ડેયઝી શાહની ફિલ્મ 'ગુજરાત 11'ના શૂટિંગમાં 11ના આંકડાનો છે સંયોગ

11 September, 2019 07:54 PM IST  |  મુંબઈ

ડેયઝી શાહની ફિલ્મ 'ગુજરાત 11'ના શૂટિંગમાં 11ના આંકડાનો છે સંયોગ

ગુજરાત 11ના શૂટિંગ દરમિયાન કવિન દવે, ડેયઝી શાહ અને ડિરેક્ટર જયંત ગિલાટર

રેસ 3, જય હો જેવી બોલીવુડની હિટ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા ડેયઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. ડેયઝી શાહ 'ગુજરાત 11' ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત કરવાના છે. ફિલ્મ ગુજરાત 11નું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે અને ડબિંગનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થવાનું છે. ત્યારે આ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ અંગે એક રસપ્રદ માહિતી સામે આવી છે.

જેમ ફિલ્મનું નામ ગુજરાત 11 છે, તેમ ફિલ્મનો 11ના આંકડા સાથે ખાસ સંયોગ રચાયો છે. આ ફિલ્મ ફૂટબોલના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જેમાં ડેયઝી શાહ ફૂટબોલ ટીમના કોચનું પાત્ર ભજવી રહ્યા છે. એટલે ફિલ્મના નામમાં આવતો 11નો આંક ટીમને સૂચવે છે. જો કે રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું શૂટિંગ પણ સંજોગોવશાત્ 11 તારીખે જ શરૂ થયું હતું. જયંત ગિલાટરની આ ફિલ્મનું શૂટિંગ 11 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થયું હતું. તો ડબિંગ પણ 11 તારીખથી શરૂ થયું છે. ગુજરાત 11નું ડબિંગ બુધવાર એટલે કે 11 સપ્ટેમ્બર 2019થી શરૂ થયું છે. ફિલ્મ સાથે 11ના આંકડાનો સંયોગ સર્જાયો છે.

આ અંગે જ્યારે જયંત ગિલાટરને પૂછવામાં આવ્યું કે તેમણે 11 તારીખ જ કેમ પસંદ કરી? તો ડિરેક્ટર જયંત ગિલાટરનું કહેવું છે કે અમે આ પ્લાન નહોતું કર્યું. આ તો બસ સંજોગોવશાત્ થયું છે. 11 તારીખે શૂટિંગ શરૂ થવું અને ડબિંગ પણ 11 તારીખે શરૂ થવું એ માત્ર સંયોગ છે.

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ 

આ ફિલ્મ બોલીવુડ એક્ટ્રેસ ડેયઝી શાહની પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મમાં જાણીતા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધી પણ લીડ રોલમાં છે, તો કવિન દવે પણ ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં દેખાશે. ડિરેક્ટર જયંત ગિલાટરની પણ નટસમ્રાટ પછીની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા તેઓ જૂહી ચાવલા અને શબાના આઝમી સ્ટારર 'ચૉક એન્ડ ડસ્ટર' ડિરેક્ટ કરી ચૂક્યા છે. ત્યારે દર્શકોને પણ તેમની ફિલ્મ પાસેથી મોટી અપેક્ષા છે.

daisy shah Pratik Gandhi