ટોટલ ટાઇમપાસ:ઍક્ટર્સ માટે તેમનું રિજેક્શન ખૂબ જ પર્સનલ હોય છે:અદિતિ રાવ

24 March, 2021 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ઍક્ટર માટે રિજેક્શન ખૂબ જ પર્સનલ હોય છે. તેઓ તમને રિજેક્ટ કરે છે. આ ખૂબ જ પર્સનલ હોય છે. આ ખૂબ જ મુશ્કેલ અને દિલ તોડી નાખે એવું હોય છે.

અદિતિ રાઓ હૈદરી

અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે તે ખૂબ જ સેન્સિટિવ છે. જાડી ચામડીનું બનવું તેના માટે ખૂબ જ મુશ્કેલ છે. સેલિબ્રિટીઝની ઘણી વાર ટીકા થતી હોય છે અને તેમને સોશ્યલ મીડિયા પર કોઈ પણ વિચિત્ર કારણસર ટ્રોલ કરવામાં આવે છે. આ વિશે વાત કરતાં અદિતિ રાવ હૈદરીએ કહ્યું હતું કે ‘લોકોને એકબીજા સાથે કમ્પેર કરવામાં, એકબીજાને નીચા પાડવામાં અને ટીકા કરવામાં મજા આવે છે. હું ખૂબ જ સેન્સિટિવ છું. મારા માટે જાડી ચામડીના બનવું ખૂબ જ મુશ્કેલ છે. હું દરેક વસ્તુને ફીલ કરી લઉં છું. હું જેટલા જોરથી હસું છું એટલા જ જોરથી રડું પણ છું. ઍક્ટર જે રીતે સેન્સિટિવિટી દેખાડે છે એવી જ રીતે હું રિયલ લાઇફમાં છું. આથી મારા માટે ઘણી વાર ખૂબ જ કપરા અને મુશ્કેલ દિવસો આવે છે, પરંતુ હું હંમેશાં આશાના કિરણ પર ફોકસ કરું છું. એક ઍક્ટર માટે રિજેક્શન ખૂબ જ પર્સનલ હોય છે. તેઓ તમને રિજેક્ટ કરે છે. આ ખૂબ જ પર્સનલ હોય છે. આ ખૂબ જ મુશ્કેલ અને દિલ તોડી નાખે એવું હોય છે.’

સાઇના અને તેની ફૅમિલીની સાદગી જોઈને હું અભિભૂત થઈ ગયો હતો : અમોલ ગુપ્તે

મમ્મી ઉષા, પપ્પા હરવીર અને પરિણીતી ચોપડા સાથે સાઇના નેહવાલ.

અમોલ ગુપ્તેનું કહેવું છે કે સાઇના નેહવાલ અને તેની ફૅમિલી ખૂબ જ વિન્રમ છે. બૅડ્મિન્ટન સ્ટાર સાઇના નેહવાલના જીવન પર તેણે પરિણીતી ચોપડાને લઈને ‘સાઇના’ ફિલ્મ બનાવી છે. આ વિશે વાત કરતાં અમોલ ગુપ્તેએ કહ્યું હતું કે ‘તેની લાઇફ અને જર્નીમાં ઊંડે સુધી ઊતરવા માટે હું ખૂબ જ ઉત્સાહી હતો. વર્લ્ડ નંબર વન ચૅમ્પિયન અને તેની ફૅમિલીની વિન્રમતા જોઈને હું અવાચક થઈ ગયો હતો. તેમની પ્રામાણિકતા, સાદગી અને માનવતા જોઈને હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. મારું દિલ જ્યાં કહે ત્યાં હું જાઉં છું. સાઇનાની સ્ટોરી મને ખૂબ જ અદ્ભુત લાગી હતી. મેં જ્યારે એક યુવાન સિમ્પલ છોકરીને તે કેવી રીતે વર્લ્ડ ચૅમ્પિયન બની એ જોયું ત્યારે મને લાગ્યું કે ‘સાઇના’ની સ્ટોરી લોકો સમક્ષ લાવવી જોઈએ.’

સફળતાના આધારે જજ કરવામાં આવે એ પસંદ નથી સુનીલ શેટ્ટીને

સુનીલ શેટ્ટીનું કહેવું છે કે સફળતાના આધારે લોકોને જજ કરવામાં આવે એ ખોટું છે. તેનું માનવું છે કે આ રીતે જજ કરવામાં આવે એ ઍક્ટર માટે માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ હોય છે. સુનીલ શેટ્ટીએ ૧૯૯૨માં ‘બલવાન’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બૉલીવુડની લાઇફ વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘બૉલીવુડની લાઇફની જે સ્પીડ છે અથવા તો તમે એમાં જે પ્રયત્નો કરો છે એ તમને થકવનારા નથી હોતા. તમારી આસપાસના લોકો તમને સતત જજ કરે છે એ ખૂબ જ તકલીફદાયક છે. સફળતા અને નિષ્ફળતાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તમારી સફળતાને આધારે તમને જજ કરવામાં આવે છે અને માનસિક રીતે એ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે.’

આગરા સેન્ટ્રલ જેલમાં યામી ગૌતમને ગાર્ડ દ્વારા શા માટે સૅલ્યુટ આપવામાં આવી હતી?

યામી ગૌતમને આગરા સેન્ટ્રલ જેલના ગાર્ડ્સ દ્વારા તે જ્યારે આવ-જા કરતી ત્યારે તેને સૅલ્યુટ કરવામાં આવતી હતી. તેણે તેની આગામી ફિલ્મ ‘દસવીં’નું શૂટિંગ ત્યાં કર્યું હતું જેમાં તે હરિયાણવી પોલીસ ઑફિસર બની છે. આ ફિલ્મના અનુભવ વિશે યામીએ કહ્યું હતું કે ‘તમે જ્યારે જેલમાં દાખલ થાઓ છો ત્યારે ત્યાં ઘણા ગેટ છે જેને ક્રૉસ કરીને તમારે જવું પડે છે. હું જ્યારે આ ગેટ્સ ક્રૉસ કરતી ત્યારે એ ગેટના ગાર્ડ્સ દ્વારા મને સૅલ્યુટ કરવામાં આવતી હતી. મને ખૂબ જ સારું લાગી રહ્યું હતું, પરંતુ થોડી વાર પછી મને અહેસાસ થયો હતો કે તેઓ મને નહીં પરંતુ યુનિફૉર્મને સૅલ્યુટ કરી રહ્યા હતા.’

‘આશ્રમ 2’માં પોતાનું સૉન્ગ ગાશે અધ્યયન સુમન

અધ્યયન સુમન તેના આગામી વેબ-શો ‘આશ્રમ 2’માં પોતાનાં સૉન્ગ ગાતો જોવા મળશે. તેણે હાલમાં જ તેનું સિંગલ સૉન્ગ ‘પેગ દારિયા’ રિલીઝ કર્યું હતું. તે હવે પ્રકાશ ઝાની ‘આશ્રમ 2’માં પણ પોતાનાં ઘણાં ગીત ગાતો જોવા મળશે. ‘આશ્રમ’માં તેણે રૉક સ્ટાર ટિન્કા સિંહનું પાત્ર ભજવ્યું હતું અને એ જ પાત્ર તે ‘આશ્રમ 2’માં પણ ભજવશે. આ વિશે વાત કરતાં અધ્યયન સુમને કહ્યું હતું કે ‘અત્યારે વધુપડતી માહિતી આપી શકું એમ નથી. જોકે મારું પાત્ર ટિન્કા સિંહ આ શોમાં ઘણી કૉન્સર્ટ કરતો જોવા મળશે. તેમ જ હું આ ‘આશ્રમ 2’માં મારાં પોતાનાં ઘણાં ગીતો ગાતો જોવા મળીશ.’

લોકો હવે મને ‘સિરિયલ કિસર’ તરીકે નથી ઓળખતા : ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીનું કહેવું છે કે તેના પરથી હવે ‘સિરિયલ કિસર’નો ટૅગ હટી ગયો છે. તેની ‘મુંબઈ સાગા’ હાલમાં થિએટરમાં ચાલી રહી છે. તે હવે ‘ચેહરે’ અને ‘ઇઝરા’માં પણ જોવા મળશે. તેમ જ ‘ટાઇગર 3’માં તે વિલન હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તે હાલમાં તેની કરીઅરની શરૂઆતની ફિલ્મો કરતાં એકદમ હટકે ફિલ્મો કરી રહ્યો છે. તેને મળેલા ટૅગ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું હતું કે ‘લોકો મને એ ટૅગ દ્વારા હવે નથી ઓળખતા. લોકો મારા વિશે શું વિચારે છે એ વિશે મેં ક્યારેય નથી વિચાર કર્યો. દરેક વસ્તુ ફિલ્મ પર હોય છે. લોકો મને કેવી રીતે જોશે એ વિશે મેં ક્યારેય નથી વિચાર્યું. એ લોકો પર છે કે તેમણે કઈ વાતને કેવી રીતે વિચારવી છે. હું કંઈ લોકોને પકડી-પકડીને નથી કહેવાનો કે તમે મને આ નજરથી જુઓ અથવા તો મારા વિશેનો દૃષ્ટિકોણ બદલો. એક ઍક્ટર તરીકે હું મારું કામ કરું છું અને લોકો શું વિચારે છે એ વિશે હું ક્યારેય નથી વિચારતો.’

જોઈ લો મનીષ પૉલની નવી હેરસ્ટાઇલ

મનીષ પૉલ હાલમાં જ જુહુમાં આવેલા સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમના સૅલોંની બહાર જોવા મળ્યો હતો. જોકે તેના બ્લુ હાઇલાઇટ હેર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેના નવા પ્રોજેક્ટ માટે તેનો આ નવો લુક હોય તો નવાઈ નહીં.

હું જગતમામા બની ગયો છું

આવું કહેવું છે ‘સુપર ડાન્સર’ રિયલિટી શોના હોસ્ટ પારિતોષ ત્રિપાઠીનું

સોની ટીવી પર શરૂ થતા રિયલિટી શો ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝનના હોસ્ટ પણ પારિતોષ ત્રિપાઠી છે. પારિતોષ કહે છે કે ‘આ શોએ મને જગતમામા બનાવી દીધો છે અને એની મને ખુશી છે. દુનિયાઆખી આજે મને મામાના કૅરૅક્ટરમાં જુએ છે અને એ જે ગેટઅપ છે એ ગેટઅપની મારી પાસે ડિમાન્ડ રાખે છે. બચ્ચાંઓ મને દૂરથી જોઈને જ મારી પાસે આવે અને એ પણ એક શોને કારણે બને. આનાથી બેસ્ટ બીજું શું હોય.’
‘સુપર ડાન્સર’ના આ ચોથા ચૅપ્ટરમાં પણ જજની જવાબદારી શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂર છે તો જગતમામા એટલે કે પારિતોષ ત્રિપાઠીની સાથે કો-હોસ્ટ તરીકે રિત્વિ ધનજાની છે. પારિતોષ કહે છે, ‘આ શો મારે માટે ઘર જેવો બની ગયો છે. ટીઆરપી લાવવામાં તમે નિમિત્ત બનો એ ખરેખર આનંદની વાત કહેવાય. કેટલાક લોકો તો મને ટીઆરપી-મામા કહીને પણ બોલાવે અને એવું જ્યારે સંભળાય ત્યારે ખરેખર મહેનત લેખે લાગી હોય એવી ફીલ થાય.’
‘સુપર ડાન્સર’ શનિવારથી સોની ટીવી પર શરૂ થશે.

મીરા બનવા પામેલાએ ઉતાર્યું ૧૪ કિલો વજન

‘રુદ્રકાલ’માં ઇન્સ્પેક્ટર મીરા બાસુ બનનારી બંગાળી ઍક્ટ્રેસ અગાઉ વિદ્યા બાલન સાથે ‘કહાની’માં પણ જોવા મળી હતી

સ્ટાર પ્લસના પહેલા ઍક્શન-થ્રિલર શો ‘રુદ્રકાલ’માં પોલીસ-ઇન્સ્પેક્ટરના કૅરૅક્ટરમાં જોવા મળતી પામેલા સિંહ ભુટોરિયાની આ પહેલી ટીવી-સિરિયલ છે. કરીઅરની પહેલી જ ફિલ્મ ‘કહાની’માં વિદ્યા બાલન સાથે સ્ક્રીન શૅર કરનારી ઍક્ટ્રેસે અનેક બંગાળી અને સાઉથની ફિલ્મ કરી છે, પણ હિન્દી સિરિયલ હોવાથી અને સિરિયલ પણ ક્લોઝિંગ એન્ડ સાથેની એટલે કે લિમિટેડ એપિસોડ સાથેની હોવાથી પામેલાએ ‘રુદ્રકાલ’ કરવાની હા પાડી.
ઇન્સ્પેક્ટર બનવા માટે પામેલાએ એક મહિનાની ફિઝિકલ ટ્રેઇનિંગ લીધી, જેને લીધે પામેલાનું વેઇટ ૧૪ કિલો જેટલું ઘટ્યું. પામેલા કહે છે કે ‘આ ટ્રેઇનિંગ લિટરલી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આપવામાં આવે એવી જ હતી. સવારે ૬થી ફિઝિકલ ટ્રેઇનિંગ શરૂ થાય અને રાતે ૮ વાગ્યે એ પૂરી થાય. દિવસમાં એક કલાક આરામ મળે, બાકી આખો દિવસ ટ્રેઇનિંગ ચાલુ જ હોય. આ ટ્રેઇનિંગને કારણે ફક્ત બૉડી-વેઇટ જ નહીં, આંખ નીચેથી ફૅટ દૂર થઈ અને મારું ફેસ-કટ એકદમ ક્લિયર થયું.’

વારંવાર સાથે કામ કરવાના ફાયદા અનેક છે

આવું માને છે સોની સબ પર આવતા ‘જીજાજી છત પર કોઈ હૈ’ના જલ્દીરામ

સોની સબ ટીવી પર આવતા કૉમેડી-સસ્પેન્સ શો ‘જીજાજી છત પર કોઈ હૈ’માં જલ્દીરામનું કૅરૅક્ટર કરતો અનુપ ઉપાધ્યાય આ જ શોના અન્ય તમામ કલાકારો સાથે બીજી વાર કામ કરે છે. અમુક કલાકારો સાથે તેણે આ જ શોની પહેલી સીઝનમાં કામ કર્યું હતું તો બીજા કલાકારો સાથે બીજા શોમાં અગાઉ કામ કર્યું હતું, પણ મોટા ભાગના કલાકારો એવા છે જેની સાથે અનુપ અગાઉ કામ કરી ચૂક્યો છે. અનુપ કહે છે, ‘વારંવાર સાથે કામ કરવાના અનેક ફાયદા છે, સૌથી મોટો ફાયદો જો કોઈ હોય તો એ કે તમને તમામ ઍક્ટરના પ્લસ પૉઇન્ટ અને માઇનસ પૉઇન્ટની ખબર હોય. પ્લસ પૉઇન્ટ ખબર હોય એટલે તમે એ બધાને વધારે સારી રીતે બહાર આવવા દો અને માઇનસ પૉઇન્ટની ખબર હોય એટલે તેને કેવી રીતે ઢાંકી દેવા એનીયે તમને ખબર હોય.’
અનુપ સબ ટીવીનો ફેવરિટ ઍક્ટર છે એવું કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. અગાઉ અનુપે સબ ટીવીની ‘જીજાજી છત પર હૈ’ પણ કરી હતી અને એ અગાઉ તેણે ‘એફઆઇઆર’ પણ કરી હતી. અનુપ કહે છે, ‘આ સીઝનમાં અમે માત્ર કૉમેડી નહીં, પણ સસ્પેન્સ અને થ્રિલ પર પણ ધ્યાન આપ્યું છે એટલે દાલ નહીં, આ વખતે ‘જીજાજી છત પર કોઈ હૈ’ દાલતડકા જેવી ચટાકેદાર બનવાની છે.’

bollywood news bollywood bollywood gossips aditi rao hydari