કનુ ભગદેવની નવલકથા પરથી બનેલી ફિલ્મ 'મિ.જાસૂસ'ને મળ્યો સારો પ્રતિસાદ

30 June, 2019 01:00 PM IST  |  અમદાવાદ

કનુ ભગદેવની નવલકથા પરથી બનેલી ફિલ્મ 'મિ.જાસૂસ'ને મળ્યો સારો પ્રતિસાદ

અર્બન ગુજરાતી ફિલ્મોના દોરમાં સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. સાથે સાથે હવે નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. એ છે ગુજરાતી લેખકોની નવલકથા પરથી ફિલ્મો બનવાનો. પહેલા ધુર્વ ભટ્ટની તત્વમસી પરથી ચેતન ધાનાણી સ્ટારર રેવા રિલીઝ થઈ. હવે આ જ કડીમાં વધુ એક ફિલ્મ ઉમેરાઈ છે. ગુજરાતી સાહિત્યમાં રહસ્યકથાની વાર્તાઓ માટે જાણીતા લેખક કનુ ભગદેવની જાણીતી નવલકથા જાસૂસ પરથી એક ગુજરાતી ફિલ્મ બનીને રિલીઝ થઈ. કનુ ભગદેવની નવલકથા પરથી 'મિ. જાસૂસ' નામની ગુજરાતી ફિલ્મ બની છે. જેને કલ્પ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ કિન્ડીબોક્સ પર રિલીઝ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ડિરેક્ટર કલ્પ ત્રિવેદી ફિલ્મ વિશે વાત કરતા કહે છે કે,'કનુ ભગદેવ 300 કરતા વધુ રહસ્યકથાઓ આપી ચૂક્યા છે. ત્યારે અમે તેમની નવલકથાઓ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. અમે હજી વધુ સ્ક્રીપ્ટસ પર કામ કરી રહ્યા છીએ. મિસ્ટર જાસૂસ આ સિરીઝની પહેલી ફિલ્મ છે. કંઈક અલગ ચીલો પાડવા માટે અમે તેને ઓનલાઈન રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. એટલે ફિલ્મને કિન્ડીબોક્સ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.' કલ્પ ત્રિવેદી કહે છે કે ફિલ્મને સારા રિસ્પોન્સથી અમારો ઉત્સાહ બેવડાયો છે. અમે બીજી 3 સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છીએ, જે આ સિરીઝની સિક્વલ હશે.

આ નોવેલ પરથી ફિલ્મની સ્ટોરી પણ ડિરેક્ટર કલ્પ ત્રિવેદીએ જ લખી છે. ફિલ્મમાં હોટેલનો બિઝનેસ કરતા વંશ અગ્રવાલના મોત કેસની વાત છે. વંશ અગ્રવાલના છ મહિના પછી આપણા ‘મિસ્ટર જાસૂસ’ વિજય માનેને વંશ અગ્રવાલની દીકરી વૈભવી મળે છે અને ખૂનકેસ અંગે પૂરક માહિતી મળે છે. પોલીસની નિષ્ફળતા બાદ જાસૂસ તેને હાથમાં લે છે. ઘટના એવી છે કે અગ્રવાલની મુંબઈની હોટેલ ડોન અલ્તાફ ખરીદવા માગતો હતો, પણ વંશ અગ્રવાલ સાથે સોદામાં રકઝક થતાં વંશ અગ્રવાલને પતાવી દેવામાં આવ્યો હશે એવું માન્યતા છે.. હોટેલના કુલ ચાર ભાગીદારો હતા. વંશ અગ્રવાલનો ભાગ નહીં મળ્યો હોય એટલે અલ્તાફ બાકીના ત્રણ ભાગીદારોમાંથી બેના હિસ્સા મેળવવાની તજવીજ કરી રહ્યો હતો ને ત્યાં જ વંશ અગ્રવાલના મિત્ર કૃષ્ણકાંત અગ્રવાલે ત્રીજા ભાગીદારનો હિસ્સો ખરીદી લીધો, પરંતુ પછી વૈભવીના જણાવ્યા અનુસાર અલ્તાફથીય ખતરનાક માણસ ભાસ્કર બગાડેએ અલ્તાફે એપ્રોચ કરેલા બે ભાગીદાર પાસેથી હિસ્સો લઈ લીધો હતો અને હવે તેણે વૈભવીના હિસ્સા માટે ઓફર આપવા તેને સુરતની એક હોટેલ પર બોલાવી હતી.

આ પણ વાંચોઃ Happy Birthday Jigardan: જુઓ 'જીગરા'ના બાળપણના રૅર ફોટોસ

વૈભવીની વાત વિજય માનેના મોઢે સાંભળીને કૃષ્ણકાંત પોતાના હિસ્સા માટે પોતાના વતી વિજયને બગાડે પાસે જઈને ઓફર જાણવા મોકલે છે. હવે, રાતની જટિલ રહસ્યોવાળી વાત ઘેરો ઘાલે છે. વિજય બગાડેને મળીને બહાર આવે છે એની થોડી વાર પછી જ કૃષ્ણકાંત હોટેલમાં પ્રવેશે છે અને દસેક મિનિટ પછી નીકળી જાય છે. વિજયને સવાલ થાય છે કે અગ્રવાલે તો બગાડેને મળવા તેને મોકલ્યો હતો અને પોતે તો મુંબઈ હતા, તો પછી અહીં ક્યાંથી આવ્યા? થોડીવાર પછી વૈભવી હોટેલમાં પ્રવેશે છે, અને પંદરેક મિનિટ પછી… ગભરાયેલી, ડરેલી વૈભવી હોટેલના પાછળના રસ્તેથી બહાર નીકળતી વિજય જુએ છે. બીજે દિવસે સવારે વિજયને કૉલ આવે છે કે બગાડેનું હોટેલના રૂમમાં ખૂન થઈ ગયું છે…! કોણે કર્યું આ ખૂન? શા માટે કર્યું ખૂન? વંશ અગ્રવાલનો ખૂની કોણ? બંને કેસનું કંઈ જોડાણ હતું? આ – બધા પ્રશ્નો ‘મિસ્ટર જાસૂસ’માં સમાયેલા છે. કેસ સોલ્વ કરતાં કરતાં એક સમયે મિસ્ટર જાસૂસ ત્રણ એકસરખી રિવોલ્વરોને કારણે ખુદ આ ખૂનકેસમાં ફસાઈ પડે છે. વાર્તાનું હાર્દ ત્રણ એકસરખી રિવોલ્વરની આંટીઘૂંટીઓ છે, જે અત્યંત રોચક છે. ટૂંકમાં ફિલ્મ એક રોલર કોલ્ટર થ્રિલર રાઈડ છે.

gujarati film gujarat entertaintment news