નાખી દેવા જેવી ફિલ્મો પણ ૨૦૦ કરોડની કમાણી કરે છે : તિગ્માંશુ ધુલિયા

02 April, 2019 12:10 PM IST  | 

નાખી દેવા જેવી ફિલ્મો પણ ૨૦૦ કરોડની કમાણી કરે છે : તિગ્માંશુ ધુલિયા

તિગ્માંશુ ધુલિયા (ફાઈલ ફોટો)

તિગ્માંશુ ધુલિયાનું કહેવું છે કે કચરા જેવી ફિલ્મો પણ આજે ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમનું એવું માનવું છે કે દર્શકોનો ફિલ્મો પ્રતિનો ટેસ્ટ બદલાઈ ગયો છે. આ વિશે વધુ જણાવતાં તિગ્માંશુએ કહ્યું હતું કે ‘મેં જોયું છે કે હવે લોકોનો ફિલ્મોનો ટેસ્ટ બદલાઈ ગયો છે સાથે જ તેમની પસંદગી પણ થોડી બદલાઈ ગઈ છે. પહેલાં અમે એક ફિલ્મ બનાવતા હતા જે દરેક વર્ગના લોકો માટે બનતી હતી. હવે તો માત્ર કેટલાક વર્ગના લોકો માટે જ અમુક ફિલ્મો બનાવવામાં આવે છે. સામાન્ય લોકોની સાથે જ મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસનો ફિલ્મો પ્રતિનો ટેસ્ટ બગડી ગયો છે.’

લોકોની પસંદગી બદલાઈ જવી એ સમાજ માટે મોટું પરિવર્તન લઈને આવે છે. એ વિશે તિગ્માંશુએ કહ્યું હતું કે ‘દાદા કોંડકે એક સુપરહિટ ફિલ્મ-મેકર હતા. તેમની દરેક ફિલ્મો સારી ચાલતી હતી. તેમની ફિલ્મોને આગળ બેસનારા અને કામગાર વર્ગના લોકો જોવા જતા હતા. સારા પરિવારના લોકો તેમની ફિલ્મો જોવા જતા નહીં. તમે જોઈ શકો છો ‘ધમાલ’ અને એની બધી ફિલ્મો, જેનું ટ્રેલર પણ નાખી દેવા જેવું છે. આવા પ્રકારની ફિલ્મો ૨૦૦ કરોડની કમાણી કરી લે છે. એનો અર્થ એ થયો કે આવી ફિલ્મો જોવા માટે મલ્ટિપ્લેક્સના દર્શકો જાય છે.’

સમય પૂરી રીતે બદલાઈ ગયો છે એ કહેવું થોડી ઉતાવળ હશે. એવું જણાવતાં તિગ્માંશુએ કહ્યું હતું કે ‘આ એક અપવાદ કહી શકાય છે. એમાં કોઈ ચોક્કસ નિયમ નથી. ૨૦૧૨માં ‘કહાની’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ અને ‘પાન સિંહ તોમર’ આ બધી ફિલ્મોને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. ત્યાર બાદ તો ત્રણથી-ચાર વર્ષનો ગૅપ પડી ગયો હતો. જોકે, ગયું વર્ષ સારું હતું. આવું ક્યારેક થઈ જાય છે.’

આ પણ વાંચોઃ આ ગુજરાતી પ્રોડ્યુસરના પુત્રના લગ્નમાં ઉમટ્યું બોલીવુડ

તિગ્માંશુ ધુલિયા ક્યારે ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે?

તિગ્માંશુ ધુલિયાને ફિલ્મોના બૉક્સ-ઑફિસ કલેક્શનથી કોઈ ફરક નથી પડતો. જોકે તેમની ફિલ્મો સારી ન બને ત્યારે તેઓ ફસ્ટ્રેશનમાં આવી જાય છે. શું બૉક્સ-ઑફિસની તેમના પર કોઈ અસર પડે છે એ વિશે પૂછતાં તિગ્માંશુ ધુલિયાએ કહ્યું હતું કે ‘મને એનાથી ફરક નથી પડતો. જોકે હું ત્યારે હતાશ થઈ જાઉં છું, જ્યારે મારી ઇચ્છા પ્રમાણે ફિલ્મ નથી બનતી. એ મારા માટે ખૂબ મોટી નિરાશા છે. હિન્દી ફિલ્મ્સને જે રીતે દેખાડવામાં આવે છે એના કરતાં હું અલગ રીતે સ્ટોરીને કહેવા માગું છું. કન્ટેન્ટ બદલાઈ રહ્યો છે. તમને એમાં હીરો, હીરોઇન અને ફ્રૅન્ડ્સ તો જોઈશે, પરંતુ હું એના સ્ક્રીનપ્લેને જુદી રીતે રજૂ કરવા માગું છું.’

tigmanshu dhulia bollywood