સ્ટેજ લેજન્ડ સરિતા જોષીનું મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી સન્માન

22 December, 2019 08:49 AM IST  |  Mumbai

સ્ટેજ લેજન્ડ સરિતા જોષીનું મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી સન્માન

ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મઅભિનેત્રી સરિતા જોષીને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજતા હિમેશ રેશમિયા. સાથે મિડ-ડે ગ્રુપનાં એડિટર-ઇન-ચીફ ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ગુજરાતીના તંત્રી મયૂર જાની.

મિડ-ડે ગૌરવ ICONSની ત્રીજી સીઝનના ગઈ કાલે યોજાયેલા સમારંભમાં નાટક, સિનેમા અને ટીવી ક્ષેત્રનાં જાજરમાન અભિનેત્રી સરિતા જોષીનું લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું. બૉલીવુડના મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ સરિતા જોષીને અર્પણ કર્યો હતો.

આઇકૉનિક રિયલિટી શો જજનો અવૉર્ડ હિમેશ રેશમિયાને આપતા લી ક્લાસિકના યોગેશ જયસ્વાલ.

ગુજરાતી રંગભૂમિ પરનાં દંતકથારૂપ ઍક્ટ્રેસ સરિતા જોષીને ગઈ કાલે મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી નવાજવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી અમારા જેવાને વર્ષાનુવર્ષ વધારે સારું કામ કરવાની પ્રેરણા મળે છે.’

કોરિયોગ્રાફી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સમીર (ડાબેથી) અને અર્શ તન્નાને અવૉર્ડથી નવાજતા હિમેશ રેશમિયા.

મુંબઈના સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં ગઈ કાલે મિડ-ડે ગૌરવ ICONSની ત્રીજી સીઝનનો અવૉર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં શહેરના ગુજરાતી અને મારવાડી ICONSનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા શાઇના એનસી ઍક્ટ્રેસ અમાયરા દસ્તૂર સાથે.

રંગમંચના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સરિતાબહેનનું મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું.

ભાવુક થયેલાં સરિતાબહેને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું, ‘આજ સુધી મને રાષ્ટ્રીય સ્તરના અનેક પુરસ્કાર મળ્યા છે છતાં મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ મારા માટે ખૂબ બધારે મહત્વ ધરાવે છે.’

અદ્ભુત બૅન્ડ પર્ફોર્મન્સ આપ્યો હતો નૈતિક નાગડાએ.

આ સમારંભની શરૂઆત દાંડિયાકિંગ નૈતિક નાગડા અને તેમની ટીમના અન્ય સભ્યોએ મળીને સંગીતમય રીતે કરી હતી. નૈતિક નાગડાના બોલ અને પ્રેક્ષકોની તાળીની જુગલબંદી પણ કાબિલે તારીફ રહી. સ્ટૅન્ડ-અપ કૉમેડિયન પરિતોષ ત્રિપાઠીએ પણ હાજર સૌને મજા કરાવી હતી.

પ્રેક્ષકોને હાસ્યના હિલોળે ઝુલાવનાર પરિતોષ ત્રિપાઠી 

આ અવૉર્ડ્સ સમારંભની શરૂઆત ગુજરાતી મિડ-ડેના તંત્રી મયૂર જાનીના સ્વાગત-ભાષણથી થયું હતું. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે ‘મિડ-ડેગૌરવ ICONSની ત્રીજી સીઝનની આજે શરૂઆત થઈ છે. ગુજરાતી અને મારવાડી સમુદાયમાં નોંધપાત્ર કામગીરી બજાવનારને પુરસ્કૃત કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ.’

દિગ્દર્શક, અભિનેતા અને લેખક લતેશ શાહ તથા અભિનેત્રી સુજાતા મહેતા સાથે મિડ-ડેના તંત્રી મયૂર જાની.

આ પ્રસંગે મિડ-ડે ગ્રુપનાં એડિટર-ઇન-ચીફ ટિનાઝ નૂશીઆંએ સર્વે આમંત્રિતોને આવકારતા સમારંભમાં આવવા બદલ સૌનો આભાર માન્યો હતો.

બૉલીવુડના લોકપ્રિય મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાને આઇકૉનિક રિયલિટી શો જજના અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે ‘હું જે પણ છું એનું કારણ આપ સૌનો પ્રેમ અને માતા-પિતાના આશીર્વાદ છે. આથી વધારે શું કહી શકાય. હું વાસ્તવમાં ધન્ય છું કે મને તમારો આટલો પ્રેમ મળ્યો.’

હિમેશ રેશમિયાની મેલડીની ભારોભાર પ્રશંસા કરીને હિમેશે સંગીતબદ્ધ કરેલા ગીતની બે પંક્તિ સરિતાબહેન ગણગણ્યાં હતાં. એ પછી હિમેશ રેશમિયાએ ગીતોની અદ્ભુત મૅડલી ગાઈને વાતાવરણને એક્સાઇટિંગ બનાવી દીધું હતું.

આ ઇવેન્ટના મુખ્ય પાર્ટનર લી ક્લાસિક હતા. આ ઉપરાંત મોબિલિટી પાર્ટનર બીએમડબ્લ્યુ, રેડિયો પાર્ટનર રેડિયો સિટી, વીક-એન્ડ પાર્ટનર સન્ડે મિડ-ડે અને આઉટડોર પાર્ટનર બ્રાઇટ હતાં.

ગુજરાતી મિડ-ડે ગૌરવ ICONS ૨૦૧૯ના કાર્યક્રમનું સુંદર રીતે સૂત્રસંચાલન કરવાનું શ્રેય લેખા રાચ્છને જાય છે.

bollywood gujarati mid-day himesh reshammiya entertaintment