કહો જોઈએ, ફિલ્મ ‘લકીરો’ શું કામ ચાલવી જોઈએ?

15 January, 2023 11:12 AM IST  |  Mumbai | Bhavya Gandhi

એમાં કોઈ જાતનો દંભ નથી, કોઈ જાતનો દેખાડો નથી. આંખ સામે એક પણ પ્રકારના અવૉર્ડ પણ નથી અને એવો પ્રયાસ સુધ્ધાં નથી કે સો-કોલ્ડ ક્રિટિક્સ એ વખાણે

કહો જોઈએ, ફિલ્મ ‘લકીરો’ શું કામ ચાલવી જોઈએ?

એમાં કોઈ જાતનો દંભ નથી, કોઈ જાતનો દેખાડો નથી. આંખ સામે એક પણ પ્રકારના અવૉર્ડ પણ નથી અને એવો પ્રયાસ સુધ્ધાં નથી કે સો-કોલ્ડ ક્રિટિક્સ એ વખાણે. આ જે પ્રામાણિકતા છે એ સબ્જેક્ટને ટ્રીટ કરવામાં પણ અકબંધ રાખીને આજની વાત કહેવામાં આવી છે, જે દરેક યંગ કપલને લાગુ પડે છે

પહેલી વાત એ કે ઇટ્સ નૉટ અ રિવ્યુ. હા, કારણ કે અંગત રીતે હું રિવ્યુને ગણકારતો પણ નથી અને આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી રિવ્યુને ગણકારતી નથી એટલે રિવ્યુની વાત તો છે જ નહીં. હા, ઑનેસ્ટીની વાત છે અને એ ઑનેસ્ટી તમને ‘લકીરો’ની દરેકેદરેક ફ્રેમમાં જોવા મળશે. દર્શન ત્રિવેદીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘લકીરો’ની વાર્તામાં જે પ્રામાણિકતા છે એ જ પ્રામાણિકતા તમને ફિલ્મમાં દેખાય છે, એ જ પ્રામાણિકતા ફિલ્મના દરેક ઍક્ટરમાં જોવા મળે છે અને એ જ પ્રામાણિકતા ફિલ્મના એકેએક સંવાદમાં જોવા મળે છે તો ગીતમાં પણ એટલી જ તીવ્રતા સાથે પ્રામાણિકતાથી વર્તે છે. હા, ગીત વિશે વધારે વાત નહીં કહું, કારણ કે બે દિવસ પહેલાં જ ધ્વનિતભાઈએ (આરજે ધ્વનિતે) પોતાની શુક્રવારની કૉલમમાં આ વાત કહી દીધી છે. એટલે આપણે વાત કરીશું એ માત્ર ફિલ્મની કરીશું અને એ સાંભળતી વખતે તમારે સતત એ વાત યાદ રાખવાની છે કે ઇટ્સ નૉટ એ રિવ્યુ.

‘લકીરો’ની સારી વાત કહેતાં પહેલાં મને ન ગમેલી એક વાત કહી દઉં. ફિલ્મનું ટાઇટલ. આ ટાઇટલ વાંચીને તરત જ તમને સમજાતું નથી કે વાત શાની છે? બીજી વાત, એ પણ સમજાતું નથી કે ફિલ્મ હિન્દી છે કે ગુજરાતી? આ જ ટાઇટલ તમને ત્યારે જસ્ટિફાય થતું લાગે જ્યારે તમે ફિલ્મ જુઓ, પણ એ પહેલાં આ ટાઇટલ કદાચ અર્થહીન લાગી શકે અને એવું પણ લાગે કે આનાથી વધારે સારું ટાઇટલ આ ફિલ્મ માટે શોધી શકાયું હોત. ઍક્ચ્યુઅલી, લકીર (એટલે કે હસ્તરેખા) એ ખરેખર હિન્દી શબ્દ છે એટલે ગુજરાતી ઑડિયન્સને આ અવઢવ થાય એવું મને લાગે છે; પણ સર, ફિલ્મ જોયા પછી કોઈ અવઢવ મનમાં રહેતી નથી. અદ્ભુત અને સંપૂર્ણ પ્રામાણિક ફિલ્મ અને એવી તે પ્રામાણિક કે તમને દરેક ફ્રેમમાંથી એની પ્રામાણિકતા સ્પર્શતી દેખાઈ આવે.

ફિલ્મમાં વાત એક એવા કપલની છે જે મૅરેજ પહેલાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે, એકબીજા માટે પૂરતો સમય કાઢી રહ્યા છે અને એકબીજાને સતત ઇમ્પોર્ટન્સ આપે છે. જોકે મૅરેજ પછી વાત બદલાય છે અને હસબન્ડ છે એ ફરીથી પોતાના રૂ​ટીનની દિશામાં એવો તે ગળાડૂબ થઈ જાય છે કે તેને વાઇફથી માંડીને ઘર સુધ્ધાં યાદ નથી આવતું. વાઇફ ઘરમાં હિજરાય છે અને હિજરાતી વાઇફ રીઍક્ટ કરે છે. નૅચરલી વાઇફના એ વર્તન સાથે હસબન્ડ રીઍક્શન આપે છે અને એ રીઍક્શન સાથે જ ઘરમાં ધમાલ શરૂ થાય છે. આ આજની વાત છે, આજના કપલની વાત છે અને એટલે જ કન્ટેમ્પરરી છે. છેલ્લાં પાંચ વર્ષમાં મૅરેજ કર્યાં છે એ મોટા ભાગનાં કપલની આ જ ફરિયાદ છે કે હસબન્ડ ટાઇમ નથી આપતો કે વાઇફ ઘરના કામમાંથી ફ્રી નથી થતી.

એવું નથી કે આવી ફિલ્મ આવી નથી. આવી છે, અઢળક હિન્દી ફિલ્મો આ સબ્જેક્ટ પર આવી છે; પણ આ ફિલ્મની બ્યુટી એ છે કે એમાં ઑનેસ્ટી અકબંધ છે અને અકબંધ રહેલી આ ઑનેસ્ટી વચ્ચે કપલ બનેલાં બન્ને લીડ કૅરૅક્ટરનું જે કામ છે એ અદ્ભુત છે. સ્ક્રિપ્ટમાં કોઈ મોટા ટર્ન-ટ્વિસ્ટ નથી અને એ પછી પણ રૌનક કામદાર અને દીક્ષા જોષીએ જે કામ કર્યું છે એ અદ્ભુત છે. દીક્ષા તો ઑલવેઝ મારી ફેવરિટ રહી છે અને તેની સાથે કામ કરવાની મારી ઇચ્છા પણ છે. પણ રૌનક, આ ફિલ્મથી રૌનક પણ મારો ફેવરિટ થઈ ગયો. પૅશન્સ તમને કયા સ્તર પર લઈ જઈ શકે એનું બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ હોય તો એ રૌનક છે. નાના પણ મહત્ત્વના કહેવાય એવા રોલ કરીને રૌનકે પોતાનું કામ ચાલુ રાખ્યું અને એક ફિલ્મ ‘નાડીદોષ’એ એવો તે મૅજિક દેખાડ્યું કે તમે જુઓ, છેલ્લા એક વર્ષમાં રૌનકની લીડ ઍક્ટર તરીકે ત્રણ ફિલ્મ આવી ગઈ : ‘એકવીસમું ટિફિન’, ‘ચબૂતરો’ અને ‘લકીરો’. આ ત્રણેત્રણ ફિલ્મમાં રૌનક સાવ જુદા જ કૅરૅક્ટરમાં હતો અને એ પછી પણ તેણે પોતાની એક ખાસ છાપ છોડી.

‘લકીરો’ આજના યંગસ્ટર્સની ફિલ્મ છે, આજના કપલની ફિલ્મ છે. ચાલીસ-પચાસ અને એ પછીનાં વર્ષોમાં પહોંચી ગયેલાઓને આ ફિલ્મ ન ગમે એવું બની શકે છે. એવું પણ લાગે કે આ ફિલ્મ તો સ્લો ચાલે છે, પણ પચ્ચીસ અને ત્રીસ વર્ષના યંગસ્ટર્સ દરેક સીનને પોતાની સાથે રિલેટ કરી શકે એવા પૂરા ચાન્સિસ છે. એમાં વાત આજની છે અને આજની વાત ગઈ કાલની જનરેશન કદાચ ન સમજી શકે એવું ધારી શકાય છે, પણ એનો અર્થ બિલકુલ એવો નહીં કરવો કે ફિલ્મ આજથી રિલેટ નથી. આજથી અને આજની વાત, આજના પ્રશ્નથી આ ફિલ્મ રિલેટ છે અને એટલે જ કહીશ કે ‘લકીરો’ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. આવી જ ફિલ્મોની આજે જરૂર છે જે યંગસ્ટર્સને સમજાવે અને કહે કે જેટલી જહેમત રિલેશન બાંધવામાં લીધી હતી એટલી જ મહેનત એ રિલેશનને જોડેલા રાખવા માટે પણ કરવી પડે.

entertainment news dhollywood news Bhavya Gandhi