આજે ઓપન થાય છે ગુજરાતી નાટક હા, હું ચોકીદાર છું

09 June, 2019 10:52 PM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે ગુજરાતી નાટક હા, હું ચોકીદાર છું

હા, હું ચોકીદાર છું

જી. એન. એન્ટરટેઇનમેન્ટ અને નિર્માતા જિત કુમારનું નવું નાટક ‘હા, હું ચોકીદાર છું’ના લેખક મનોજ નથવાણી છે, જ્યારે નાટકનું દિગ્દર્શન શરદ વ્યાસનું છે. નાટકની વાર્તાના કેન્દ્રમાં ચોકીદાર શબ્દ છે. નરેન્દ્ર મોદીના કારણે પૉપ્યુલર થયેલો આ શબ્દ દરેક પરિવાર માટે કેટલો મહત્ત્વનો છે એ આ નાટક દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ‘હા, હું ચોકીદાર છું’ના મુખ્ય કલાકારોમાં શરદ શર્મા, પીયૂષ અઢિયા, સનાતન મોદી, વર્ષા દેસાઈ, હીના રામપરિયા, કુકુલ તારમાસ્તરનો સમાવેશ થાય છે.

રિટાયર્ડ સ્કૂલ-પ્રિન્સિપાલ હરિદાસ આચાર્ય ચોકીદાર છે. જરા પણ ગભરાવાની જરૂર નથી કે સ્કૂલ-પ્રિન્સિપાલ અને ચોકીદાર કેવી રીતે શક્ય બને. હ‌રિદાસ આચાર્ય પોતાની જાતને પોતાની ફૅમિલીના ચોકીદાર માને છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી ભારોભાર પ્રભાવિત એવા આચાર્યસાહેબની એકેક વાતમાં મોદી ઝળકે છે અને તેમના સિદ્ધાંતો પણ નરેન્દ્ર મોદી જેવા જ છે. ગુડ ગવર્નન્સ અને દેશ માટે જરૂરી એવાં કડક પગલાં લેવાની મોદીની આ જ નીતિ હરિદાસ આચાર્ય પોતાના ઘરમાં પણ અપનાવે છે. હેતુ તેમનો એક જ છે કે કોઈ પણ હિસાબે પરિવારનું રક્ષણ થાય અને પરિવાર સલામત રહે. જોકે એક તબક્કો એવો આવી જાય છે કે આખો આચાર્ય પરિવાર તકલીફમાં મુકાય છે અને જાતને ફૅમિલીના ચોકીદાર માનતા હરિદાસ આચાર્યને ખરા અર્થમાં ચોકીદારી કરીને પરિવારને એ તકલીફોમાંથી બહાર કાઢવાની મહેનત આદરવી પડે છે.

‘હા, હું ચોકીદાર છું’નો શુભારંભ આજે રાતે સાડાસાત વાગ્યે ભારતીય વિદ્યા ભવનથી થશે.

gujarati film