો જોઇને સળકે છે. તે પોતાની પુત્રવધુ પર બળાત્કાર કરે છે. પુત્રવધુને દિવસો રહી જાય છે અને કાશીને વાસ્તવિકતા ખબર પડતાં તે રમાને લઇને યાત્રાએ ઉપડી જાય છે. તે ગામમાં એમ જ કહે છે કે તે પોતે ગર્ભવતી છે. રમાને જન્મેલા બાળકને તે પોતાનું બાળક જ કહેવડાવે છે, આખી ગર્ભાવસ્થા અને પ્રસુતી દરમિયાન પોતે ગર્ભવતી હોવાનો ડોળ કરે છે. પતિ અને પુત્રવધુની આબરુ બચાવીને કાશી જીવે છે. પોતે મરણપથારીએ હોય છે ત્યારે તે પુત્રવધુને તેનું જ બાળક સોંપે છે. આમ કાશીએ સાસુના દીકરાને ઉછેર્યો અને પછી પોતાની પુત્રવધુના દીકરાના ઉછેર્યો અને વખત આવ્યે તેને સોંપ્યો પણ પોતાના દીકરા તરીકે જ, જેથી પતિની કે પુત્રવધુની આબરુને હાનિ ન થાય.

મેના ગુર્જરી


ગુજરાતની દીકરી મેના આ ફિલ્મમાં કેન્દ્ર સ્થાનમાં છે. દિનેશ રાવલે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મમાં મલ્લિકા સારાભાઇએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. મેરુભાની દીકરી મેનાને કશું નડતું નથી, કશાયનો ડર નથી. ગામમાં ડાકુઓ હુમલો કરે છે અને મેના તેમની સામે લડત આપે છે. તેની હિંમતથી પ્રભાવિત થયેલા મુખીને ઇચ્છા છે કે પોતાના નબળા, ગભરુ દીકરા સાથે મેનાએ પરણી જવું જોઇએ. મેના આ હુકમને તાબે નથી થતી અને તેની આ લડતની આસપાસ આખી વાર્તા વણાયેલી છે.

ગાડાનો બેલ


આ ફિલ્મ પ્રભુલાલ દ્વિવેદીના નાટક પરથી બની હતી. ૧૯૫૦માં બનેલા આ નાટકમાં નિરૂપારોય સાસુની ભૂમિકામાં હતા અને એ જમાનામાં સંયુક્ત કુટુંબોના સમીકરણો કેવી રીતે બદલાતા હતા તેની આસપાસ ફિલ્મની વાર્તા વણાયેલી હતી. આ ફિલ્મ વાસ્તવવાદી હતી જેમાં ઘરનાં મોભીનું મૃત્યુ થાય છે ત્યારે સંયુક્ત કુટુંબ વિખેરાઇ જાય છે. ઘરની હરાજી સુધી વાત પહોંચી જાય છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને બચી ગયેલા ત્રણ જણા કઈ રીતે જીવન આગળ વધારે છે તેની વાત આ ફિલ્મમાં છે. નિરૂપા રોયે આ ફિલ્મમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

મંગળફેરા


આમ તો આ ફિલ્મમાં પતિવ્રતા સ્ત્રીની વાત હતી પરંતુ છેડતી થાય ત્યારે અભિનેત્રી ગામનાં મવાલીને થપ્પડ મારી દે છે એવાં દ્રશ્યો પણ હતા, જેને કારણે તેને પોતાના વર સાહિત ગામની બહાર કાઢી મુકાય છે. નિરૂપા રોયે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમ તો ફિલ્મમાં ઘણો મેલોડ્રામા હતો પણ લકવો મારેલો વર સાજો થઇને આડે રસ્તે ચઢે છે ત્યારે હિરોઇનની બહેન તેને ઠમઠોરીને પાછો ઠેકાણે પાડે છે. સ્વાભાવિક છે કે સ્ત્રી પાત્રો સક્ષમ હોય ત્યારે જ આ ઘટનાઓ દર્શાવી શકાય.

હેલ્લારો


શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નેશનલ એવોર્ડ વિજેતા બનેલી ફિલ્મ હેલ્લારો એક ગામમાં વર્ષો પહેલા ઘટેલી એક ઘટના સાથે જોડાયેલી વાયકાને આધારે બનેલી ફિલ્મ છે. ગામમાં પુરુષોનું વર્ચસ્વ છે અને સ્ત્રી ખુબ દાબમાં રખાય છે. અહીં સ્ત્રીઓને ગરબા કરવાની છૂટ નથી. જ્યાં ગરબાની છૂટ સુદ્ધાં ન હોય ત્યાં બીજી કોઇ સ્વતંત્રતાની વાત જ શું કરવી? આવા સંજોગોમાં પાણી ભરવા જોજનો દૂર જતી સ્ત્રીઓને મળે છે એક ઢોલી, જે નીચી જાતનો છે. સ્ત્રીઓ મન મુકીને ગરબા કરતી થાય છે, ગામનાં લોકોને આખરે આ ખબર પડે છે અને પછી તે ઢોલીનો જાન લેવાની વાત થાય છે. કઇ રીતે સ્ત્રીઓ આ પરિસ્થિતિનો સામનો કરે છે અને ઢોલીનો જીવ જતો હોય તો પોતે ય મરવા તૈયાર થાય છે પણ લોકવાયકા કરતા તો ફિલ્મને અલગ એટલે કે હેપ્પી એન્ડ અપાયો છે. તેર નાયિકાઓ જેમાં હોય તે ફિલ્મ સ્વાભાવિક રીતે જ નારી પ્રધાન હોય.

ગોળકેરી


તાજેતરમાં જ ફિલ્મ ગોળકેરી રિલીઝ થઇ છે. આમ તો આ ફિલ્મનાં બધાં પાત્રો મજાનાં છે પણ ફિલ્મની હિરોઇન માનસી પારેખ ગોહીલનું હર્ષિતાનું પાત્ર અને વંદના પાઠકે ભજવેલું હિરોની મમ્મીનું પાત્ર યાદ રહી જાય તેવાં છે. સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે કરિયર બનાવી રહેલી હર્ષિતા બોલ્ડ છે, તેને પોતાના કરિયરમાં આગળ શું કરવું છે તે અંકે બિલકુલ સ્પષ્ટતા છે. તે બહુ કમ્ફર્ટેબલી તેના બૉયફ્રેન્ડનાં પેરન્ટ્સને મળી શકે છે તો વળી પોતાના ઘરે પણ પિતા સાથે પોતાના બૉયફ્રેન્ડ સાથે સંબંધ તોડવા અને જોડવાની વાત કરી શકે છે. દેખીતી રીતે ટિપીકલ ગુજરાતણ લાગતું વંદના પાઠકનું પાત્ર જસ્સુ ખાસ છે કારણકે તે દીકરાની ગર્લફ્રેન્ડને બહુ જ ઉમળકાથી સ્વીકારે છે, દીકરો ખોટો છે તો તેને એ વાતનું ભાન કરાવવાની સિફત પણ આ મમ્મીમાં છે. દીકરો મોટો થઇ ગયો છે પણ મમ્મી તેના પતિ એટલે કે હિરોના પપ્પા પ્રત્યેનો પોતાનો પ્રેમ એક્સપ્રેસ કરતાં કચવાતી નથી. જી હા આ છે ગુજરાતી ફિલ્મની મોડર્ન નાયિકા અને મોડર્ન મમ્મી. આ ચિત્રણ બતાડે છે કે ફિલ્મની વાર્તાઓમાં હવે ઘણું બધું બદલાઇ રહ્યું છે.

gujarati film entertainment news manasi parekh international womens day