સોનુ સૂદની મદદથી ઉત્તર પ્રદેશની યુવતી છ મહિના બાદ વૉકરની મદદથી ચાલતી થઈ

15 August, 2020 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનુ સૂદની મદદથી ઉત્તર પ્રદેશની યુવતી છ મહિના બાદ વૉકરની મદદથી ચાલતી થઈ

સોનુ સૂદ

ઉત્તર પ્રદેશમાં રહેતી પ્રજ્ઞા નામની ૨૨ વર્ષની યુવતી આજે સોનુ સૂદની મદદથી વૉકર દ્વારા ચાલતી થઈ છે. છ મહિના પહેલાં એક ઍક્સિડન્ટમાં તેના ગોઠણને ભારે ઈજા થઈ હતી. એના માટે તેની સર્જરી કરવામાં આવી હતી. પ્રજ્ઞા લૉની સ્ટડી કરતી હતી. તેણે કેટલાક નેતાઓ પાસે પણ મદદ માગી હતી. બાદમાં ઑગસ્ટમાં તેણે સોનુ સૂદને ટ્વીટ કરીને મદદ માગતાં તરત જ તેણે સર્જ્યનની વ્યવસ્થા કરી આપી હતી. ગાઝિયાબાદમાં તેની સર્જરી સફળ રહી હતી. સોનુ સૂદે કઈ રીતે મદદ કરી હતી એનું શબ્દશઃ વર્ણન પ્રજ્ઞાના પિતા વિજય મિશ્રાએ કહ્યું હતું કે ‘પ્રજ્ઞાનો ફેબ્રુઆરીમાં ખૂબ ગંભીર રોડ ઍક્સિડન્ટ થયો હતો અને તેનાં બન્ને ગોઠણ પર ઈજા થઈ હતી. ડૉક્ટર્સે જણાવ્યું હતું કે સર્જરી જ એકમાત્ર ઇલાજ છે. એનો ખર્ચ દોઢ લાખ રૂપિયા આવશે. સારવારનો ખર્ચ અમને પોસાય એમ નથી. અમારાં સગાંસંબંધીઓએ પણ મદદ કરવાની ના પાડી દીધી હતી. ટ્રેનની ટિકિટ અને બધી વ્યવસ્થાઓ સોનુ સૂદે કરી હતી. અમે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે તેની ટીમ રેલવે-સ્ટેશન પર અમને લેવા આવી હતી. ત્યાંથી અમને સીધા તેઓ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. સોનુ સૂદ અમારા માટે ભગવાન જેવો છે. વર્તમાન સમયમાં આવા પરોપકારી લોકો મળવા મુશ્કેલ હોય છે. હું તેમને કંઈ નથી આપી શકતો. માત્ર તેને અગણિત આશીર્વાદ આપું છું અને તેને શુભેચ્છાઓની સાથે તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.’

તો બીજી તરફ સોનુ સૂદનો આભાર માનતાં પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘મારા માટે સોનુ સૂદ તો ભગવાન જેવા છે. મેં નક્કી કર્યું છે કે હું જ્યારે આવક રળવા માંડીશ ત્યારે હું શિક્ષણથી વંચિત બાળકોને ભણાવીશ.’

entertainment news bollywood events bollywood news bollywood gossips sonu sood