આજે ઓપન થાય છે ફરી એક વાર અમે લઈ ગયા, તમે રહી ગયા

12 October, 2019 01:23 PM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે ફરી એક વાર અમે લઈ ગયા, તમે રહી ગયા

અમે લઈ ગયા, તમે રહી ગયા

હવે હિન્દી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે એવા સમયે સ્વાભાવ‌િકપણે શર્મન જોષી તો જ ગુજરાતી નાટક કરે જો તેની પાસે એવો અદ્ભુત કહેવાય એવો સબ્જેક્ટ આવ્યો હોય. આ વખતે એવું બન્યું છે એવું કહી શકાય ખરાં. શર્મન જોષી પ્રોડક્શન્સ નિર્મિત મૂળ લેખક કેદાર શિંદે દિગ્દર્શિત અને પંકજ ત્રિવેદી રૂપાંતરિત ‘ફરી એક વાર અમે લઈ ગયા, તમે રહી ગયા’માં શર્મન જોષી એક નહીં, બે નહીં અરે ત્રણ પણ નહીં ચાર-ચાર ભૂમિકા નિભાવે છે તો શર્મન જોષી ઉપરાંત નાટકમાં ટીવીસ્ટાર બની ગયેલા જયેશ બારભાયા, રવિ પરમાર, અમી ભાયાણી, અંકુર પારેખ, શિવાની પંડ્યા અને રેવા રાચ્છ છે.

નાટકની વાર્તા મદન અજમેરા નામના ઇન્ડસ્ટ્ર‌િયલિસ્ટની આસપાસ ફરે છે. મદન અજમેરા પોતાની વાઇફ મીરાના લગ્નેતર સંબંધો રંગેહાથ પકડે છે અને એ પણ બીજા કોઈ સાથે નહીં પોતાના જ સેક્રેટરી સાથેના. અહીં ટ્વિસ્ટ મોટો એ આવે છે. બન્ને વચ્ચે ઝઘડો થાય છે અને એ ઝઘડામાં અનાયાસે સેક્રેટરીના હાથે મદન અજમેરાનું મર્ડર થઈ જાય છે. વાત હવે પ્રૉપર્ટી પર પહોંચે છે. મીરાની ઇચ્છા છે અને એવી જ તેની ધારણા છે કે બધી પ્રૉપર્ટી પોતાને મળે. મદન અજમેરાનો સૉલિસીટર આવે છે અને બધાને ખબર પડે છે કે મદન અજમેરાએ ત્રણ વિલ બનાવ્યાં છે, જેમાંથી એક વિલમાં તેણે પ્રૉપર્ટી પોતાની દીકરીને આપી છે, બીજા વિલમાં લખ્યા મુજબ મદનની પ્રૉપર્ટી તેની પહેલી વાઇફને મળે છે અને ત્રીજા વિલ મુજબ તેની બધી સંપત્તિ અંકલ જટાશંકર જોષીને મળવાની છે. અહીં નવો ફણગો ફૂટે છે. આ એક પણ વિલમાં સાઇન નથી!

વાત અહીં પણ નથી અટકતી. આ બધા ફણગાઓ ફૂટી રહ્યા છે એ વચ્ચે જ મદન અજમેરા જેવો જ દેખાતો ઇન્શ્યૉરન્સ એજન્ટ ઘરમાં આવી જાય છે અને બધાના છાતીનાં પાટિયાં ભીંસાઈ જાય છે. થોડો સમય જાય છે અને એક ટ્રક-ડ્રાઇવર આવે છે, જે ડિટ્ટો મદન જેવો દેખાય છે. ફિંગર્સ ક્રૉસ્ડ, એક અભણ ગામડિયો આવે છે અને એ પણ અદ્દલોઅદ્દલ મદન જેવો દેખાય છે. આ ત્રણ મદન અજમેરા વચ્ચે ચોથો મદન અજમેરા પણ અચાનક આવી જાય તો? નાટકના ડિરેક્ટર કેદાર શિંદે કહે છે, ‘એવું બને છે કે નહીં અને એ સિવાય બીજા કેવા-કેવા ઝાટકાઓ લાગે છે એના પર આખું નાટક આધારિત છે. સામાન્ય રીતે નાટકમાં પાંચ-સાત ટ્વિસ્ટ હોય પણ આ નાટકમાં દર પાંચ-સાત મિનિટે ટ્વિસ્ટ છે, જે ઑડિયન્સને મજા કરાવી દેશે.’

‘ફરી એક વાર અમે લઈ ગયા, તમે રહી ગયા’નો શુભારંભ આજે રાતે આઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film