વડોદરા સ્ટેશન નાસભાગ મામલે શાહરુખ ખાનને કોર્ટ તરફથી રાહત, જાણો સમગ્ર મામલો

26 September, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જિતેન્દ્ર સોલંકીએ વડોદરા કોર્ટ (vadodara Court)માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શાહરૂખે ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને અન્ય પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી.

શાહરુખ ખાન

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને પાંચ વર્ષ જૂના નાસભાગમાં મૃત્યુના કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી રાહત મળી છે. વર્ષ 2017 માં, ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન, ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અંગે કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકીએ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

જિતેન્દ્ર સોલંકીએ વડોદરા કોર્ટ (vadodara Court)માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શાહરૂખે ફિલ્મના નામ સાથેનું ટી-શર્ટ અને અન્ય પ્રમોશનલ સામગ્રી ભીડ તરફ ફેંકી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. શાહરૂખ ખાને વડોદરા કોર્ટમાંથી જારી કરાયેલા સમન્સને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં હાઈકોર્ટે આ કેસને રદ કર્યો હતો.

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે અભિનેતા સત્તાવાર પરવાનગીથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. નાસભાગ માટે ઘણા કારણો હતા. કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. સ્ટેશન પરનો રેલ્વે સ્ટાફ, પોલીસ, ઘાયલ થયેલા કોઈએ પણ તેની સામે ફરિયાદ કરી ન હતી. આ ફરિયાદ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી જે ત્યાં હાજર ન હતા.

હાઈકોર્ટના આદેશ સામે જીતેન્દ્ર સોલંકી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારે તેમની અપીલ ફગાવી દીધી હતી.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2017માં શાહરૂખ ખાન તેની ફિલ્મ રઈસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેન દ્વારા રવાના થયો હતો. રસ્તામાં અનેક સ્ટેશનો પર તેની ટ્રેન રોકાઈ હતી, જેમાં શાહરૂખે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ગુજરાતના વડોદરામાં પણ ટ્રેન ઉભી રહી અને શાહરૂખની એક ઝલક મેળવવા માટે ત્યાં ભીડ ઉમટી પડી. જોત જોતામાં નાસભાગની સ્થિતિ સર્જાઈ, જેમાં ફરીદ ખાન નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તે સમયે તેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. ફરીદ એક સંબંધીને સ્ટેશન પર મૂકવા આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

પોલીસના લાઠીચાર્જને કારણે નાસભાગ મચી ગઈ હતી

સ્ટેશન પર આવેલા હજારો ચાહકો શાહરૂખને જોવા માંગતા હતા. જ્યારે ભીડ કાબૂ બહાર જવા લાગી તો પોલીસે લાઠીચાર્જ કર્યો. આ પછી નાસભાગ મચી ગઈ અને ફરીદ ખાન તેની લપેટમાં આવી ગયો. પહેલા સ્ટેશન પર જ બેભાન ફરીદ ખાનને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરીદ ખાનને હોશ ન આવ્યો. ત્યારપછી તેને ઝડપથી પ્લેટફોર્મમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

શાહરૂખે દુઃખ વ્યક્ત કર્યું

પ્રમોશન દરમિયાન વ્યક્તિના મૃત્યુથી શાહરૂખને ખૂબ જ દુઃખ થયું હતું. તેણે તે સમયે કહ્યું હતું કે, "ફરીદ ખાનના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. મેં વડોદરામાં હાજર ક્રિકેટર ઈરફાન પઠાણ અને તેના ભાઈ યુસુફ પઠાણને ફરીદ ખાનના પરિવારને શક્ય તમામ મદદ કરવા કહ્યું છે."

Shah Rukh Khan vadodara bollywood news