01 October, 2026 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાએ કૉલેજિયનોને મોજ કરાવી હતી
ગુજરાતમાં અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર આવેલા અડાલજ ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં પોતાની ફિલ્મ ‘ઊડતા તીર’નું પ્રમોશન કરવા આવેલાં સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાએ કૉલેજકાળની વાતો વાગોળીને સ્ટુડન્ટ્સને મોજ કરાવી દીધી હતી. કૉલેજિયનો સાથે રીલ્સ બનાવીને સ્ટુડન્ટ્સને ખુશ કરી દીધા હતા.
આયુષ્માન ખુરાનાએ કૉલેજિયનો સાથે વાતચીતનો દોર ચલાવતાં પૂછી લીધું કે તમારે ત્યાં ક્યુટેસ્ટ ફૅકલ્ટી કોણ છે? આવું કહેતાં જ કૉલેજિયનોમાં હાસ્યનું મોજું છવાઈ ગયું હતું. આ ઉપરાંત તમારા બેસ્ટ ફૂડ પાર્ટનર કોણ છે? તમને કોના પર ક્રશ છે? એવા સવાલો પૂછીને સ્ટુડન્ટ્સને આનંદિત કરી દીધા હતા. એટલું જ નહીં, આયુષ્માન ખુરાનાએ સારા અલી ખાનને સાથે રાખીને પોતાના મોબાઇલમાં રીલ્સ બનાવી હતી. આયુષ્માન ખુરાના ઊડતા બોલ્યા અને વિદ્યાર્થીઓએ તીર બોલીને એની રીલ પૂરી કરી હતી.
સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાએ સ્ટુડન્ટ્સ સાથે રીલ્સ બનાવી હતી
સારા અલી ખાને સ્ટુડન્ટ્સ સાથે હળવા અંદાજમાં કૉલેજલાઇફ અને વિદ્યાર્થીજીવનના અનુભવોની વાતો કરીને કહ્યું હતું કે ‘જો મને ફરીથી યુનિવર્સિટીમાં ભણવાની તક મળે તો હું ચોક્કસ આ યુનિવર્સિટીની પસંદગી કરું. અહીંના સ્ટુડન્ટ્સ ઉત્સાહી અને પ્રેમાળ છે.’
સારા કૅમ્પસમાં આવતાં જ સ્ટુડન્ટ્સ બોલી ઊઠ્યા હતા કે સારા, આઇ લવ યુ. આમ બોલાતાં જ સારા અલીએ પણ હાથથી હાર્ટની ઇમોજી બનાવીને સ્ટુડન્ટ્સને ખુશ કરી દીધા હતા.