વાણી કપૂરના પપ્પા છે અક્ષયકુમારના ફૅન

02 August, 2021 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બેલ બૉટમ’માં અક્ષયકુમાર સાથે વાણીને કામ મળતાં ખુશ થયા તેના પિતા

વાણી કપૂર

વાણી કપૂરે જણાવ્યું હતું કે તેના પિતા શિવ કપૂર અક્ષયકુમારના મોટા ફૅન છે. એવામાં ‘બેલ બૉટમ’માં અક્ષયકુમાર સાથે વાણીને કામ મળવાની તક મળતાં તેના પિતાની ખુશી ક્યાંય સમાતી નથી. આ ફિલ્મની ઑફર મળતાં જ વાણીએ તરત હા પાડી દીધી હતી. એ વિશે વાણી કપૂરે કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે મને આજના સમયના હિન્દી સિનેમાના આઇકન એવા અક્ષયકુમાર સાથે કામ કરવાની તક મળી. મારા પર તેમણે દાખવેલો વિશ્વાસ અને શ્રદ્ધાને લઈને હું તેમની આભારી છું. ‘બેલ બૉટમ’માં મારી નાની પરંતુ અગત્યની ભૂમિકા છે. આશા છે કે લોકોને અને સાથે જ ક્રિટિક્સને પણ ગમશે. હું ખૂબ ઉત્સાહિત છું કે સિનેમામાં મારી અત્યાર સુધીની જર્નીને કારણે આ શક્ય બન્યું છે કે હું આ ફિલ્મનો ભાગ બની શકી. સાથે જ મને અક્ષય સર સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે. તેઓ લાર્જર ધૅન લાઇફ અને ગ્રેટ વ્યક્તિ છે. ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય મેં તરત જ લઈ લીધો હતો.’
તેના પિતા અક્ષયકુમારના ફૅન છે એ વિશે વાણીએ કહ્યું હતું કે ‘મારા ડૅડી અક્ષયકુમારના ખૂબ મોટા ફૅન છે. તેમને જ્યારે જાણ થઈ કે મને તેમની સાથે કામ કરવાની તક મળી છે તો તેઓ અતિશય ખુશ થયા હતા. મારા પિતાને એ વાતની પણ ખુશી થઈ કે હું એવા મેગા સ્ટાર સાથે કામ કરી રહી છું જેમની તેઓ વર્ષોથી પ્રશંસા કરતા આવ્યા છે. મેં જ્યારે આ વાત તેમને જણાવી તો તેઓ આસમાને પહોંચી ગયા હતા. આ બધાં કારણોસર ‘બેલ બૉટમ’ મારા માટે ખરા અર્થમાં યાદગાર ફિલ્મ રહેવાની છે. આશા છે કે વિશ્વભરના દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે.’

bollywood news bollywood gossips bollywood vaani kapoor