‘આ ગુજરાતી થિયેટરનું સન્માન છે’

26 January, 2020 08:12 AM IST  |  Mumbai Desk

‘આ ગુજરાતી થિયેટરનું સન્માન છે’

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્‍મશ્રી સન્માનિત નામોની જાહેરાત કરી હતી, જેમાં ઍક્ટિંગ ક્ષેત્રમાં ગુજરાતી રંગભૂમિ-ફિલ્મ અને હિન્દી સિરિયલ-ફિલ્મોના જાણીતાં ઍક્ટ્રેસ સરિતા જોષીનું નામ પણ સામેલ હતું. પદ્‍મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હોવાની માહિતી મળ્યા બાદ સરિતાબહેને પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ માત્ર મારું નહીં, સમગ્ર ગુજરાતી થિયેટરનું સન્માન છે અને એ માટે હું માધ્યમ બની એનો મને ગર્વ છે.’

સરિતા જોષી ઑલમોસ્ટ ૫૦ વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલાં છે. અગણિત નાટકો તેમણે કર્યાં છે અને એ પૈકીનાં મોટા ભાગનાં નાટકો લૅન્ડમાર્ક પુરવાર થયાં છે.

સરિતાબહેને કહ્યું કે ‘ઘણા અવૉર્ડ મળ્યા મને અને આ વર્ષે તો સન્માન અને અવૉર્ડની ભરમાર ચાલી છે એવું કહું તો ચાલે, પણ મારે એક નાનકડી સ્પષ્ટતા કરવી છે. સન્માન ખુશી આપે, પણ આ પ્રકારનાં રાષ્ટ્રીય સન્માન જવાબદારી વધારવાનું કામ કરે. ગુજરાતી રંગભૂમિ માટે જેકંઈ કર્યું, જેકંઈ મારાથી થઈ શક્યું એની નોંધ લેવાઈ રહી હતી એનો મને આનંદ છે.’

પદ્‍મશ્રી અવૉર્ડ માટે પોતે નૉમિનેટ થયાં છે એની સરિતાબહેનને કશી ખબર નહોતી. ગઈ કાલે સાંજે તેમને ફોન આવ્યો, જેમાં તેમને આ અવૉર્ડ સ્વીકારવાની સહમતી માટે પૂછવામાં આવ્યું એ જ સમયે તેમને પોતાના નૉમિનેશન વિશે ખબર પડી હતી. સરિતાબહેને હસતાં-હસતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘સાવ સાચું કહું તો મને કોઈ ગમ્મત કરતું હોય એવું લાગ્યું એટલે મેં એના પર વધારે ધ્યાન નહોતું આપ્યું, પણ સાંજે સત્તાવાર જાહેરાત થયા પછી મને ખાતરી થઈ.’

હજી હમણાં ગયા મહિને સરિતાબહેનને ‘મિડ-ડે’ના ગુજરાતી ગૌરવ આઇકન અવૉર્ડ્સમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા ઍક્ટર પરેશ રાવલ અને મનોજ જોષીને પદ્‍મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે.

gujarati film