ગુજરાત સરકાર તરફથી 'હેલ્લારો'ને 2 કરોડ,'રેવા'ને 1 કરોડના ઈનામની જાહેરાત

10 August, 2019 02:56 PM IST  |  ગાંધીનગર

ગુજરાત સરકાર તરફથી 'હેલ્લારો'ને 2 કરોડ,'રેવા'ને 1 કરોડના ઈનામની જાહેરાત

હેલ્લારો અને રેવાનું પોસ્ટર

ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતીઓ ખુશખુશાલ છે. ત્યારે રાજ્ય સરકારે પણ હેલ્લારોને પ્રોત્સાહનની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોને 2 કરોડના ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાની બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મ 'રેવા'ને પણ 1 કરોડના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બંને ફિલ્મોને પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની ક્વોલિટી બેઝ ફિલ્મોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત આ બંને ફિલ્મોને અનુક્રમે 2 કરોડ અને 1 કરોડનું ઈનામ જાહેર કરાયું છે. તો સીએમ વિજય રૂપાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બંને ફિલ્મની ટીમને શુભેચ્છા પાઠવી હતી.

સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરતાં લખ્યુ છે કે, હું ગુજરાતી ફિલ્મોની આખી ટીમને શુભેચ્છાઓ પાઠવું છે. 'હેલારો' અને 'રેવા'એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવોર્ડ તેમનાં નામે કર્યો છે. આપણી સરકાર ક્વોલિટી ગુજરાતી ફિલ્મોને સ્પોર્ટ કરવા અને તેને વધાવે છે. આ આપણાં માટે ગર્વની વાત છે. ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જાહેર થયેલા નેશનલ એવોર્ડઝમાં રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અને હેલ્લારોને આખા ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ રેવા જાણીતા ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસિ પરથી બની છે. જેમાં ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર લીડ રોલમાં હતા. તો હેલ્લારો હજી કમર્શિયલી રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મને અભિષેક શાહે ડિરેક્ટ કરી છે, અને તેમાં જયેશ મોરે લીડ રોલમાં છે. ટૂંક સમયમાં જ હેલ્લારો થિયેટર્સમાં રિલીઝ થશે.

gujarati film entertaintment