26 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય અને ફાતિમા
વિજય વર્મા અને તમન્ના ભાટિયાનું પ્રેમપ્રકરણ જેટલું ચર્ચાસ્પદ હતું એટલું જ તેમનું બ્રેકઅપ ચોંકાવનારું હતું. વિજય અને તમન્નાએ બ્રેકઅપ પછી તેમના સંબંધો મિત્રતા સુધી જ રાખવાનો નિર્ણય કર્યો છે.
હવે વિજય વર્મા ફરી એક વાર ચર્ચામાં છે. તેનું નામ ફાતિમા સના શેખ સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વિજય અને ફાતિમાને એક કૅફેમાં સાથે જોવામાં આવ્યાં હતાં. ત્યારથી તેમના પ્રેમપ્રકરણના સમાચાર ચર્ચામાં છે. જોકે વિજય અને ફાતિમાએ હજી સુધી ડેટિંગના સમાચાર પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી.
વિજય અને ફાતિમા હાલમાં ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’માં સાથે કામ કરી રહ્યાં છે. બન્નેની ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. ફાતિમાએ આ પહેલાં એક ઇન્ટરવ્યુમાં વિજય સાથે કામ કરવા વિશે કહ્યું હતું, ‘એક સારો અભિનેતા તે જ હોય છે જે પોતાનો રસ્તો શોધી લે છે. તમને ત્યાં પહોંચવામાં વધુ સમય લાગી શકે છે, પરંતુ જો તમે સારા અભિનેતા છો તો સફળતા તમને મળે છે. વિજય એક શાનદાર વ્યક્તિ છે. મને આ જોઈને ખૂબ ખુશી થઈ રહી છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં એ ઓળખ મળી રહી છે.’
ફાતિમાનું એક્સાઇટિંગ શ્રીલંકન વેકેશન
ફાતિમા સના શેખ શ્રીલંકામાં વેકેશન માણી રહી છે. તે ત્યાં સર્ફિંગ શીખવાનો રોમાંચ અનુભવી રહી છે અને એની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. તેણે તસવીરો શૅર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું છે કે તેણે પાંચ દિવસમાં સર્ફિંગ શીખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ તસવીરો જોઈને ફૅન્સ તેની ફિટનેસ અને સ્ટાઇલનાં વખાણ કરી રહ્યા છે.