24 February, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી આયોજિત નાટ્ય સ્પર્ધા ૨૦૨૬ (વર્ષ ૧૮)નો પારિતોષિક વિતરણ સમારોહ ‘જશન ને જલસો’ બુધવારે ૨૫ ફેબ્રુઆરીએ સાંજે ૬.૩૦ વાગ્યે સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી ખાતે યોજાશે. ચલચિત્ર અને નાટ્યજગતના દિગ્ગજ કલાકારોના હસ્તે પારિતોષિકોનું વિતરણ થશે. તદુપરાંત આમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
ગણેશ-વંદનાના નૃત્ય સાથે કાર્યક્રમનો આરંભ થશે. વાર્તાકાર અજય ઓઝાની વાર્તા જાણીતા અભિનેતા મેહુલ બુચ રજૂ કરશે. પ્રખ્યાત કવિ સૌમ્ય જોશીની કવિતા પર આધારિત એકોક્તિ અભિનેતા પરેશ વોરા રજૂ કરશે. દિલીપ રાવલ લિખિત અને રાજુલ દીવાન દ્વારા દિગ્દર્શિત જીવન જાણે જલસો (સ્કિટ) રજૂ થશે. એમાં અભિનય કરશે ડૉક્ટર પ્રીતિ જરીવાલા અને રાજુલ દીવાન. પછી દીપક શાહ દ્વારા શૉર્ટ ફિલ્મ ‘વૉટર-માય સ્ટોરી’ રજૂ થશે અને મહિલા સશક્તીકરણ પર આધારિત નૃત્ય ‘નારીથી નારાયણી’ રજૂ થશે, જેની રચના અને સંકલ્પના દીપક શાહની છે અને નૃત્ય-નિર્દેશન ચિરાગ ગોહિલે કર્યું છે. આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના પ્રીતિ શાહની છે. કાર્યક્રમનું સંચાલન પણ તેમને હસ્તક છે. આના માટેના નિ:શુલ્ક પાસ ભવન કલાકેન્દ્ર, ચોપાટી અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી ખાતે ૨૧ ફેબ્રુઆરીથી મળી રહ્યા છે. સૌ નાટ્યરસિકોને કાર્યક્રમમાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે.