આજે ઓપન થાય છે નવું નાટક અરરર દક્ષા તેં તો કમાલ કરી

31 March, 2019 12:07 PM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક અરરર દક્ષા તેં તો કમાલ કરી

રસિક દવેએ ડિરેક્ટ કર્યું છે નાટક

ઇમ્તિયાઝ પટેલ લિખિત, રસિક દવે દિગ્દર્શિત બાલીવાલા થિયેટર્સનું નવું નાટક ‘અરરર દક્ષા તેં તો કમાલ કરી’નાં મુખ્ય કલાકારોમાં કેતકી દવે, રસિક દવે, હેમંત ઝા, કલ્યાણી ઠાકર, અભિષેક દવે અને અન્ય છે. નાટકનો શુભારંભ આજે સાંજે ૭.૪૫ મિનિટે તેજપાલ ઑડિટોરિયમથી થશે. નાટકના દિગ્દર્શક રસિક દવે કહે છે, ‘જે તમારી સાથે રહે છે અને સતત તમારું ધ્યાન રાખે છે એ વાઇફની જ કદર ન કરવી એ જાણે કે પુરુષોનો જન્મસિદ્ધ હક બની ગયો છે. આ વાતને તોડવાનું કામ આ નાટક કરે છે.’

નાટકના ટાઇટલ મુજબ એના કેન્દ્રમાં દક્ષા છે. દક્ષા સંયુક્ત પરિવારમાં રહે છે અને પતિ, બાળકો તથા પરિવારના અન્ય સભ્યો સાથે ખુશ છે. હસબન્ડની કચકચ અને ટકટકથી હવે તે ટેવાઈ પણ ગઈ છે અને એ વાતનું તેને ખરાબ પણ નથી લાગતું. જોકે એક દિવસ દક્ષાને ખરાબ લાગી જાય છે અને દક્ષા નક્કી કરે છે કે હવે તે હસબન્ડને દેખાડી દેશે, દેખાડી દેશે કે એ ધારે છે સાવ એવું નથી. તેની પણ વૅલ્યુ છે અને તેનામાં પણ સ્માર્ટનેસ છે. દક્ષાને દોડવું છે અને દોડવા માટે ઢાળ પણ તેને અનાયાસે જ સાંપડી જાય છે. મુંબઈનું એક લીડિંગ ન્યુઝપેપર ‘મિસિસ મુંબઈ’ કૉન્ટેસ્ટ રાખે છે અને એમાં દક્ષા ભાગ લે છે. દક્ષાને આ કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે બીજું કોઈ નહીં, પણ તેના જ સસરા અને તેનો દિયર સમજાવે છે અને સાથ પણ આપે છે અને અહીંથી શરૂ થાય છે વાઇફની પોતાના માટેની પોતાની શોધ. નાટકના લેખક ઇમ્તિયાઝ પટેલે કહે છે, ‘લગ્નસંસ્થાના પોતાના પણ સંસ્કાર છે અને આ સંસ્કારને જો અપનાવવામાં ન આવે તો લગ્નસંસ્થા તૂટી જાય. એકબીજાને માત્ર પ્રેમ કરવાથી કશું નથી વળવાનું, એકબીજાને માન અને સન્માન આપવાં અત્યતં જરૂરી છે. જો માન આપશો તો જ આ પ્રેમનો સંબંધ અકબંધ રહેશે.’

આ પણ વાંચોઃ આજે ઓપન થાય છે નવું નાટક મેં મારું જ કરી નાખ્યું

‘મિસિસ મુંબઈ’માં ભાગ લેનારી દક્ષાને કેવો અનુભવ થાય છે, દક્ષા આ કૉન્ટેસ્ટ જીતે છે કે નહીં અને પરિણામ પછી દક્ષા માટે પોતાની મૅરેજ લાઇફનું શું મૂલ્ય રહે છે એ અને એવા અનેક સવાલના જવાબો ‘અરરર, દક્ષા તેં તો કમાલ કરી’માં છે.

mumbai gujarat news