12 August, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરહાન ખાન, મલાઇકા અરોરા
મલાઇકા અરોરા આજે મૉડલિંગ, ફિલ્મો, ઍડ અને રિયલિટી શોમાં જજ તરીકે કામ કરે છે એવામાં તેના દીકરા અરહાન ખાનના ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ હતા કે મલાઇકા આખરે કામ શું કરે છે? એ વિશે મલાઇકા કહે છે, ‘મારા દીકરાએ મને જણાવ્યું કે તેના ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ છે કે હું કામ શું કરું છું? બાદમાં તેમને જાણ થઈ કે હા, તે ફિલ્મોમાં, ગીતોમાં કામ કરે છે, મૉડલ છે, વિડિયો જૉકી (VJ) બની હતી અને તે ટીવી પર પણ દેખાય છે. બાળકો મૂંઝવણમાં મુકાઈ ગયાં છે. મને જે કામ સારું લાગે છે એ હું કરું છું.’
૧૨૦ કિલો વજન સાથે વર્કઆઉટ કરી રહી છે અનન્યા
અનન્યા પાન્ડેએ જિમમાં એક્સરસાઇઝ કરતો વિડિયો શૅર કર્યો છે. એમાં તે ૧૨૦ કિલો વજન ઊંચકીને વર્કઆઉટ કરી રહી છે. તેની બાજુમાં તેનો ઇન્સ્ટ્રક્ટર પણ ઊભો છે. એ એક્સરસાઇઝની નાનકડી ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી છે, ‘૧૨૦ કિલો. જે બાબત તમને મારી ન શકે એ જ તમને આગળ વધવામાં મદદ કરે છે.’
ભૂતકાળમાં કરિશ્મા સાથે થયેલા વિવાદ પર રવીનાએ કર્યો ખુલાસો - એને લોકોએ મીઠું-મરચું ભભરાવીને ચગાવી હતી
રવીના ટંડન અને કરિશ્મા કપૂરે ૧૯૯૪માં રિલીઝ થયેલી ‘આતિશ’માં સાથે કામ કર્યું હતું. એ વખતે ઍરપોર્ટ પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એના પર હવે સ્પષ્ટીકરણ આપતાં રવીના કહે છે કે, ‘એ માત્ર સામાન્ય ચર્ચા હતી. અમારી એ કૅટ-ફાઇટ નહોતી. એ અમારી વચ્ચે કદાચ ચર્ચા ચાલી રહી હતી કે તેં આવું શું કામ કર્યું? આવું કરવાની જરૂર શું હતી? લોકોએ એને મીઠું-મરચું ભભરાવીને ચગાવી હતી. એ સમયે સોશ્યલ મીડિયા નહોતું એથી તમે ચોખવટ પણ નહોતા કરી શકતા.’