બહુ ના વિચાર છે દુનિયાની પહેલી રિવર્સ બાયોપિક

30 April, 2019 11:29 AM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

બહુ ના વિચાર છે દુનિયાની પહેલી રિવર્સ બાયોપિક

સાહેબ, નવું કંઈ પણ કરવું હોય તો છપ્પનની છાતી જોઈએ અને આ છપ્પનની છાતી ૨૧ વર્ષના ગુજરાતી છોકરાએ કરી દેખાડી છે. આ ગુજરાતી છોકરાનું નામ છે રુતુલ પટેલ. રુતુલ પટેલે ડિરેક્ટ કરેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ શુક્રવારે રિલીઝ થશે. રુતુલની આ ફિલ્મ દેશની કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જ નહીં, જગતની પહેલી રિવર્સ બાયોપિક છે. આ રિવર્સ બાયોપિકનો અર્થ પહેલાં સમજવો જોઈએ. રુતુલ પટેલ સમજાવતાં કહે છે, ‘કોઈના જીવન પરથી ફિલ્મ બને એને બાયોપિક કહેવામાં આવે, પણ જે હજી બન્યું ન હોય અને ભવિષ્યમાં બનવાનું હોય એના પરથી ફિલ્મ બનાવવામાં આવે એને રિવર્સ બાયોપિક કહેવામાં આવે છે. ‘બહુ ના વિચાર’ આવી જ રિવર્સ બાયોપિક છે. એના ક્લાઇમૅક્સમાં જે દેખાડવામાં આવ્યું છે એ અમે ફિલ્મની રિલીઝના દિવસથી શરૂઆત કરવાના છીએ. શું શરૂ કરવાના છીએ અને કેવી રીતે એની શરૂઆત થશે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.’

રુતુલ પટેલની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ટીવીસ્ટાર ભવ્ય ગાંધી ઉપરાંત ‘છેલ્લો દિવસ’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મની લીડ-સ્ટાર જાનકી બોડીવાલા જેવાં સ્ટાર્સ છે. ફિલ્મની વાર્તા આજના યંગસ્ટર્સની જે સૌથી મોટી સમસ્યા છે એના પર છે. રુતુલ કહે છે, ‘જગતના ૮૦ ટકા પ્રૉબ્લેમના જડ વિચારો છે અને એટલે જ સાયકોલૉજિસ્ટ પણ કહે છે કે વિચારવાની પ્રક્રિયા જેટલી સારી છે એટલી જ જોખમી પ્રક્રિયા અતિશય વિચારો કરવાની છે. જો હેરાન ન થવું હોય, તકલીફો ઊભી ન કરવી હોય અને દુખી ન થવું હોય તો એક જ સલાહ છે, બહુ ના વિચાર.’

આ પણ વાંચોઃ બહુ ના વિચાર ફિલ્મનું હાર્ટ ટચિંગ સોંગ 'તારી ગમતી વાતો' રીલિઝ

રુતુલની આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મમાં જ રુતુલે અનેક નવા આયામ મેળવ્યા છે, જેમાંથી સૌથી મહkવનો આયામ જો કોઈ હોય તો એ આ જ કે આ ફિલ્મ દુનિયાની પહેલી રિવર્સ બાયોપિક બની છે. સામાન્ય રીતે બાયોપિકનાં પોસ્ટર અને ફિલ્મના ટ્રેલરમાં ગાઈ વગાડીને લખવા અને કહેવામાં આવે છે: ‘Film Based on true events,’ પણ રુતુલ પટેલની ફિલ્મ ‘બહુ ના વિચાર’નાં પોસ્ટર અને ટ્રેલરમાં પણ રુતુલે આ વાતને ખૂબસૂરત રીતે દર્શાવી છે અને લખ્યું છે : Ture events will be based on this film.

bollywood Bhavya Gandhi entertaintment