આજે ઓપન થાય છે દે તાળી, કોના બાપની દિવાળી

09 February, 2020 01:39 PM IST  |  Mumbai

આજે ઓપન થાય છે દે તાળી, કોના બાપની દિવાળી

દે તાળી, કોના બાપની દિવાળી

સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી નિર્મિત સંજય ગોરડિયા પ્રોડક્શન્સનું નવું નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’ના લેખક વિનોદ સરવૈયા છે અને નાટકનું દિગ્દર્શન સંજય ગોરડડિયાનું છે. નાટકના મુખ્ય કલાકારોમાં સંજય ગોરડિયા, દીપાલી ભુતા, મનીષ પોપટ, દેવેન રાઠોડ, ફલક મહેતા અને ગઝલ રાય છે. નાટકના દિગ્દર્શક સંજય ગોરડિયા કહે છે, ‘જિંદગીમાં બધાને આગળ વધવું છે, બધા એવું ઇચ્છે છે કે તેની કિંમત થાય, તેને માનપાન મળે, પણ કોઈ એ નથી સમજતું કે કિંમત કરાવવી હોય તો કિંમત કરવી પડે, માન જોઈતું હોય તો માન આપતાં શીખવું પડે. આ જ વાતને નાટકમાં અસરકારક રીતે કહેવામાં આવી છે.’

‘દે તાળી, કોના બાપની દિવાળી’ના કેન્દ્રમાં રાયજાદા ફૅમિલી છે. પરિવારના મોભીએ બધું વ્યવસ્થિત ગોઠવી રાખ્યું છે જેથી કોઈને રાતોરાત આર્થિક સંકડામણ જોવી ન પડે. મોભીના અવસાન પછી પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કોઈને હવે કામ નથી કરવું, કોઈને મહેનત નથી કરવી. બાપુજી મૂકી ગયા છે એ વાપરીને સૌકોઈ આનંદથી રહેવા માગે છે અને બધાને મોજશોખ કરવા છે. મોજશોખના રસ્તે વળી ગયેલા ત્રણ ભાઈઓ એટલી હદે જલસા કરવામાં પડી જાય છે કે ઘરઆખું દેવાળિયું થઈ જાય છે. હવે કોઈ પણ ઘડીએ ઘરબાર ખાલી કરવાનો વારો આવે એમ છે અને ત્યારે જ ઘરની નાની વહુ સાથે એક ઘટના ઘટે છે અને બધા મોજમસ્તી છોડીને નવેસરથી કામે વળગે છે, પણ કહેવત છેને કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી.’ એવું જ બને છે સૌકોઈ સાથે. બે પાંદડે થતાની સાથે બધા પાછા એ જ પનોતીના માર્ગે વળી જાય છે. હવે કરવું શું, ફરીથી નાની વહુ શું બધાની આંખ ખોલે છે કે પછી આ વખતે નાની વહુનો કોઈ આઇડિયા કારગત નથી નીવડવાનો? સંજય ગોરડિયા કહે છે, ‘આ સવાલનો જવાબ નાટકમાં બહુ ચોટદાર રીતે આપવામાં આવ્યો છે.’

‘દે તાળી, કોના બાપની દિવાળી’નો શુભારંભ રવિવારે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film entertaintment Sanjay Goradia