15 February, 2023 08:49 PM IST | Mumbai | Chirantana Bhatt
સિદ્ધાર્થ કશ્યપ અને અલ્તમાશ
સિદ્ધાર્થ કશ્યપ (Siddharth Kasyap) અને અલ્તમાશ ફરિદીએ (Altamash Faridi) સર્જેલું ગીત અબ્ર-એ-કરમ રિલીઝ થતાંની સાથે જ યંગસ્ટર્સમાં પૉપ્યુલર બની ગયું છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ ગીત અંગે કમ્પોઝર સિદ્ધાર્થ અને ગાયક અલ્તમાશે વાત કરી અને રોમાન્સ તેમના આઇડિયા પણ શૅર કર્યો. સિદ્ધાર્થ કશ્યપે આ ગીતની વાત કરતાં કહ્યું કે, “શકીલ આઝમીના લખેલા આ ગીત સાથે જ વાત શરૂ થઇ. નુસરત ફતેહ અલી ખાનની ધૂન કોઇને કોઇ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી રહી છે, મારે નુરસત ફતેહ અલીના સુફી સ્પર્શના સંગીત વાળું કોઇ સર્જન કરવું હતું પણ બિલકુલ એ જ ઢાળમાં હોય એવું પણ નહોતું કરવું. શકીલ આઝમીએ તેમની રચના મોકલી – તેમાં હિજ્ર અને વસ્લની પણ વાત હતી. એમાં ગીત અનુસાર શાયર સાથે ચર્ચા કરી પરિવર્તન કર્યું અને પછી કમ્પોઝિશનનું કામ શરૂ થયું. કવ્વાલીની અને સુફીની છટામાં સરસ રીતે ગાઇ શકે તેવા ગાયકોની શોધ શરૂ થઇ, કયો અવાજ આ રચનાને શોભે તેનો વિચાર કરીને અલ્તમાશ પર પસંદગીનો કળશ ઢોળ્યો.”
પહેલાં આ ગીતનો ટ્રેક મોડર્ન હતો પણ એ અમને જ ગળે ન ઉતર્યો અને પછી મેં એ દિશામાં જવાનું નક્કી કર્યું જ્યાં મારું ઘડતર થયું હતું,
લક્ષ્મીકાંત-પ્યારેલાલની માફક લાર્જર ધેન લાઇફ ઓર્કેસ્ટ્રેશનનો માર્ગ લીધો અને કોરસ પણ 30 જણાનું.
અલ્તમાશએ આ ગીત સાથે પોતે કઇ રીતે જોડાયાની વાત કરતાં કહ્યું, “કે પહેલીવાર કમ્પોઝિશન સાંભળ્યું ત્યારે જ ગમી ગયું અને હું સતત સારું ગાઉં એવો જ પ્રયાસ હોય છે અને મને આ ગીત મળ્યું. લોકો સુધી આ ગીત વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ જ મારી આશા છે. લાંબા સમયથી સિદ્ધાર્થજી સાથે કામ કરવાનો વિચાર હતો અને આખરે એ સપનું ફળ્યું.”
રોમેન્ટિક ગીત હોવાને નાતે જ્યારે બંન્ન કલાકારોને પૂછ્યું કે તેમને માટે રોમેન્સનો શું અર્થ છે? સિદ્ધાર્થ કશ્યપે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, “રોમાન્સ એટલે ઇશ્ક અને પ્રેમ હોય ત્યારે તેની ખુમારી અનુભવાય અને એ જ સાચો પ્રેમ. આજકાલની પેઢી ઇશ્કની ખુમારી મિસ કરી જાય છે એવું મને લાગે છે.” અલ્તમાશ આ સવાલના જવબામાં કહે છે, “સાદગી મેં હી કયામત કી અદા હોતી હૈ નો વિચાર અમારા ગીતમાં પણ દેખાય છે અને હું પણ એમ માનું છું. જો કે મારું એમ પણ માનવું છે કે વ્યક્તિએ પોતાના કામને પ્રેમ કરવો જોઇએ કારણકે તો જ કર્મમાં આત્મા ભળે – માણસ કામ સાથે પણ તો રોમાન્સ કરી શકે છે. સુફી વાદ્ય હોય કે પછી ગિટાર હોય એ પણ એક પ્રકારનો નશો છે.”
સિદ્ધાર્થ કશ્યપનું કહેવું છે કે સંગીત જ નહીં પણ એવા ઘણા અનુભવોમાં રોમાન્સ રહેલો છે એટલે તેને વ્યાખ્યાઇત કરવો શક્ય નથી. તે પોતાની જાતને રોમેન્ટિક સ્વભાવના જ ગણાવે છે અને કહે છે કે પોતે જે કરે તે શિદ્દતથી કરે છે, તેમને માટે પૅશન બહુ જરૂરી બાબત છે.
વીડિયો સોંગમાં જે સરળ પ્રેમની વાત કરાઇ છે તે અંગે સિદ્ધાર્થ કશ્યપે કહ્યું કે આ ગીતનું ફિલ્માંકન જુના જમાનાના પ્રેમ જેવી ફિલીંગ આપે તેવો નિર્ણય અમારા ચેનલ પ્રોડ્યુસર અલિઝા અને વીડિયો ડાયરેક્ટર અંશુલ વિગયવર્ગીનો હતો. આ ગીતને જ્યારે પણ સાંભળીએ ત્યારે એક અલગ ફીલિંગ આવે છે પણ અમે પ્રયાસ કર્યો કે લગ્નની તામઝામને બદલે ગીતના શબ્દોને શોભે તેવી વાર્તા તેમાં વણી લેવી અને માટે જ એક નોસ્ટાલ્જિગ ફીલિંગ વાળું વીડિયો સોંગ બન્યું. નેવુંના દાયકામાં સુલ્તાન ખાન સાહેબના ગીત પિયા બસંતી રે...માં જે એક સરળ રોમેન્ટિક વાર્તા વણી લેવાઇ હતી એ મને યાદ હતું અને એ જ દિશામાં ગીતનું ફિલ્માંકન ઢાળવાનું નક્કી કરાયું. બંન્ને એક્ટર્સે પણ સરસ કામ કર્યું છે.
અલ્તમાશ જે હજી માત્ર 27 વર્ષના છે તેમનું આ સરળ પ્રેમ અંગે કહેવું છે કે, “નાના ગામ કે શહેરોમાં હજી પણ આ પ્રકારનો જ પ્રેમ હોય છે અને પ્રેમના માધ્યમો બદલાયા છે પણ તેની વ્યાખ્યા તો યથાવત્ જ રહી છે.”
આ પણ વાંચો : શર્મિલા ટાગોરને જોઈને ગીત ગાતો હતો મનોજ બાજપાઈ
સિદ્ધાર્થ કશ્યપ પણ માને છે કે, “પ્રેમ હજી પણ યથાવત્ છે સમય સાથે બદલાયું એટલું કે પહેલાં માણસ ઘણાં વિકલ્પો નાણીને એક જગ્યાએ બંધાતો આજે ફાસ્ટ જમાનામાં વ્યક્તિ પહેલાં અનેક જગ્યાએ ફસાઇને પછી એક જ જણ પર નજર ઠેરવે છે.”