08 May, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગાળમાં હવે વિવેક અગ્નિહોત્રીની ધ બેન્ગૉલ ફાઇલ્સ રિલીઝ થઈ રહી છે
વિવેક અગ્નિહોત્રીની ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ ગયા વર્ષે પાંચમી સપ્ટેમ્બરે દેશભરમાં રિલીઝ થઈ હતી. જોકે પશ્ચિમ બંગાળમાં ફિલ્મની રિલીઝને લઈને ભારે વિવાદ થયો હતો. હવે રાજ્યમાં સરકાર બદલાઈ રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉન્ગ્રેસને કારમી હાર મળી છે અને ભારતીય જનતા પાર્ટી ( BJP) સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ પરિસ્થિતિ વચ્ચે વિવેક અગ્નિહોત્રી પોતાની ફિલ્મ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ને આજથી ફરીથી કલકત્તાનાં સિનેમાઘરોમાં રિલીઝ કરી રહ્યો છે એવા રિપોર્ટ છે.
મળતી માહિતી મુજબ અરિજિત દત્તાની પ્રિયા સિનેમાઝે આ ફિલ્મને કલકત્તામાં રિલીઝ કરી છે. અરિજિતે કહ્યું હતું કે ‘સેન્સરે પાસ કરેલી ફિલ્મને બંગાળમાં એક રાજકીય પાર્ટીએ રિલીઝ થવા નહોતી દીધી. એક પણ થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવી નહોતી, જ્યારે ભારતના બાકીના ભાગોમાં લોકોએ એ ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે. હવે આખરે બંગાળના લોકો પણ આ ફિલ્મ જોઈ શકશે એ ખુશીની વાત છે.’
ડિસ્ટ્રિબ્યુટર સતદીપ સાહાએ જણાવ્યું હતું કે ‘માત્ર કલકત્તા જ નહીં, સમગ્ર બંગાળનાં થિયેટરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આમ રાજ્યનાં અનેક શહેરોમાં પણ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.’