24 August, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિધુ વિનોદ ચોપરા અને વિક્રાંત મેસી
અભિનેતા વિક્રાંત મેસીએ તાજેતરમાં તેની બહુચર્ચિત ફિલ્મ ‘12th Fail’ના ઑડિશન વખતના અને ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથેના પોતાના અનુભવો શેખર સુમન સાથે ‘શેખર ટુ નાઇટ’ શોમાં શૅર કર્યા હતા. વિક્રાંતે જણાવ્યું હતું કે ઑડિશન દરમ્યાન તે એ જ સ્થિતિમાં બેઠો હતો જે આ ફિલ્મના ઓપનિંગ સીનમાં જોવા મળે છે.
વિક્રાંતે યાદ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે વિનોદસરે મને એ સ્થિતિમાં બેઠેલો જોયો ત્યારે તેઓ ઊભા થઈ ગયા અને કહ્યું કે હું આ છોકરાને જ ડિરેક્ટ કરવા માગું છું. આ અનુભવને સૌથી ખાસ બાબત એ બનાવી કે તેમણે મને સ્ક્રિપ્ટ અને ફિલ્મના વિકાસની સમગ્ર પ્રક્રિયામાં સામેલ કર્યો હતો.’
સામાન્ય રીતે કલાકારો શૂટિંગના થોડા મહિનાઓ પહેલાં જ ફિલ્મ સાથે જોડાય છે, પરંતુ મને ‘12th Fail’ કેવી રીતે આકાર લઈ રહી છે એ સમગ્ર પ્રક્રિયા નજીકથી જોવાનો મોકો મળ્યો એમ જણાવતાં વિક્રાંતે કહ્યું હતું કે ‘આ પહેલી વાર હતું જ્યારે કોઈએ મને એટલો અધિકાર આપ્યો હોય અને પૂછ્યું હોય કે તારું શું માનવું છે? મને એ પ્રક્રિયાનો ભાગ બનવાની ખૂબ મજા આવી અને મને લાગે છે કે હું ફિલ્મમાં મારું શ્રેષ્ઠ કામ આપી શક્યો એનું એક મુખ્ય કારણ પણ આ જ હતું.’
વિધુ વિનોદ ચોપડાના કડક સ્વભાવ વિશે વાત કરતાં વિક્રાંતે કહ્યું હતું કે તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ વ્યક્તિ છે, પરંતુ એમ છતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેઓ મારા માટે પિતા સમાન બની ગયા છે.
પોતાની યાદગાર ક્ષણો શૅર કરતાં વિક્રાંતે ઉમેર્યું હતું કે ‘શૂટિંગ શરૂ થતાં પહેલાં મને થોડો ઠપકો મળ્યો હતો, પરંતુ આખા શૂટિંગ દરમ્યાન તેઓ મને એક પણ વાર ખિજાયા નહોતા. વાસ્તવમાં જ્યારે પણ કોઈ કલાકાર સારો ટેક આપે ત્યારે તેઓ તેને ૧૦ કે ૨૦ રૂપિયા ઇનામ તરીકે આપતા હતા. ફિલ્મ દરમ્યાન હું તેમની પાસેથી લગભગ ૩૦૦ રૂપિયા કમાયો હતો. મારા માટે એ પ્રશંસા જ સાચી સંપત્તિ હતી. એ સંબંધ અને અનુભવ મારા માટે હંમેશાં યાદગાર રહેશે.’