ગુજરાતી રંગભૂમિ થઈ ગમગીન: ભારતીય વિદ્યા ભવનના કમલેશ મોતાનું નિધન

06 October, 2020 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી રંગભૂમિ થઈ ગમગીન: ભારતીય વિદ્યા ભવનના કમલેશ મોતાનું નિધન

કમલેશ મોતા (તસવીર સૌજન્ય: ફેસબુક)

ગુજરાતી રંગભૂમિના દરેક કલાકારનું મહત્વનું સ્થાન ગણાતું સ્થળ એટલે 'ભારતીય વિદ્યા ભવન - કલા કેન્દ્ર'. કલા કેન્દ્રમાં છેલ્લા 18 વર્ષથી ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામની ફરજ બજવતા અને ગુજરાતી રંગભૂમિના અભિનેતા, પ્રોડયુસર, ડિરેક્ટર કમલેશ મોતા (Kamlesh Mota)નું 57 વર્ષની વયે આજે એટલે કે, 6 ઓક્ટોબર 2020ના રોજ નિધન થયું છે. હાર્ટ એટેક આવવાને કારણે કમલેશ મોતાનું નિધન થયું છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, કમલેશ મોતાને મલેરિયા થતા ત્રણ દિવસ પહેલા દક્ષિણ મુંબઈની સૈફી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને સોમવારે મધરાતે 3.30 વાગ્યાની આસપાસ હૃદય રોગનો હુમલો આવતા અંતિમ શ્વાસ લીધા હતા. આજે વહેલી સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને બીજી વાર હાર્ટ એટેક આવ્યું છે. આ પહેલા પહેલું હાર્ટ એટેક વર્ષો પહેલા આવ્યું હતું. કમલેશ મોતાના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. અચાનક થયેલા નિધનથી પરિવારને માથે દુ:ખનો ડુંગર તૂટી પડયો છે.

કમલેશ મોતાએ 11 વર્ષની ઉંમરથી નાટકો કરવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ તેમની ઈચ્છા રંગભૂમિ પર અભિનય કરવાની હતી. શાળામાં અને કોલેજમાં પણ તેઓ નાટકોમાં ભાગ લેતા હતા. 11 વર્ષની ઉંમરથી અભિનય કરવાની શરૂઆત કરનાર કમલેશ મોતાએ પછી ક્યારેય પાછળ ફરીને જોયું નહોતું. તેમણે 12 વર્ષની ઉંમરમાં પ્રથમ કર્મિશ્યલ ગુજરાતી નાટક 'વંશ' પ્રોડયુસ કર્યું હતું. અભિનેતા તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેના નાટક 'અમારી દુનિયા તમારી દુનિયા'એ તેમને સફળતા અપાવી હતી. ત્યારબાદ તેમણે દિગ્દર્શક, પ્રોડયુસર અને અભિનેતા તરીકે પોતાની કારકિર્દીને વળાંક આપતા ગયા. છેલ્લા 35 વર્ષથી તેઓ ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત હતા. તેમણે 'ઓલ ઈન્ડિયા રેડિયો - મુંબઈ'માં પણ અનેક નાટકો અને ડબિંગ કર્યા છે. જાન્યુઆરી 2002થી અત્યાર સુધી તેઓ 'ભારતીય વિદ્યા ભવન - કલા કેન્દ્ર'ના ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ તરીકે ફરજ બજાવતા હતા.

હંમેશા હસતા અને રંગભૂમિની સેવા માટે તત્પર કલાકાર કમલેશ મોતાના નિધનથી આખી રંગભૂમિ ગમગીન થઈ ગઈ છે.

entertainment news dhollywood news gujarati film