13 March, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉક્સિક પોસ્ટપોન થવાનું કારણ મિડલ ઈસ્ટનો સંઘર્ષ નહીં પણ યશની નારાજગી?
થોડા સમય પહેલાં જ્યારે ૧૯ માર્ચની ‘ટૉક્સિક’ની રિલીઝ મુલતવી રાખવાની ખબર આવી ત્યારે ઘણા લોકોએ માન્યું કે યશની આ ફિલ્મનો ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથેનો ક્લૅશ ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે ફિલ્મના મેકર્સે લાંબી નોંધ જાહેર કરીને જણાવ્યું હતું કે આ નિર્ણય મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવને કારણે લેવામાં આવ્યો છે. જોકે હવે આ મામલે અલગ જ માહિતી મળી રહી છે.
ચર્ચા છે કે ‘ટૉક્સિક’ને પોસ્ટપોન કરવાનું સાચું કારણ મિડલ ઈસ્ટની પરિસ્થિતિ નહીં પણ ફિલ્મનું નબળું VFX હોવાનું કહેવાઈ રહ્યું છે. આ માહિતી યશની પ્રોડક્શન કંપની સાથે જોડાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પછી ચર્ચામાં આવી છે. રિપોર્ટ મુજબ ૪ માર્ચે ફિલ્મનું ઇન્ટર્નલ ક્વૉલિટી સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં યશ, ડિરેક્ટર ગીતુ મોહનદાસ અને ફિલ્મના મુખ્ય સભ્યોએ ફિલ્મ જોઈ હતી. સ્ક્રીનિંગ દરમ્યાન યશને ફિલ્મના VFX જોઈને આંચકો લાગ્યો હતો અને ઘણી જગ્યાએ VFX ખૂબ નબળા લાગ્યા હતા. સાથે જ ફિલ્મનાં કેટલાંક મહત્ત્વનાં દૃશ્યોની ઑડિયો-ક્વૉલિટી પણ તેને પસંદ આવી નહોતી.
આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ફિલ્મનું પહેલું ગીત ‘તબાહી’ વિડિયો વગર ફક્ત ઑડિયો તરીકે રિલીઝ કરવાનું કારણ પણ આ જ હતું. મૂળ યોજના મુજબ મેકર્સ ગીતને વિડિયો સાથે જ રજૂ કરવા માગતા હતા, પરંતુ વિડિયો-એડિટિંગથી ટીમને સંતોષ નહોતો. એથી નક્કી કરવામાં આવ્યું કે ગીતને માત્ર ઑડિયોરૂપે જ લૉન્ચ કરવામાં આવશે. ૪ માર્ચે યશે ફિલ્મનો ફાઇનલ કટ જોયા પછી પોતાનો પ્રતિસાદ આપ્યો અને ફિલ્મને ફરીથી એડિટ કરવા કહ્યું. તેણે કેટલાક ટેક્નિકલ સુધારાઓની પણ સૂચના આપી, જેના પર ટીમ કામ કરી રહી છે અને એટલે જ એની રિલીઝ પોસ્ટપોન કરાઈ છે.
જોકે ફિલ્મના મેકર્સે આ કારણ છુપાવવા માટે મિડલ ઈસ્ટના સંઘર્ષની સ્થિતિનું કારણ રજૂ કર્યુ છે જેને મોટા ભાગના ફૅન્સે સાચું માની લીધું છે, કારણ કે ત્યાં યશનો મોટો ફૅન-બેઝ છે. હાલમાં તો નક્કી છે કે ‘ટૉક્સિક’ હવે ૪ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.