11 June, 2023 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિષ્ના ભટ્ટ
વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટ તેના લાંબા સમયના બૉયફ્રેન્ડ વેદાંત સારદા સાથે લગ્ન કરી રહી છે. તેનાં લગ્નનું ફંક્શન મેહંદી સેરેમનીથી શરૂ થયું છે. ક્રિષ્ના અને વેદાંતે ગયા વર્ષે ડિસેમ્બરમાં સગાઈ કરી હતી. તેઓ હવે ૧૧ જૂને લગ્ન કરવાનાં છે જેનાં ફંક્શન શરૂ થઈ ગયાં છે. ક્રિષ્ના ડિરેક્ટર છે અને તેની ‘1920 : હૉરર્સ ઑફ ધ હાર્ટ’ આ મહિને રિલીઝ થવાની છે.
વિવેક અગ્નિહોત્રી હવે તેની ‘ધ વૅક્સિન વૉર’ દશેરાએ રિલીઝ કરવાનો છે. આ ફિલ્મ પહેલાં ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે એ દરમ્યાન અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’, સની દેઓલની ‘ગદર 2’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મોની રિલીઝ જોતાં હવે વિવેક અગ્નિહોત્રીએ તેની ફિલ્મ ૨૪ ઑક્ટોબરે દશેરાના દિવસે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. તેણે હાલમાં જ આ ફિલ્મનું છેલ્લું શેડ્યુલ શરૂ કર્યું હતું. તેઓ હાલમાં એને ફાઇનલ ટચ અપ આપી રહ્યા છે, પરંતુ સાથે કેટલાંક દૃશ્યોનું શૂટિંગ પણ બાકી છે. આ ફિલ્મમાં નાના પાટેકર છે અને સેટ પર નૉન-ફોન પૉલિસી પણ છે, જેથી અત્યાર સુધી કોઈ દૃશ્ય લીક નથી થયાં.
નોરા ફતેહી અને પ્રભુ દેવા હાલમાં સાથે જોવા મળ્યાં હતાં. તેમનો ફોટો સાથે જોઈને લાગી રહ્યું છે કે તેઓ કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હશે. નોરા ફતેહી તેની બેલી ડાન્સ અને ઠૂમકા માટે જાણીતી છે. પ્રભુ દેવા પણ ડાન્સમાં નંબર-વન છે. આથી બન્ને સાથે મળીને એક પ્રોજેક્ટ લઈને આવી રહ્યાં હોય તો નવાઈ નહીં.
અમિત સાધે તેની આગામી ફિલ્મ ‘મૈં’નું શૂટિંગ પૂરું કર્યું છે. તેણે ગયા મહિને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને મુંબઈમાં એ પૂરું કર્યું છે. તેણે બિહાઇન્ડ ધ સીનના કેટલાક ફોટો પણ શૅર કર્યા છે, જેમાં એકમાં તેની સાથે ઈશા દેઓલ પણ છે. આ એક કોપ ડ્રામા છે અને એ સોશ્યલી રિલેવન્ટ પણ છે. એમાં એક પાવરફુલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે સીમા બિસ્વાસ, તિગ્માંશુ ધુલિયા અને મિલિંદ ગુણાજી પણ જોવા મળશે. આ ફિલ્મને ડેબ્યુટાન્ટ સચિન સરફ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. એની રિલીઝ-ડેટ બહુ જલદી જાહેર કરવામાં આવશે.