વિજય દેવરાકોન્ડાની લાઇગર આ વર્ષે ૯ સપ્ટેમ્બરે થશે રિલીઝ

12 February, 2021 11:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિજય દેવરાકોન્ડાની લાઇગર આ વર્ષે ૯ સપ્ટેમ્બરે થશે રિલીઝ

વિજય દેવરાકોન્ડાની લાઇગર આ વર્ષે ૯ સપ્ટેમ્બરે થશે રિલીઝ

વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડેની ‘લાઇગર’ આ વર્ષે ૯ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફોટોમાં વિજયે બ્લૅક વેસ્ટ અને ગ્રે જૉગર્સ પહેર્યાં છે. તેના હાથમાં સળિયો છે અને તે ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યો છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજય દેવરાકોન્ડાએ કૅપ્શન આપી હતી કે ‘તારીખ નક્કી થઈ ગઈ છે. ઇન્ડિયા, અમે આવી રહ્યા છીએ. ૨૦૨૧ની ૯ સપ્ટેમ્બરે.’
આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી કે ‘૨૦૨૧ની ૯ સપ્ટેમ્બરે તમારા નજીકનાં સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. વિશ્વભરમાં ‘લાઇગર’ તમારી પસંદની ભાષા હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે.’

મારે કેવી ફિલ્મો કરવી જોઈએ એની મને સલાહ નથી જોઈતી : વિજય દેવરાકોન્ડા

સાઉથની ફિલ્મોમાં ખૂબ ફેમસ થનાર વિજય દેવરાકોન્ડાનું કહેવું છે કે કોઈ તેને એવી સલાહ ન આપે કે તેણે કેવી ફિલ્મો કરવી જોઈએ. ૯ વર્ષની કરીઅરમાં તેણે બ્લૉકબસ્ટર અને સુપરહિટ ફિલ્મો આપી છે. તે હાલમાં મલ્ટિ-લૅન્ગ્વેજમાં રિલીઝ થનારી ‘લાઇગર’માં બિઝી છે. તે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે ટ્રાવેલિંગ કરી રહ્યો છે. મુંબઈમાં કામ કરવાનો અનુભવ તેને ખૂબ જ નિરાંતનો અને સરળ લાગે છે. આ વિશે વિજયે કહ્યું હતું કે ‘હું મારી લાઇફસ્ટાઇલમાં કોઈ પણ પ્રકારનાં પરિવર્તન નથી કરવા માગતો, પરંતુ મુંબઈમાં કામ કરવાને હું એન્જૉય કરું છું. દરેક વસ્તુ ખૂબ સરળતાથી ચાલે છે. ક્રૂ ખૂબ જ પ્રતિભાશા‍ળી હતી. સાથે જ તમે ઘોંઘાટથી પણ દૂર હો છો. હૈદરાબાદમાં અતિશય ખુશામત અને ધ્યાન આપવામાં આવે છે. એથી કામમાંથી ધ્યાન ભટકે છે. જોકે મુંબઈમાં એવું લાગે છે કે દુનિયાથી દૂર છું. હું માત્ર કામ કરતો અને પાછો હોટેલમાં આવી જતો હતો. કોઈ પ્રકારનું બંધન નહોતું અથવા તો લોકો હોટેલ અને ઑફિસમાં મળવા આવે. મને એવું લાગે છે કે મુંબઈમાં જ કામ કરવું જોઈએ. બાદમાં ઇચ્છા હોય ત્યારે હૈદરાબાદ ઘરે રહેવા માટે ચાલ્યા જવું જોઈએ.’
કોઈની પાસેથી ફિલ્મોની સલાહ નથી જોઈતી એ સંદર્ભે વિજયે કહ્યું હતું કે ‘મને એ લોકો પ્રતિ જવાબદારી લાગે છે કે જે મને ફૉલો કરે છે અને પહેલા જ દિવસે ફિલ્મ જોવા માટે થિયેટર્સમાં આવે છે. તેઓ પોતાની મહેનતના પૈસાથી મારી ફિલ્મોનો પહેલા જ દિવસે પહેલો શો જોવા માટે ભગવાન જાણે કેટલા દૂરથી થિયેટર્સમાં આવતા હોય છે. હું જાણું છું કે હું ટિકિટ્સ માટે કેટલો ઝઘડો કરતો, સ્ટ્રગલ કરતો અને કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભો રહેતો હતો. એવામાં મારી જવાબદારી બને છે કે હું તેમના પૈસાનું યોગ્ય વળતર આપું, તેમના પ્રેમ અને સમયની કદર કરું. આ સિવાય બીજો કોઈ અહેસાસ નથી થતો. હું એમાં નથી માનતો કે કોઈ આવીને મને સલાહ આપે કે તેઓ મને આ ફિલ્મમાં જોવા માગે છે અથવા તો મારે આવી ફિલ્મમાં કામ કરવું જોઈએ. મને નથી લાગતું કે એ બાબત મારા માટે કામ કરે. હું ફિલ્મોની પસંદગી કરું છું અને એ વાતની ખાતરી આપું છું કે મારા ફૅન્સ એને ચોક્કસ એન્જૉય કરશે. તેમને મારા પર ભરોસો રાખવો જોઈએ અને હું તેમને મનોરંજન આપતો રહીશ. જોકે મને એવી સલાહ નહીં આપતા કે મારે શું કરવું જોઈએ.’

bollywood bollywood news bollywood ssips