સિંગર ભૂમિ ત્રિવેદી કરશે ગુજરાતીમાં રૅપ, MC ક્લાસિકે લખ્યા છે લિરિક્સ

19 March, 2019 08:31 PM IST  | 

સિંગર ભૂમિ ત્રિવેદી કરશે ગુજરાતીમાં રૅપ, MC ક્લાસિકે લખ્યા છે લિરિક્સ

આવી ગઈ હોળી ગીતનું એક દ્રશ્ય

રામ લીલા ફૅમ બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી પહેલીવાર રૅપ સોંગ કરવા જઈ રહ્યા છે. હોળી પર આધારિત આ રૅપ સોંગ આવતીકાલે રિલીઝ થવાનું છે. બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી સાથે આ ગીતમાં જાણીતા ડિજે ધ સ્પીન ડૉક્ટર અને વડોદરાના ગુજરાતી રૅપર એમસી ક્લાસિક પણ દેખાશે.

હોળી પર આધારિત આ ગીત મૂળ અવિનાશ વ્યાસના જાણીતા ગીત મારો દેવરિયો છે બાંકોનું રિમેક વર્ઝન છે. ગીતને સંજય મેરિયા ઉર્ફે ધ સ્પીન ડૉક્ટરે પ્રોડ્યુસ અને કમ્પોઝ કર્યું છે. સંજય મેરિયા કહે છે કે મારું આ પહેલું મોટું પ્રોડક્શન છે. હિપહોપ ડીજેઈંગ હું લાંબા સમયથી કરું છું, પરંતુ મારે મારી ભાષા એટલે કે ગુજરાતીથી જ કોઈ શરૂઆત કરવી હતી. મેં એક ટ્રેકની હિપ હોપ બીટ બનાવી અને ભૂમિ સાથે વાત કરી. તો ભૂમિએ કહ્યું કે આ તો રિમેક બની શકે. આ રીતે અમે પહેલું ગુજરાતી રૅપ સોંગ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. ખાસ વાત એ છે કે હિપ હોપ કલ્ચરને જાળવી રાખતા આ ગીત પણ ગલીઓમાં શૂટ થયું છે. આ ગીતને મુંબઈના જોગેશ્વરી વિસ્તારની ગલીઓમાં શૂટ કરાયું છે.

 

આ ગીતમાં રેપર્સને સામેલ કરવા માટે સંજય મેરિયાએ જુદા જુદા ગુજરાતી રૅપર્સના ડેમો મંગાવ્યા હતા. જેમાંથી વડોદરાના ગલી બૉય તરીકે ફેમસ એમસી ક્લાસિકની પસંદગી થઈ. આ રિમેક વર્ઝનમાં રૅપના તમામ લિરિક્સ ક્લાસિકે લખ્યા છે. ભૂમિ ત્રિવેદી પણ તેના જ શબ્દો પર રૅપ કરતા જોવા મળશે. આ પહેલા ક્લાસિક જાણીતી યુટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરી માટે પણ ગુજરાતી રૅપ સોંગ રેકોર્ડ કરી ચૂક્યા છે. જો કે ક્લાસિક માટે પણ આ મોટો બ્રેક છે.

આ પણ વાંચોઃ Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?

ઉલ્લેખનીય છે કે સંજય મેરિયા મુંબઈના જાણીતા રેપર ડિવાઈન માટે 3 વર્ષ સુધી ડીજેઈંગ કરી ચૂક્યા છે. ડિવાઈન પર તાજેતરમાં જ ગલી બૉય નામની ફિલ્મ બની છે. ધ સ્પીન ડૉક્ટર, ભૂમિ ત્રિવેદી અને એમસી ક્લાસિકનું આ પહેલું ગુજરાતી રૅપ સોંગ આવતીકાલે ધૂળેટીના દિવસે રિલીઝ થશે. ગીત ધ દેસી હિપ હોપ ચેનલ પર રિલીઝ થવાનું છે. ધ દેસી હિપ હોપ ચેનલ અંડરગ્રાઉન્ડ હિપ હોપને પ્રમોટ કરતી દેશની સૌથી મોટી ચેનલ છે. જેના ઓનર પણ ગુજરાતી છે. હાર્દિક દવેની ચેનલ પર જ આવી ગઈ હોળી નામનું ગુજરાતી રૅપ સોંગ રિલીઝ થવાનું છે.

entertaintment bollywood