નવ મહિના બાદ ઉઠશે રંગભૂમિ પરથી પડદો, સંભળાશે તાળીઓનો ગડગડાટ

18 December, 2020 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવ મહિના બાદ ઉઠશે રંગભૂમિ પરથી પડદો, સંભળાશે તાળીઓનો ગડગડાટ

નાટક ‘કરસનદાસ કોમેડીવાળા’નું પોસ્ટર

કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે લગભગ છેલ્લા દસ મહિનાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ સમયગાળામાં ઓફિસ, શાળા, દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ. ફિલ્મો પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માંડી. જોકે, ગુજરાતી રંગભૂમિ પર સન્નાટો હતો. અનેક નાટકોના ઓનલાઈન પ્રયોગો યોજાયા અને લાઈવ કાર્યક્રમો પણ યોજાયા. પરંતુ રંગભૂમિ પર ભજવાતા નાટકમાં જે મજા આવે તેવી મજા ઓનલાઈનમાં ન જ આવી. છેલ્લા નવ મહિનાથી રંગભૂમિ પર પડદો પડી ગયો હતો. પણ હવે પ્રેક્ષકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણકે થિયેટરો ખુલ્યા બાદ રંગભૂમિ પર નાટકનો પહેલો પ્રયોગ થવાનો છે.

થોડાક સમય પહેલા મરાઠી રંગભૂમિ શરૂ થયા બાદ હવે ગુજરાતી રંગભૂમિ પણ સજ્જ છે. મહામારીના વાવાઝોડા બાદ અને અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી પ્રથમ વાર રંગભૂમિ પર નાટક ભજવાશે. 27 ડિસેમ્બરે બોરીવલીમાં આવેલા પ્રબોધનકાર ઠાકરે ઓડિટોરિયમમાં રંગમંચ પ્રોડક્શનનું આસિફ પટેલ નિર્મિત અને અનુરાગ પ્રપન્ન દિગ્દર્શિત નાટક ‘કરસનદાસ કોમેડીવાળા’ રાત્રે નવ વાગે ભજવાશે. ઈમ્તિયાઝ પટેલ લિખિત આ નાટકમાં આશિષ ભટ્ટ, જયદિપ શાહ, પ્રથમ ભટ્ટ, પિન્કી જૈન, શકુંત જોશીપુરા, અભિજીત ચિત્રે, કમલેશ પરમાર, પ્રદીપ લિંબાચિયા અને નિતેશ રાવલ અભિનય કરે છે. નાટકમાં સંગીત અમાન ખાને આપ્યું છે.

અનલોક થયેલા નાટકને રંગભૂમિ પર ભજવવા માટે કલાકારો જેટલા ઉત્સુક છે એટલા જ પ્રેક્ષકો પણ ઉત્સુક હશે જ!

entertainment news dhollywood news