22 July, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાંત મેસી ફેમિલી સાથે
‘12th ફેલ’ની સફળતા બાદ વિક્રાન્ત મેસીના જીવનમાં માત્ર વ્યાવસાયિક જ નહીં, અંગત સ્તરે પણ મોટા બદલાવ આવ્યા છે. તે સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. તેને ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ પણ મળ્યો હતો. હાલમાં તેણે પોતાની આ તમામ સફળતાનું શ્રેય તેના અઢી વર્ષના દીકરા વરદાનને આપ્યું છે.
વિક્રાન્ત મેસી અને શીતલ ઠાકુરે ૨૦૨૨માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૪માં તેઓ દીકરા વરદાનના પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરાના જીવનમાં આગમન પછી આવેલા પરિવર્તન વિશે વાત કરતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘મારો દીકરો મારા માટે લકી છે અને હું આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. અમારા પરિવારમાં હંમેશાં કહેવામાં આવે છે કે દરેક બાળક પોતાનું નસીબ લઈને આવે છે અને હું પણ એ જ માનું છું. મારા પુત્રના જન્મ પછી મારા જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હું આનાથી વધુ કંઈ માગી ન શક્યો હોત. આ માટે હું દિલથી ખૂબ જ આભારી છું.’