08 October, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરાકોંડાની કારનો જબરદસ્ત અકસ્માત
સાઉથના સ્ટાર વિજય દેવરાકોંડાનો સોમવારે હૈદરાબાદ-બૅન્ગલોર હાઇવે પર અકસ્માત થયો હતો. તેની કાર સ્પીડમાં આવતી એક બોલેરો સાથે અથડાઈ હતી જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી તેમ જ તેની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. વિજયે પોતે આ વાતની પુષ્ટિ કરી છે અને સાથે અપડેટ પણ આપી છે કે તે સ્વસ્થ છે અને હૉસ્પિટલથી પાછો ફર્યો છે. વિજયે માહિતી આપી છે કે અકસ્માતમાં તેને માથામાં ઈજા થઈ હતી, જોકે ચિંતાની કોઈ વાત નથી.
સોશ્યલ મીડિયામાં વિજયે પોસ્ટ કરી છે કે ‘બધું બરાબર છે. ગાડીને ટક્કર લાગી હતી, પણ અમે બધા ઠીક છીએ. મેં સ્ટ્રેંગ્થ વર્કઆઉટ પણ કર્યું અને હવે હું ઘરે છું. મારા માથાના ભાગમાં ઈજા થઈ છે, પણ બિરયાની અને સારી ઊંઘથી એ સરખું થઈ જશે. તમને બધાને મારો પ્રેમ. આ સમાચારથી તમે ચિંતા ન કરતા.’
રિપોર્ટ પ્રમાણે વિજય દેવરાકોંડા રવિવારે તેના પરિવાર સાથે શ્રી સત્ય સાંઈબાબાની મહાસમાધિનાં દર્શન કરવા પુટ્ટપર્થી ગયો હતો અને હૈદરાબાદ પાછા ફરતી વખતે આ અકસ્માત થયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે અને અધિકારીઓ હવે ફરાર બોલેરોચાલકની શોધ કરી રહ્યા છે.