21 August, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુણાલ ખેમુની ફિલ્મ `વાઇબ`
ઍમેઝોન એમજીએમ સ્ટુડિયોએ કુણાલ ખેમુની ફિલ્મ `વાઇબ`નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં એક હાઈ લેવલની ઍક્શન-કૉમેડી છે એમ મેકર્સે કહ્યું છે. આ ટીઝરમાં ફિલ્મના રમૂજ, ઍક્શન અને બે સામાન્ય મિત્રો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની ઝલક જોવા મળે છે.
ફિલ્મમાં કુણાલ ખેમુ હાર્દિકની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સ્પર્શ શ્રીવાસ્તવ બગ્સની ભૂમિકા ભજવશે છે. આ બન્ને સામાન્ય મિત્રો છે જે દેશને બચાવવાની જવાબદારી ઉપાડવા તૈયાર નથી. જોકે, સંજોગો તેમને આ કાર્ય કરવા માટે મજબૂર કરે છે. ટીઝરમાં આ મિત્રો વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ભય વચ્ચે, તેઓએ એક મિશન પૂર્ણ કરવું પડે છે જેના માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર ન હોવાનું અનુભવે છે.
પ્રીતિ ઝિન્ટા ફિલ્મમાં શક્તિશાળી ભૂમિકામાં જોવા મળવાની છે. ટીઝરમાં તેનું પાત્ર આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે અને પરિસ્થિતિનો હવાલો સંભાળતી જોવા મળે છે. તેનું પાત્ર પણ હાર્દિક અને બગ્સને સતત નવી મુશ્કેલીઓમાં શોધવાનું કારણ છે. ટીઝરમાં હાઇ-સ્પીડ કારનો ચેસ, ઍક્શન સિક્વન્સ અને કૉમેડીની ક્ષણો દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ આ અસંભવિત નાયકો અને તેમના મિશન વિશે અનેક આશ્ચર્યનું વચન આપે છે.
`વાઇબ` કુણાલ ખેમુ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ફિલ્મ છે. તે ડ્રોંગો ફિલ્મ્સના બૅનર હેઠળ કુણાલ ખેમુ અને ચિરાગ નિહલાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ, પ્રીતિ ઝિન્ટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નવોદિત કલાકાર વંશિકા ધીર મુખ્ય ભૂમિકામાં છે. દિનેશ લાલ યાદવ અને યશપાલ શર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ઍમેઝોન એમજીએમ સ્ટુડિયોની `વાઇબ` 18 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
2024માં રિલીઝ થયેલી કુણાલ ખેમુના ડિરેક્શનમાં બનેલી ‘મડગાવ એક્સપ્રેસ’ને રિલીઝ પછી દર્શકો તરફથી સારું ફીડબૅક મળ્યું હતું. આ ફિલ્મમાં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં હતા. હવે ખબર પડી છે કે ‘મડગાવ એક્સપ્રેસ’ની સીક્વલ બની રહી છે અને દિવ્યેન્દુએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. દિવ્યેન્દુએ સીક્વલ અંગે અપડેટ આપતાં કહ્યું હતું કે ‘હા, સીક્વલ બની રહી છે. કુણાલ હાલમાં સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ. ‘મડગાવ એક્સપ્રેસ’ને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો હતો એ ખરેખર ખૂબ ખાસ હતો. મારી દૃષ્ટિએ તેનો એક અલગ જ ચાહક વર્ગ છે અને આ લોકો સીક્વલને લઈને ખરેખર ખૂબ ઉત્સાહિત છે.’
‘મડગાંવ એક્સપ્રેસ’માં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા બાળપણના ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેઓ ગોવાના પ્રવાસે નીકળે છે, પરંતુ અચાનક ડ્રગ્સ સ્મગલિંગની દુનિયામાં ફસાઈ જાય છે. આ ફિલ્મ ઍક્ટર કુણાલ ખેમુની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી.