આજે ઓપન થાય છે ગુજરાતી નાટક ગમ્મે તેવા તોયે ગમે એવા

16 February, 2020 02:52 PM IST  |  Mumbai

આજે ઓપન થાય છે ગુજરાતી નાટક ગમ્મે તેવા તોયે ગમે એવા

નાટકના કાસ્ટ

મનોરંજન મેનિયા નિર્મ‌િત, ઇમ્તિયાઝ પટેલ લિખિત અને યુનુસ પટેલ દિગ્દર્શ‌િત ‘ગમ્મે તેવા તોયે ગમે એવા’ના મુખ્ય કલાકારોમાં વંદના ‌વિઠલાણી, કલ્યાણી ઠાકર, રાહુલ અંતાણી, તુષારિકા રાજગુરુ, પૂનમ પારેખ, ચિંતન મહેતા અને જિતુ કોટક છે. નાટકનો વિષય અજાણ્યા સાથે પ્રેમ કરવાથી ઊભી થનારી પરિસ્થિતિ અને સંજોગો પર કેન્દ્ર‌િત થયો છે.

નાટકની વાર્તા આતિશની આસપાસ ઘૂમરાય છે. આતિશની ઇચ્છા છે કે એ સુનિધિ સાથે લગ્ન કરે. સુનિધિના એ ગળાડૂબ પ્રેમમાં પણ છે, પણ સંજોગો એવા વિપરીત બને છે કે લગ્નના મંડપમાં તેની સામે કમઠાણ ઊભું થાય છે અને આતિશને ફોર્સ કરવામાં આવે છે કે તે સુનિધિ સાથે નહીં પણ ‌હિના સાથે મૅરેજ કરે. સમય, સંજોગો અને સંયોગ જોઈને આતિશ પાસે બીજો કોઈ છૂટકો પણ નથી રહેતો અને તે એ નિર્ણયને સરઆંખો પર ચડાવે છે, પણ અહીંથી પ્રશ્નોની રમઝટ બોલે છે. નાટકના રાઇટર ઇમ્તિયાઝ પટેલ કહે છે કે ‘એ પ્રશ્નો વચ્ચે જે સર્જાય છે એમાં કૉમેડી પણ છે અને ઇમોશન્સ પણ એટલા જ છે. નાટકનું ટાઇટલ પણ નાટકના વિષયવસ્તુને અને આજની મહિલાઓની માનસિકતાને ચરિતાર્થ કરે છે.’

સુનિધિને બદલે હિના સાથે શું કામ મૅરેજ કરવાનું દબાણ આતિશ પર આવ્યું હતું? શું આતિશ અને હિનાના લગ્નજીવનમાં ખુશીઓ આવે છે કે પછી બન્ને એક અકળ ભાર વચ્ચે જીવન વિતાવે છે? શું એ લગ્નજીવન ટકે છે કે પછી સુનિધિનો ભાર તેમના પર સતત મંડરાયા કરે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ ‘ગમ્મે તેવા તોયે ગમે એવા’ નાટકમાંથી મળે છે.

‘ગમ્મે તેવા તોયે ગમે એવા’નો શુભારંભ આજે રાતે ૯ વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી થશે.

gujarati film entertaintment