બૉલીવુડમાં ખૂબ દાદાગીરી ચાલી રહી છે: પીયૂષ મિશ્રા

05 September, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં ખૂબ દાદાગીરી ચાલી રહી છે: પીયૂષ મિશ્રા

પીયૂષ મિશ્રા

પીયૂષ મિશ્રાનું કહેવું છે કે બૉલીવુડમાં ખૂબ દાદાગીરી ચાલી રહી છે. જોકે તેમનું માનવું છે કે નેપોટિઝમ જેવું કંઈ નથી. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં નેપોટિઝમને લઈને વિવાદ ચગ્યો છે. એ વિશે સૌકોઈ ચર્ચા કરી રહ્યા છે. એ સંદર્ભે પીયૂષ મિશ્રાએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે નેપોટિઝમ જેવું કંઈ હોય. જો એવું હોય તો એણે મારી પ્રગતિને અટકાવી હોત. એ ક્યારે પણ મારા અને મારા કામ વચ્ચે નથી આવ્યું. ન તો કદી પણ મારા કૉન્ટ્રૅક્ટ્સમાં એને લઈને કોઈ તકલીફ આવી હોય. હા, મારા પાગલપનને કારણે એવા આકરા અનુભવ થયા હતા. એવાં એકાદ-બે ઉદાહરણ હતાં જેના કારણે મારે ઘણું વેઠવાનો વારો આવ્યો હતો. મેં કૉન્ટ્રૅક્ટ બરાબરથી વાંચ્યાં નહોતાં. એની મને ચોક્કસ માહિતી નહોતી. આજે હું અહીં સુધી પહોંચ્યો છું તો એ મારા કામ અને લોકોએ મારો સ્વીકાર કર્યો એને આભારી છે. મને નથી લાગતું કે નેપોટિઝમ હોય અથવા તો એમ કહી શકાય કે મને એની જાણ નથી. હા, ઇન્ડસ્ટ્રીમાં દાદાગીરી ખૂબ છે. ઉદાહરણ તરીકે હું મોટો સ્ટાર છું, તેં મારા આશીર્વાદ નથી લીધા, મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તું ઊભો નહોતો થયો. આવું ઘણુંબધું ચાલે છે.’

નેપોટિઝમ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં પીયૂષ મિશ્રાએ કહ્યું હતું કે ‘કોણ પોતાનાં બાળકોને સારી કરીઅર ન આપવા માગે? જોકે કેટલાક લોકોને ગેરસમજ હોય છે કે ‘અમે સ્ટાર છીએ તો અમારાં સંતાન પણ સ્ટાર જ બનશે’ એવું હંમેશાં નથી શક્ય. મારા પિતા ક્લર્ક હતા. એ જરૂરી નથી કે પેરન્ટ્સ કલાકાર હોય તો તેમનાં બાળકો પણ કલાકાર જ બને. આવી અપેક્ષાઓ પેરન્ટ્સે ન રાખવી જોઈએ. સાથે જ મારું એવું માનવું છે કે બાળકોને તૈયાર કરીઅર ન આપવી જોઈએ. તેમણે પણ પરિશ્રમ કરવો જોઈએ. તેમણે પણ સ્ટ્રગલ કરવી જોઈએ એ જાણવા માટે કે તેમના પેરન્ટ્સે સ્ટ્રગલ કરીને સ્ટારડમ મેળવ્યું છે. ઘણા કલાકારોને તેમના પેરન્ટ્સ પાસેથી સ્ટારડમ મળે છે તો ભવિષ્યમાં સમય હાથમાંથી નીકળ્યા બાદ તેમને પસ્તાવાનો વારો આવે છે. બાદમાં તેમની ઓળખ આધે અધૂરે સ્ટાર્સ તરીકે થાય છે.’

entertainment news piyush mishra bollywood bollywood news bollywood gossips