13 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલની છેલ્લી ફિલ્મ ‘છાવા’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ચર્ચા છે કે વિકીની યશ રાજ ફિલ્મ્સ (YRF)ના સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી થઈ છે. આ યુનિવર્સમાં શાહરુખ ખાન (પઠાન), સલમાન ખાન (ટાઇગર) અને હૃતિક રોશન (વૉર) જેવા સુપરસ્ટાર્સ સામેલ છે અને હવે આ યાદીમાં વિકીનું નામ ઉમેરાયું છે. વિકીના આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ એક નવી વાર્તા પર કામ ચાલી રહ્યું છે જેમાં વિકી જોવા મળી શકે છે.
નિર્માતાઓનું માનવું છે કે ‘છાવા’ની સફળતાએ કમાણીના મામલામાં શાહરુખની ‘જવાન’ને પણ પાછળ છોડી દીધી છે અને એટલે વિકી પાસે સ્ટોરીને લીડ કરવાની ક્ષમતા છે. જો બધું બરાબર રહ્યું તો વિકીને ચમકાવતી YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ૨૦૨૬ સુધીમાં શરૂ થઈ શકે છે અને ટૂંક સમયમાં એના માટે ડિરેક્ટરની પસંદગી કરવામાં આવશે.
YRF સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘વૉર 2’ હશે જેમાં હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણી જોવા મળશે. આ ફિલ્મ ઑગસ્ટ ૨૦૨૫માં રિલીઝ થશે. ત્યાર બાદ આલિયા ભટ્ટ અને શર્વરીની ફિલ્મ ‘આલ્ફા’ રિલીઝ થશે.