30 October, 2022 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર વરુણ ધવનની ‘ભેડિયા’નાં ‘ઠુમકેશ્વરી’ ગીતમાં જોવા મળી રહી છે
શ્રદ્ધા કપૂર તેની આગામી ‘સ્ત્રી 2’ને લઈને અતિશય એક્સાઇટેડ છે. તે વરુણ ધવન અને ક્રિતી સૅનનની ‘ભેડિયા’નાં ‘ઠુમકેશ્વરી’ ગીતમાં જોવા મળી રહી છે. એથી એમ કહી શકાય કે ‘ભેડિયા’ અને ‘સ્ત્રી’ આમને-સામને આવી ગયાં છે. પચીસમી નવેમ્બરે ‘ભેડિયા’ 2D અને 3Dમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. ‘ઠુમકેશ્વરી’ વિશે શ્રદ્ધા કપૂરે કહ્યું કે ‘કોણ આવી રહ્યું છે પાછું? ‘ઠુમકેશ્વરી’ તો એક નાનકડી ઝલક છે કે હું પાછી આવી રહી છું. ‘સ્ત્રી’ પાછી આવી રહી છે. અદ્ભુત વાઇબ મળી રહ્યાં છે. ‘ભેડિયા’ સાથે સેટ પર પાછી ફરવાની મને ખુશી છે. હું ખૂબ ઉત્સાહી છું, કારણ કે ‘સ્ત્રી 2’ની અમે જલદી શરૂઆત કરવાનાં છીએ.’
રણવીર સિંહ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી પ્રેરિત ફિલ્મમાં દેખાય એવી શક્યતા છે. એને માટે તે ફિલ્મમેકર ઓમ રાઉત સાથે ચર્ચા કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભારે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે આ મહાત્ત્વાકાંક્ષી ફિલ્મ માટે ઓમ રાઉતે રણવીરનો કૉન્ટૅક્ટ કર્યો છે, તો બીજી તરફ રણવીરને પણ આનો કન્સેપ્ટ અને આઇડિયા ગમ્યા છે. બન્ને વચ્ચે ફિલ્મ અને એની સ્ક્રિપ્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. હાલમાં રણવીર પાસે ફિલ્મોની ખૂબ ઑફર આવી રહી છે, એમાંથી તેને કેટલીક પસંદ પણ છે. જોકે એનો અર્થ એ નથી કે તે એ ફિલ્મમાં દેખાવાનો છે. ઓમ રાઉત સાથેની ફિલ્મને લઈને પણ હજી સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી.
ટાઇગર શ્રોફે આગામી પ્રોજેક્ટ માટે જૅકી ભગનાણી અને જગન શક્તિ સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મ એટલે ‘હીરો નંબર 1’, જેમાં તે શાનદાર ઍક્શન કરતો દેખાશે. આ એક ફૅમિલી-કૉમેડી ડ્રામા રહેશે. ફિલ્મને વિદેશમાં પણ શૂટ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. અન્ય કલાકાર વિશે માહિતી નથી મળી. ટાઇગર તેની ઍક્શનથી ભરપૂર ફિલ્મો માટે જાણીતો છે. ૯૦ના દાયકામાં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘હીરો નંબર 1’ને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. હવે આ નવી ‘હીરો નંબર 1’ને નવા ડિરેક્ટર અને ઍક્ટર સાથે બનાવવામાં આવી રહી છે.