વિક્રાન્ત અને તમન્નાએ ઓ રોમિયોમાં મફતમાં કામ કર્યું છે

10 February, 2026 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે કર્યો મોટો ખુલાસો

ફાઇલ તસવીર

વિશાલ ભારદ્વાજની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો’ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં દિશા પાટની, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, ફરીદા જલાલ, વિક્રાન્ત મેસી અને નાના પાટેકર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મના એક પ્રમોશનલ ફંક્શનમાં ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તમન્ના અને વિક્રાન્તે ‘ઓ રોમિયો’માં કામ કરવા માટે એક પણ રૂપિયા ફી લીધી નથી અને બન્ને કલાકારોએ ફિલ્મ માટે મફતમાં કામ કર્યું છે.

વિશાલ ભારદ્વાજે પછી વિક્રાન્ત મેસી વિશે વાત કરતાં જણાવ્યું હતું  કે ‘જ્યારે વિક્રાન્ત નવોદિત ઍક્ટર હતો ત્યારે જ તેણે ‘ઓ રોમિયો’માં કામ કરવા માટે હા પાડી હતી અને  એ માટે સંમતિ આપી હતી. બાદમાં ફિલ્મ ‘12th ફેલ’ પછી વિક્રાન્ત મોટો સ્ટાર બની ગયો હોવા છતાં તેણે પોતાનો વાયદો જાળવી રાખ્યો અને કોઈ ફી લીધા વિના ફિલ્મમાં કામ કર્યું.’

વિશાલ ભારદ્વાજે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘બજેટની મર્યાદા હોવાને કારણે તમન્નાએ પણ ફિલ્મ માટે કોઈ ચાર્જ લીધો નહીં. ફિલ્મમાં ભલે તમન્નાનો રોલ નાનો હોય, પરંતુ તે ફિલ્મના એક મોટા પ્લૉટ ટ્વિસ્ટને જાહેર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમન્નાએ ઑફર મળતાંની સાથે જ તરત હા કહી દીધી અને શરૂઆતમાં નક્કી થયેલા સમય કરતાં વધારે લગભગ ૧૨ દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. તમન્નાની પ્રતિબદ્ધતાએ ફિલ્મ પર ઊંડી છાપ છોડી છે.’

o romeo vishal bhardwaj vikrant massey tamanna bhatia tamannaah bhatia shahid kapoor tripti dimri upcoming movie entertainment news bollywood bollywood news