વિખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના ઓચિંતા અવસાનથી નરેન્દ્ર મોદીને આઘાત લાગ્યો

20 September, 2025 07:27 AM IST  |  Tezpur | Gujarati Mid-day Correspondent

સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ

ગઈ કાલે આસામના તેઝપુરમાં ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપતા લોકો

આસામના સુપરસ્ટાર સિંગર ઝુબીન ગર્ગના આકસ્મિક નિધનથી દેશભરમાં શોક ફેલાઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાવન વર્ષના આ ગાયકના અકાળ અવસાન વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના ઓચિંતા અવસાનથી મને આઘાત લાગ્યો છે. સંગીતમાં તેમના સમૃદ્ધ યોગદાન બદલ તેઓ યાદ રહેશે. તમામ પ્રકારના લોકોમાં તેમનાં ગીતો પ્રિય હતાં. તેમના પરિવારને અને પ્રશંસકોને સાંત્વન. ઓમ શાંતિ.’

ઝુબીન ગર્ગનું અવસાન સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ વખતે થયું હતું. ભારતના હાઈ કમિશન દ્વારા આયોજિત નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા ઝુબીન ગર્ગ સિંગાપોર ગયો હતો. ઝુબીન સાથે આસામ અસોસિએશન સિંગાપોરના લોકો પણ હતા. તેમણે કહ્યું હતું કે ઝુબીનને સ્કૂબા ડાઇવિંગ દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. તેઓ તરત જ ઝુબીનને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હૉસ્પિટલમાં તેનું અવસાન થયું હતું.

ઝુબીન ગર્ગે બૉલીવુડમાં યા અલી (ગૅન્ગસ્ટર), જાને ક્યા (પ્યાર કે સાઇડ ઇફેક્ટ‍્સ), દિલ તૂ હી બતા (ક્રિશ ૩), રામા રે (કાંટા) જેવાં સુપરહિટ ગીતો ગાયાં હતાં. ઝુબીન ગર્ગને કાઈ સંતાન નહોતું, પણ તેણે ૧૫ અનાથ બાળકોને દત્તક લીધાં હતાં.

 

assam celebrity death narendra modi singapore entertainment news bollywood bollywood news